વિવેક ટેલરની એક કવિતા અંગે દેવિકા ધ્રુવ

નજર્યુંની વાગી ગઈ ફાંસ..

 

ભરબપ્પોરે ભરમેળામાં નજર્યુંની વાગી ગઈ ફાંસ,
એક-એક પગલાના અધ્ધર થ્યાં શ્વાસ

દલડાની પેટીમાં સાચવીને રાખેલા 
ઊઘડી ગ્યાં સાતે પાતાળ;
ગોપવેલી વારતા હરાઈ ગઈ પલકારે,
ચોરીનું કોને દઉં આળ?
અલ્લડ આ છાતી તો આફરે ચડી, મારા તૂટે બટન, ખૂલે કાસ.

છાતિયું ધબ્બ ધબ્બ ધબકે છે, સૈં
અને ફૂટ્યા છ કાન આખા મેળાને
લાલઘુમ્મ ચહેરાનું કારણ પૂછો તો,
મૂઈ, ગાળો ન દઉં આ તડકાને?
મેળો બનીને હું તો રેલાઉં મેળામાં, ઊભ્યા-વહ્યાનો નથી ભાસ.

ખૂંટે ખોડાઈ ઊભી ઠેરની ઠેર હું,
ભીતર તો થઈ ગ્યું ચકડોળ;
ધ્રમ્મ-ધ્રમ્મ ચહુ ઓર લોહીમાં ઢબુકે 
‘વાંહે આવ્યો તું’નો ઢોલ. 
મારામાં શોધ નહીં મુને, ઓ જોગીડા! તારો જ માંહ્યલો તપાસ.

–વિવેક મનહર ટેલર
(૨૦-૦૧-૨૦૦૮)

 

જાન્યુ. ૨૦૦૮માં લખાયેલું આ ગીત  પહેલી વારમાં જ મનમાં વસી ગયું હતું. તે પછીની તરતની ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકમાં વાંચ્યું હતું. આજે ફરી શોધીને ખાસ વાંચ્યું અને રસદર્શન કરવાનું મન થયું. ( ફેબ્રુ.૨૦૧૭)

 

ગીતનો ઉપાડ જ કેવું મઝાનું મેળાનુ ચિત્ર મનમાં ઊભું કરે છે? બપોરનો સમય, મેળો, માનવમહેરામણ, કોઈની નજર અને શ્વાસનું અધ્ધર થવું.. પ્રથમ બે પંક્તિમાં તો ઘણું ઘણું કહી દીધું અને તે પણ એકદમ અસરકારક રૂપક અલંકાર પ્રયોજીને..!” નજરની અનુભૂતિની એ તીવ્રતાને “વાગી ગઈ ફાંસ” અને“પગલાંના અધ્ધર થ્યાં શ્વાસ” જેવા શબ્દ અને પ્રાસ યોજીને જાણે વાચકની જિજ્ઞાસાને અધ્ધર કરી દીધી! આ શરુઆતની પંક્તિમાં જ આટઆટલું ભરી દેનાર કવિનું કવિકર્મ ઝળકી ઊઠે છે.

 

પહેલા અંતરામાં, તળપદી લોક-બોલીમાં  ગામડાની એક ભોળી મુગ્ધાનું વરવું વર્ણન મન હરી લે છે. પહેલવહેલો પ્રેમ અનુભવતી નાદાન છોકરીનું હૈયું કંઈક નવા અને જુદા ધબકારા સાંભળવા માંડે છે. ક્યાંય સીધી વાત નથી છતાં “કશુંક તો ચોરાઈ ગયું છે” ની લાગણી પછી મંથન તો જુઓ?” “ચોરીનું કોને દઉં આળ?”આ ચોરી  હકીકતે તો ગમી ગઈ છે ને? ને તે પછી તો કવિએ વિષયને અનુરુપ છોકરીના હાવભાવનું પહેલી પહેલી વાર થતી અંગભંગીનું વર્ણન કરી,જરી શૃંગાર રસની છાલક પણ “અલ્લડ આ છાતી તો આફરે ચડી, મારા તૂટે બટન, ખૂલે કાસ.”દ્વારા રંગભીની કરી છે. એક અંગડાઈ લેતી છોકરીનું ચિત્ર ઉભું થાય છે.

 

તે પછી બીજા અંતરામાં કવિતાનો, એના વિષયનો ક્રમિક વિકાસ પણ યથોચિત છે. કાચી કુંવારી એ વયમાં સૌથી પહેલી વાત સહિયરને કહેવાનું મન થાય એ રીતે “છાતિયું ધબ્બ ધબ્બ ધબકે છે, સૈં” કહીને કેવી ફરિયાદ કરે છે કે અહીં મારા ધબકારા વધી ગયા છે પણ  જાણે એ સંભળાય છે મેળાના લોકને! કાવ્યની નાયિકાના દિલની  અદ્ભૂત હિલચાલ ખૂબ જ સાહજિકતાથી અહીં ગૂંથાઈ ગઈ છે.  અત્યંત ઋજુતાથી પોતાના ગાલની લાલાશનુ કારણ પણ મીઠી રીસથી તડકાને સોંપી દઈ,મનમાં મલકતી અને શરમાતી છોકરી આપણી નજર સામે છતી થાય છે. “મેળો બનીને રેલાતી મેળામાં”એ શબ્દથી, માધુર્ય અને લયની સાથે મન-નર્તન સહજ પણે ઉભરે છે.

 

 ત્રીજો આખો યે અંતરો,એના શબ્દેશબ્દમા “ખૂંટે ખોડાઈ ઊભી ઠેરની ઠેર હું…થી માંડેની “તું નો ઢોલ”મેળાને અનુરુપ ચકડોળ, ઢોલ ધ્રમ ધ્રમ, વાંહે વગેરે તળપદા શબ્દપ્રયોગને કારણે વાતાવરણના મેળા સાથે પ્રેમમાં પડેલી મનો–અવસ્થા તાદૃશ બની ખીલી ઉઠે છે. છેલ્લી પંક્તિ “મારામાં શોધ નહીં મુને, ઓ જોગીડા! તારો જ માંહ્યલો તપાસ.” અનેક અર્થછાયાઓ ઉભી કરે છે. ગમતું અણગમતું કરીને, જાણે કે પોતાની જાતને અળગી કરી, સ્રી સહજ ‘પ્ર્થમ અસ્વીકાર’નું બહાનુ બતાવતી દોષારોપણ તો સામા પાત્ર પર જ ઠાલવી દે છે!!! પ્રથમ પ્રણયની સંવેદનાનું આટલું નાજુક અને બારીક નક્શીકામ ! અને તે પણ એક પુરુષની કલમે! વ્યવસાયે ડોક્ટર એવા કવિએ તો હૈયાના એક્સરે (X-ray)નો રિપોર્ટ બખૂબી કંડારી દીધો!!

નખશીખ સુંદર લયબધ્ધ આ ગીત માનસપટ પર અમીટ છાપ મૂકી જાય છે. જેટલી વાર વંચાય એટલી વાર આ ગીત તાજું તાજું જ લાગે. કવિ શ્રી વિવેક ટેલરને ખૂબ ખૂબ અભિનંદન. સાહિત્ય જગતને આવા જ ગીતો અમરતા બક્ષે એમાં કોઈ શંકા નથી.

 

દેવિકા ધ્રુવ

 

9 comments for “વિવેક ટેલરની એક કવિતા અંગે દેવિકા ધ્રુવ

 1. June 4, 2018 at 1:53 am

  વાહ! મજાની રચના…ભીતર તો થઈ ગ્યું ચકડોળ. રસદર્શન સુંદર.
  સરયૂ પરીખ,

  • June 4, 2018 at 1:56 am

   આજના પાના પર તમારી રચનાની જાહેરાત પણ જોઈ લેજો !
   સૌ લેખક વાચકોને પણ જાહેર આમંત્રણ છે.

 2. Anila Patel
  June 4, 2018 at 4:28 pm

  જેટલી વાર વંચાય એટલી વાર આ ગીત નવું નવુંજ લાગે — સાવ સાચું.
  બહુજ મસ્ત મસ્ત ગીત.

 3. Anila Patel
  June 4, 2018 at 4:31 pm

  જેટલીવાર વંચાય એટલીવાર આ ગીત નવું નવુંજ લાગે– સાવ સાચું.
  મસ્ત મસ્ત ગીત.

 4. June 4, 2018 at 4:53 pm

  આ એક વાર આંખે ચડેલું ને મને બહુ ગમેલું એ કારણે કે હું ઓફિસ જવા અમદાવાદના મીઠાખળી બસસ્ટેન્ડપર બસની રાહ જોતો ઉભો’તો ત્યારે, સામેના ત્રણ માળના મકાનથી બસસ્ટેન્ડ તરફ આવી રહેલી યુવતીપર નજર પડતાં દિલ અને મનપરની અસર કંઈક આવી હતી એ આજે યાદ આવી ગયું! ત્યારે, મારી કલ્પનાસુર એ જોવા મળી એનો સંતોષ અવર્ણીય હતો! ત્યારે, ક્યાં ખબર હતી કે એ મારી અર્ધાન્ગી બનશે!
  તમારા આ રસદર્શન વગર આ કાવ્ય સમજી ન શકાત! તમારા શબ્દોથી એને વર્ણવી દિલ સુદી પહોચાડી દીધું છે તમે!. તમને અને વિવેકભાઈને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા પડવાના! આભાર સાથે સલામ!

 5. admin
  June 5, 2018 at 1:49 am

  પરણ્યા પછી પણ કાવ્યો અસર કરી જાય છે ! તે જ રીતે પરણ્યા પહેલાં પણ ઉપયોગી થઈ પડનારાં કાવ્યો કોઈને ભવીષ્યમાં ઉપયોગી થઈ પડે ખરાં !!
  સર્જક–વીવેચક અને ભાવક ત્રણેયનો આભાર !

 6. June 5, 2018 at 1:58 am

  વિવેકભાઇનું તળપદી ભાષા અને મેળાનું ગીત ખૂબ ગમ્યું, દેવિકાબેનનું સુંદર રસદર્શન.બન્નેને અભિનંદન.
  ડો. ઇન્દુ શાહ

 7. જાદવજી કાનજી વોરા
  July 20, 2018 at 5:26 am

  બહુ જ મનોરમ્ય ગીત ! વાંચીને દિલ ખુશ ખુશ થઇ ગયું. મજા આવી ગઇ.

  • jugal kishor
   September 1, 2018 at 4:25 pm

   ખુબ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *