પત્ર (૨) : પ્રત્યેક શબ્દ અલગ  સંદર્ભ આપે છે…

પત્રાવળી 

દેવિકાબેન

ખુબ સુંદર શરૂઆત છે. 

શબ્દ એકએની સાથે સંકળાયેલા સંદર્ભ અનેક. શબ્દ એકએના રૂપ અનેક. શબ્દની સાથે ગોફની જેમ ગૂંથાતા જતા એકમેકના લાગણીના તારથી જ તો આપણે અરસ-પરસને સાંકળી લઈને છીએને! 

માનવ જાત બોલતા શીખી ત્યાંથી જ ભાષાનો ઉદભવ થયો હશે કદાચ તમે કહ્યું એમ હોંકારા-પડકારાના ધ્વનિમાંથી અક્ષર પકડાયો હશે, અક્ષરમાંથી શબ્દો રચાયા હશે.

જેમ શૂન્યની શોધ થઈ ત્યાંથી આખે આખુ ગણિત શાસ્ત્ર રચાયું એમ ક્યાંક કોઇ પ્રથમ અક્ષર પકડાયો હશે અને એમાંથી શબ્દનું સર્જન થયું હશે. શબ્દો થકી ભાષાનો ઉદ્ભવ થયો હશે. અલગ અલગ લિપીમાં લખાયેલા અક્ષરોથી અલગ-અલગ ભાષાની ઓળખ સર્જાઇ. સંસ્કૃતહિન્દીગુજરાતીમરાઠી…..કેટલા નામ ગણવા

મનના વિચારોને અભિવ્યક્ત કરવા શબ્દ જેવું ઉત્તમ માધ્યમ સર્જાયુ. આપણા આખે આખા ભાવ જગતને પદ્ય સ્વરૂપે કે ગદ્ય સ્વરૂપે મુકીએ છીએ ત્યારે પણ સેતુ તો શબ્દો જ બની રહે છે ને!

ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતી ભાષા કેટલી સમૃદ્ધ છે, નહીંએક શબ્દ પણ અનેક અર્થ આપી જાય છે. જરૂર છે સાચી જગ્યાએ સાચા અને યોગ્ય સંદર્ભમાં શબ્દ પ્રયોગની. શબ્દો માત્ર શાબ્દિક ન બની રહેતા માર્મિક બની જાય ત્યારે એ વધુ સ્પર્શે છે. 

આ શબ્દ માટે પણ શું કહેવુંઅવાજધ્વનિનાદસ્વરબોલવચન. આમ જોવા જઈએ તો આ બધા જ શબ્દના પણ અર્થ એક છે પણ આ પ્રત્યેક શબ્દ પણ અલગ  સંદર્ભ સર્જે છે.

અવાજને આપણે ઘોંઘાટ સાથે સાંકળીએ છીએ. ધ્વનિને આપણે કાવ્ય સાથે સાંકળીએ છીએ તો નાદ શબ્દ આપણને કોઇ અલૌકિક વિશ્વ સાથે જોડી દે છે. સ્વર શબ્દ આપણને સંગીતની દુનિયામાં લઈ જાય છે. બોલ શબ્દ પણ વેણ કે મહેણાના સંદર્ભમાં લેવાય ત્યારે જરા આકરો નથી લાગતો?  તો વળી વચન શબ્દ પ્રતિબદ્ધતાનો સૂચક બની જાય છે.

આમ આ પ્રત્યેક શબ્દોના અર્થથી પણ એક અલગ ભાવ પ્રગટે છે.

ભાષાના કેટલાય શબ્દો મળીને શબ્દકોષ રચાયો અને એ અદ્ભૂત  સર્જને તો આજે મારા-તમારા જેવાને કેટલા નિકટ લાવી દીધા..

સાહિત્ય મિત્રએ પણ કેટલો સરસ શબ્દ! તમારી સાહિત્યની સફરમાં મને મિત્ર બનવાનો ય આનંદ અનેરો છે. તો ચાલોશબ્દોની સંગે સાહિત્યનો રંગ માણીશું


– રાજુલ કૌશિક

(જાન્યુ.૭નો પત્ર)
 http://www.rajul54.wordpress.com Email: rajul54@yahoo.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *