પત્રાવળી – (૩) પાણિયાળો શબ્દ ‘પાણી’ !!

પત્ર નં. ૩

રાજુલબેન,

વાહ, વાહ! શબ્દોની સંગે સાહિત્યનો રંગ. ખૂબ ગમ્યું. તમે તો સૌથી પ્રથમ અને શીઘ્ર પ્રતિભાવક! એટલું જ નહિ રસપ્રદ અને  સાચા સાહિત્યિક મિત્ર. એ રીતે પ્રોત્સાહિત કરવા માટે પહેલાં તો આભાર…ના,ના,ના…જવા દઈએ  આ ભાર.  લો, આ લખતામાં તો, આ વાતના સંદર્ભમાં ગની દહીંવાલાનો એક  શેર યાદ આવ્યો.
“ઘણું ભારણ છે જીવનમાં છતાં એક બોજ એવો છે, ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે!

આ પણ શબ્દોની અમરતા જ ને! ગમે ત્યારે ઝબૂકી જાય..

હા, તો આપણે વાત કરતા હતા દ્વિઅર્થી કે અનેક અર્થવાળા શબ્દો. રોજબરોજના શબ્દોથી જ શરુઆત કરું તો પહેલાં ધ્યાનમાં આવે છે જીવનની અનિવાર્ય જરૂરિયાત પાણીની..

‘પાણી’ શબ્દના કેટલાં બધા અર્થ?

૧.પીવાનું પાણી,.તાકાત.( જોઈએ કોનામાં કેટલું પાણી છે?) ટેક, પ્રતિજ્ઞા,નરમ વસ્તુ,શરાબ,આંસુ

વગેરે. શબ્દકોષમાં તો અધધધ…દોઢ્સોથી વધુ અર્થો આપ્યાં છે. એમાં પણ જો ‘ણ’ ને રસ્વઈ કરો એટલે કે ‘પાણિ’ લખો તો પાછા એના અનેક અર્થ. પણ મને મઝા પડી એ વાતમાં કે જ્યારે આ પાણી શબ્દ વાક્યમાં વપરાય છે ત્યારે બધાને તરત સમજાઈ જાય છે કે, સામેની વ્યક્તિ શું કહેવા માંગે છે. જુઓ, આ રહ્યા કેટલાંક ઉદાહરણોઃ

કેવું પાણી ફેરવી નાંખ્યુ.=નકામુ કરી નાંખ્યું
એ પાણીપાણી થઈ ગયો.=પીગળી ગયો.
ઊંડા પાણીમાં ઉતરવું=જોખમ લીધું.
આંખમાં પાણી આવી ગયા.=આંસુ આવી ગયા.
પછી તો એણે એવું પાણી ચડાવ્યુ..=જુસ્સો
ટાઢે પાણીએ ખસ કાઢી=બારોબાર પતાવી દેવું
એણે તો પેલાનું પાણી ઉતારી દીધું.=અભિમાન હેઠું પાડવું.
તે દી’થી મેં પાણી મૂકયું= પ્રતિજ્ઞા કરવી.
પાણીથી યે પાતળો છે એ તો=અતિ કંજૂસ
મેં લોહીનું પાણી કર્યું=ખૂબ મહેનત કરી.
એના પેટનું પાણી નથી હાલતું=ઠંડક હોવી.
જોઈ લઈશું એનામાં કેવું પાણી છે તે= શૌર્ય,હિંમત હોવી..
અરે બાપ રે! લખવા બેઠી તો કેટલાં અર્થો મળી ગયાં. આભાર જુગલભાઈનો કે તેમણે આવું કંઈક લખવા તરફ ધક્કો (મનગમતો) લગાવ્યો. અરે હાં, તેમનો તો ખાસ આભાર કે પત્રશ્રેણીના પ્રથમ પુસ્તકને વાંચીને તરત જ આ સર્જનાત્મક પ્રવૃત્તિને પોરસાવી. તેમાંથી મને સુંદર બે શબ્દો મળ્યા.૧.પત્રાવળી અને ૨. શાબ્દિક વિડીઓ.

રાજુલબહેન, આ લખી રહી છું ત્યારે, આ ક્ષણે મારા ઈમેઈલનો ઘંટ વાગ્યો. જરા વાર અટકાવીને જોયું તો આપણી આ પત્રાવળીની જ વાત ટેલીપથીની જેમ (હાલ ભારતથી) સખી નયના પટેલની કલમમાં પડઘાઈ! તો આજે એની પણ વાનગી આ પત્રાવળીમાં પીરસી દઉં છું, હોં ને?
ચાલો, આજે આટલું જ.

દેવિકા ધ્રુવ

Ddhruva1948@yahoo.com

https://devikadhruva.wordpress.com/

1 comment for “પત્રાવળી – (૩) પાણિયાળો શબ્દ ‘પાણી’ !!

  1. July 1, 2018 at 1:47 pm

    🙏🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *