પત્ર (૧) : પતરાળીએ પીરસ્યાં પકવાન !

દેવિકા ધ્રુવ અને નયના પટેલ જેવી દુરદુર વસતી બે જુની બહેનપણીઓ વચ્ચે ઓચીંતો પત્રવ્યવહાર શરુ થાય છે અને યુકે–યુએસએ વચ્ચે બે હૈયાં પત્રમાધ્યમે ધબકે છે ! સામાન્ય રીતે કહેવાતું કે બે બહેનો વાતે ચડે એટલે પછી સમય થંભી જાય. અહીં તો બન્ને શબ્દ સાથે નાતો ધરાવતી બહેનો છે. પરીણામે જે પ્રગટે છે તેમાં ભાષા, શૈલી અને વિષ્યવૈવિધ્ય ધ્યાન ખેંચે છે. (જેમને પણ રસ હોય તેમણે આ પત્રવ્યવહારને પુસ્તકરુપે પ્રગટેલ “આથમણી કોરનો ઉજાસ”) વાંચવું જ રહ્યું !

અહીં એ બધા પત્રોને ક્રમશ: પ્રગટ કરીને એને મારા વાચકો સુધી પહોંચાડવાનો ઉપક્રમ છે. આશા છે સૌને એનો રસાસ્વાદ અનુકુળ રહેશે.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

 મિષ્ટ અને વિશિષ્ટ વાતોની વાનગીનું તૈયાર ભાણું !!

પત્ર ૧

પ્રિય સાહિત્ય-મિત્ર,

કેવું સંબોધન છે, નહિ?

‘પ્રિય’ વિશેષણ સાહિત્યને પણ લાગુ પડે છે અને મિત્રને પણ!  અને વળી જે સાહિત્ય થકી, સાહિત્યને માટે અને સાહિત્યને લીધે  મિત્ર થયેલ છે તે  સાહિત્ય-મિત્ર એ અર્થ પણ ખરો જ! આવું કંઈક વિચારું  કે લખું ત્યારે ગુજરાતી ભાષાની સમૃદ્ધિ  જ અંતરમાં છલકાઈ ઊઠે છે અને શબ્દોનું ઐશ્વર્ય મનમાં મલકાઈ ઊઠે છે. કદાચ  એટલે  જ કહેવાયું  હશે કે, શબ્દ બ્રહ્મ છે, અવિનાશી અક્ષરોનો અર્ક છે.

આજે થાય છે કે બસ…શબ્દનો જ મહિમા ગાઉં. મન ભરીને ગાઉં. કારણ કે, શબ્દ સાહિત્ય સર્જે છે, ચિત્રો દોરે છે. શબ્દ સંગીત રચે છે, નર્તન કરે છે, શબ્દ શિલ્પ ઘડે છે, કલાના હર રૂપમાં રમે છે. શબ્દ સ્પર્શ છે,  હૈયાનો ધબકાર છે. શબ્દ વિચારોની પાંખ છે અને ચિંતનની આંખ છે. શબ્દ મનનો ઉમંગ છે તો અંતરનો તરંગ છે.

શબ્દ અભિવ્યક્તિનું અંગ છે અને અનુભૂતિનો રંગ છે. શબ્દ આભની ઊંચાઇ છે તો સાગરની ગહરાઈ છે.
શબ્દ સૂરજનું તેજ છે, ચંદ્રનું  હેત છે. શબ્દ સૃષ્ટિનો વિહાર છે અને વાણીનો વિકાસ પણ છે.
શબ્દ અદભૂત વર્ણન છે, એ માનવીનું સર્જન છે. બીજી રીતે કહું તો, શબ્દ અહમથી સોહમની યાત્રા છે, ઈશ્વરની આરાધના છે. શબ્દ હૃદયનો આસવ છે અને પવિત્ર પ્રીતનો પાલવ છે.

તો સાહિત્ય-મિત્ર, આવો અને મારી આ શબ્દ સાધનામાં જોડાઈ તેના વિવિધ અર્થોને, અલંકારોને, ભાવોને, પ્રકારોને, સ્વરૂપોને સાથે સમજીને બિરદાવીએ, પ્રશસ્તિગાન ગાઈએ.

સૌથી પહેલાં તો એક જ શબ્દના અનેક અર્થ થતા હોય તેવા શબ્દોને યાદ કરી લઈએ. આ વાક્ય લખતાંની સાથે પ્રશ્ન ઉદભવે છે કે, શબ્દની શરૂઆત ક્યારે થઈ હશે? મને લાગે છે કે, આદિ-અનાદિકાળથી, સેંકડો વર્ષ પૂર્વે માણસના જન્મથી થતા હોકારા અને હાવભાવમાંથી શબ્દનું સર્જન થયું હશે. જરૂરિયાત પ્રમાણે તેમાં વિકાસ થતાં વાણીનો ઉદભવ થયો હશે. ખેર! એ વળી એક લાંબી વાત. હાલ તો વિવિધ અર્થવાળા શબ્દોને સંભારી લઈએ.

શું કહો છો, દોસ્ત? જવાબની રાહ જોઉં ને?

 લિ.  સહૃદયી મિત્ર,
        દેવિકા ધ્રુવ
Email: ddhruva1948@yahoo.com

3 comments for “પત્ર (૧) : પતરાળીએ પીરસ્યાં પકવાન !

 1. જાદવજી કાનજી વોરા
  July 11, 2018 at 5:07 am

  દેવિકાબહેન, આપની જાણ ખાતર લખું કે, ૬૦ની વયે પહોંચ્યા બાદ મેં એવા મિત્રો જેઓ સાહિત્ય અને આધ્યાત્મિક સ્પર્શ ધરાવતા હોય તેમની સાથે ગમતાંનો ગુલાલ તથા વિચારોના આદાનપ્રદાન કરવા માટે પત્રમૈત્રી વિકસાવવાની શરુઆત કરી તે છેલ્લા આઠ વરસથી હું ૪૦૦ જેટલા મિત્રો સાથે નિયમીત પત્રમૈત્રી ધ્વારા સંપર્કમાં રહી શકું છું. આ માટે મેં અત્યાર સુધી ૩૮ જેટલા પત્રશ્રેણીના પત્રો તથા અન્ય ૮૦૦ જેટલા પત્રો લખ્યા છે જે ૪૦૦ મિત્રોને મોકલાવ્યા છે. એ વિશેના મારા બે પુસ્તકો પણ પ્રગટ થયા છે. આભાર.

  • July 17, 2018 at 8:19 am

   મીત્ર જે. કે. વોરાની કોમેન્ટ વાંચી મેં આ કોમેંન્ટ લખેલ છે. મીત્ર અને પ્રવૃત્તી બાબત લખવું તો ઘણું છે.  પ્રવૃત્તીની જાંણ ઓછા ખર્ચે ઘણાંને કરવી હોય તો નેટ અને બ્લોગ એનો સરળ ઉપાય છે. ટાઈપ ભુલ ક્યારે પણ સુધારી શકાય. મીત્રને આ બાબત હું પોસ્ટકાર્ડ જરુર લખીશ…

   • admin
    July 18, 2018 at 9:37 am

    વોરાસાહેબ, આપની બધી જ ટીપ્પણીઓ જોઈ ગયો છું. ખુબ આભાર માનું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *