“ચપટીક અજવાળું” – અરવિંદ બારોટ

 (ફણગો ફૂટવાની ઝંખનાનું ગીત)

 

 

ચપટીક અજવાળું આપો તો, માતાજી !

ચારચાર દીવાની માનતા કરું..

પહલીમાં પરવાળું આપો તો, માતાજી !

દરિયાના વિવાઃની વારતા કરું..

 

સાતસાત લીમડામાં એક ડાળ મીઠી ને,

સાસુડી ઝેર જેવી કડવી રે લાગે,

આયખું રે ખોદીને ગાળ્યો મેં વીરડો

પેટાળે સરવાણી તોયે ના તાગે,

ઝરમરતું પડનાળું આપો તો, માતાજી !

તરસ્યુંને પીવાની આશના કરું..

 

ડેલીએ ડાયરો ઘૂંટે કહુંબા ને

વૈશાખી વાયરો ફળિયામાં ઝૂરે,

અભર્યે ભરેલ મારાં મેડી ને માઢમાં–

સૂસવતી એકલતા એકલડી ઝૂરે,

વેણ હવે વિગતાળું આપો તો, માતાજી !

હોઠે હાલરડાં–ની આરદા કરું.

 

તા. ૦૨,૦૬,૨૦૧૨

(સૌજન્ય : સર્જકશ્રી – ફેસબુક પરથી)

 

1 comment for ““ચપટીક અજવાળું” – અરવિંદ બારોટ

  1. June 10, 2018 at 2:41 am

    વાહ! દરેક લીટી દાદ માગી લે છે.
    સરયૂ પરીખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *