“આજની પોઝિટિવ સ્ટોરી”માં રામજીભાઈ પટેલ

૫૩ વર્ષથી ગુજરાતી ભાષાની શુદ્ધિ માટે અનેક પડકારોનો સામનો કરીને આજે પણ મક્કમતાથી લડત આપતા ૮૧ વર્ષના રામજીભાઈ પટેલ.

     આમ તો અંગ્રેજી ભાષાના પ્રચંડ વાવાઝોડા સામે બીજી ભાષાઓની જેમ ગુજરાતી ભાષા પણ હાંફી રહી છે. અલબત્ત, ગુજરાતી ભાષાની કેટલીક અશુદ્ધિઓ અને વિસંગતતા દૂર કરવા માટે એક માણસ છેલ્લાં ૫૩ વર્ષથી અથાક પ્રયાસો કરી રહ્યો છે. એ માણસ એટલે રામજીભાઈ પટેલ.

રામજીભાઈ પટેલે ગુજરાતી ભાષા શુદ્ધિ અભિયાનનો પ્રારંભ શા માટે અને કેવા સંજોગોમાં કર્યો તેની કથા રસપ્રદ છે. વાત છે ૧૯૬૪ની. તે વખતે રામજીભાઈ પટેલ લોકભારતી સણોસરામાં અધ્યાપક હતા. તે વખતે મહેમાન તરીકે આવેલા ગિરિરાજ કિશોરે કહ્યું કે આપણા વિદ્યાર્થીઓની અભિવ્યક્તિમાં ભાષાશુદ્ધિ તો હોવી જ જોઈએ. તેમના આ સૂચનને પગલે લોકભારતી સણોસરામાં તમામ પ્રવાહના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા શીખવવાનું નક્કી કરવામાં આવ્યું. તેની જવાબદારી રામજીભાઈ પટેલને સોંપાઈ. તેઓ ગુજરાતી ભાષાના વિષયમાં ઊંડા ઊતર્યાં. સાર્થ જોડણીકોશમાં રહેલી ભૂલોએ તેમને હચમચાવી નાખ્યા. એ પછી તો તેમણે એક ક્રાંતિકારી અને ઐતિહાસિક લેખ લખ્યો : નિયમો તેત્રીસ, ભૂલો ચોત્રીસ. આ લેખમાં સાર્થ જોડણીકોશમાં રહેલી ભૂલો, વિસંગતતાઓ, અશુદ્ધિઓ વગેરે તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું.

એ પછી તો રામજીભાઈએ ગુજરાતી ભાષાશુદ્ધિ અભિયાનને જાણે કે પોતાનું જીવન કર્મ જ બનાવી દીધું. રમણ પાઠક, જયંત કોઠારી સહિત અનેક લોકો તેમની પાસે જોડાતા ગયા. ૧૯૯૯માં ઊંઝા ખાતે ઊમિયા માતાજીના સત્સંગ હોલમાં અખિલ ગુજરાત જોડણી પરિષદ ભરાઈ. એ પરિષદમાં ગુજરાતીમાં એક જ ઈ અને એક જ ઉ નો ઉપયોગ કરવાનો ઠરાવ થયો.

એ પછી તો જુદી જુદી રીતે આ આંદોલન ચાલતું જ રહ્યું છે.

રામજીભાઈ પટેલની ભાષા માટેની જે પ્રતિબદ્ધતા અને નિસબત છે તે ખરેખર સલામ મારવાનું મન થાય તેવી છે. તેઓ પોતાની વાતને મક્કમતાથી વર્તી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ વાત જુદી જુદી રીતે કાકા સાહેબ કાલેલકર, ગોવર્ધનરામ ત્રિપાઠી સહિત અનેક લોકોએ કરેલી છે. જો ગાંધીજીનું ધ્યાન દોરવામાં આવ્યું હોત તો તેમણે પણ આ વાત સ્વીકારી હોત.

ગૂજરાત વિદ્યાપીઠના વલણથી તેઓ નારાજ પણ છે અને દુઃખી પણ છે. તેઓ પોતે ગૂજરાત વિદ્યાપીઠના પારંગત (માસ્ટર) છે. તેઓ કહે છે કે મને મારી માતૃસંસ્થા માટે આદર અને પ્રેમ છે. જો કે વિચારભેદ હોઈ શકે છે. ગૂજરાત વિદ્યાપીઠે સાર્થ જોડણીકોશ અને ગુજરાતી ભાષા અંગે ગંભીરતાથી વિચાર્યું નથી અને તે દિશામાં કામ પણ કર્યું નથી.

૮૧ વર્ષના રામજીભાઈ પટેલ આજે પોઝિટિવ મિડિયા પરિવારમાં આવ્યા. કનુભાઈ જાનીએ લખેલા પુસ્તક વિદ્યાગ્રહની બે પ્રત આપી. તેમના અભિયાનને બળ આપતો પ્રવિણ ક. લહેરીનો પત્ર ઉત્સાહ અને આનંદથી બતાવ્યો.

રામજીભાઈની ગુજરાતી ભાષા માટેની જે ઝૂઝારું લડત છે તે ખરેખર ઐતિહાસિક અને અદ્વિતીય છે. ૫૩ વર્ષથી આ માણસ થાક્યા વિના લડી રહ્યો છે. તેમની આ ગુજરાતી ભાષા માટેની કર્મપ્રીતિને ધ્યાનમાં લઈ ખરેખર તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક આપવો જોઈએ એવું કોઈને લાગે તો પણ તે અપ્રસ્તુત વાત નથી.

રામજીભાઈને તેમનાં જીવનસાથી સરોજબહેન ખભે ખભો મિલાવીને મદદ કરી રહ્યાં છે. તેમનો મોટો દીકરો નિરજ ગ્રાફિક ડિઝાઈનર છે અને અમદાવાદમાં પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરે છે. દીકરી નૂપુર પરણીને પૂણેમાં સ્થાયી થયાં છે. નાનો દીકરો ફાલ્ગુન પરિવાર સાથે આજે જ સ્થાયી થવા માટે કેનેડા ગયો છે.

રામજીભાઈને ભગવાન નિરામય દીર્ઘાયુ આપે.

–––––––––––––––––––––––––––––––––––––––

      (આજે ૭૫ વર્ષના થયેલા અમિતાભ બચ્ચનનો જન્મ દિવસ છે. સવારથી તેમના વિશે લખવાનું વિચારતો હતો, પરંતુ રામજીભાઈ પટેલ મળવા આવ્યા એટલે ૮૧ વર્ષના રામજીભાઈ વિશે, તેમની ૫૩ વર્ષની માતૃભાષા સેવાના સંદર્ભમાં લખવાનું વધારે ઉચિત લાગ્યું. અમિતાભ બચ્ચનને પણ જન્મ દિવસની શુભકામનાઓ તો આપીએ જ છીએ.)

સૌજન્ય : શ્રી રમેશભાઈ તન્ના; તેમની કૉલમ  “આજની પોઝિટિવ સ્ટોરી”

1 comment for ““આજની પોઝિટિવ સ્ટોરી”માં રામજીભાઈ પટેલ

  1. May 6, 2018 at 12:13 am

    રામજીભાઈને ભગવાન નિરામય દીર્ઘાયુ આપે.
    અમારી પ્રાર્થના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *