ઉમાશંકર જોશી : જાહેરજીવનના કવિ

– સ્વાતિબહેન જોશી

એક સાહિત્યકાર અને વિવેચક તરીકે એમના વિશે ઘણું લખાય છે અને બોલાય પણ છે. પરંતુ સાહિત્યસર્જન એ એમના જીવનનું એકમાત્ર ઘ્યેય ન હતું, કે સાહિત્યસર્જનમાં જ એમનું જીવન સીમિત ન હતું. બલકે સાહિત્ય એ એમની સમગ્ર જીવનદૃષ્ટિની એક અભિવ્યક્તિ હતી. અથવા તો, એમના જ શબ્દોમાં, મૂલ્યસંઘર્ષ પરત્વે પળભર પણ અલિપ્ત ન રહી શકતા કવિ એ હતા. એમણે પોતે જ કહ્યું છે તેમ શબ્દ એમને ક્યાં ક્યાં લઈ ગયો ? સત્યાગ્રહ છાવણીઓમાં અને જેલોમાં, વિશ્વવિદ્યાલયોમાં અને કેળવણીના ક્ષેત્રમાં, દેશની સાંસ્કૃતિક અને સામાજિક સંસ્થાઓમાં, ભારતની સંસદમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં – સમાજને ખૂણે ખૂણે શબ્દ સાથે એ ગયા. શબ્દનો ઉપયોગ એમણે કેવળ સાહિત્યના સર્જન માટે જ કર્યો નહોતો. શાસનકર્તાઓની અરાજક્તા સામે, રાજ્યના આતંક સામે, રાષ્ટ્રવાદ અને કોમવાદ સામે, સાહિત્યકારની અને સાહિત્યની સંસ્થાઓની સ્વાયત્તતા માટે, સમાજના વંચિત વર્ગોના અધિકારો અને સામાજિક ન્યાય માટે, માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર, શબ્દને એમણે ક્યારેય વિસાર્યો ન હતો, પરંતુ એક અસરકારક શસ્ત્ર તરીકે વાપર્યો હતો.

 

પોતાના સમગ્ર જીવન દરમિયાન ઉમાશંકરે ગુજરાતના, દેશના અને દુનિયાના નાનામોટા અનેક બનાવો અને પ્રશ્નો વિશે વિચાર્યું હતું અને પોતાનાં સ્પષ્ટ અને નિર્ભીકક મંતવ્યો રજૂ કર્યાં હતાં. એમના તંત્રીપણા નીચે લગભગ ચાર દાયકા સુધી પ્રકાશિત થયેલા ‘સંસ્કૃતિ’ સામયિકના અંકોમાં સાહિત્યના લેખોની જોડાજોડ ચાલુ બનાવો અને સામાજિક-આર્થિક-રાજકીય પ્રશ્નો પર નોંધો અને ચર્ચાઓ છપાઈ છે. આ વાત મહત્ત્વનાં સૂચન કરે છે કે એક જાગ્રત વ્યક્તિ – તંત્રી, લેખક કે વાચક – સમાજના પ્રશ્નોથી અને રાજકારણથી અસ્પૃષ્ટ ન રહી શકે અને, ખાસ તો, સાહિત્યને આ સમગ્ર સામાજિક-રાજકીય સંદર્ભથી અલગ કરીને જોઈ-મૂલવી-ન શકાય. સંસ્કૃતિ એટલે એમને મન બહોળા અર્થમાં લોકોનું સમાજમાં જિવાતું જીવન, જેમાં કેવળ ધર્મ અને કળા જ નહીં પરંતુ લોકોની માન્યતાઓ, વિચારો, નૈતિક મૂલ્યો અને સામાજિક-આર્થિક-રાજકીય સંસ્થાઓનો પણ સમાવેશ થાય. ભારતે રાજકીય સ્વતંત્રતા મેળવી એ પછીના શરૂઆતના સમયમાં એમણે અનેક વાર સાવચેતીનો સૂર કાઢ્યો હતો કે આપણા આઘ્યાત્મિક વારસાની અને આપણી ‘ભવ્ય સંસ્કૃતિ’ની ગુલબાંગો પુકારવામાંથી આપણે ઊંચા આવવું જોઈએ. રાષ્ટ્રીય સંસ્કૃતિ કે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના ઝનૂનની અસર નીચે લોકશાહી રાષ્ટ્રો પણ સાંસ્કૃતિક ભ્રષ્ટાચાર, સડેલ નોકરશાહી અને સત્તાલોલુપ કોમવાદના મહારોગ સામે અવાજ ઉઠાવીને સમાજશરીર અને રાજ્યશરીરને સ્વસ્થ બનાવવા પર તેમ જ પોતાનાથી ભિન્ન ભાસતા સમાજો પ્રત્યે સહિષ્ણુતા- અને એથીયે વધારે, બંધુતા- ની વૃત્તિની જરૂરિયાત પર એમણે ભાર મૂક્યો છે. સંસ્કૃતિ એ છેવટે તો, એમના શબ્દોમાં, કમબખ્ત જીવવાની ચેજ છે. સામાન્ય મનુષ્યના જીવન અને હકો સાથે એને આખરે નિસબત છે.

 

ઉમાશંકર ઉગ્રવાદી ન હતા. ઉદારમતવાદી વિચારધારાનાં સત્ય, ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાનાં મૂલ્યોને તેમજ બિનસાંપ્રદાયિકતાને એ વરેલા હતા. પોતાને જે સત્ય લાગ્યું તે ઉચ્ચારતાં આત્મસમર્પણ કરવું પડે તો તેની એમનામાં તૈયારી હતી. એમનાં બધા જ વિચારો અને મંતવ્યો સાથે સંમત થવું શક્ય ન પણ બને. પરંતુ એક સાહિત્યકાર તરીકે બિનલોકશાહી તંત્રમાં કાજળની કોટડીમાં પુરાઈ રહેવાને બદલે, કે સંસ્થાઓમાં માનતા હોવા છતાં સ્થાપિત હિતો (એસ્ટાબ્લિશમેન્ટ)ના હાથ બનવાને બદલે, એક લખતા, વાંચતા, વિચારતા, જીવતા, જાગરૂક નાગરિક તરીકે એમણે સતત નાનામોટા બનાવો અને પ્રશ્નો પર બોલતા-લખતા રહી મૂલ્યોના જતનની લડત આપી. પોતાની આસપાસના અનેક નાનામોટા પ્રસંગોમાં એમણે ભાગ લીધો; ઓછા જાણીતા બનાવો તરફ બીજાનું ઘ્યાન દોર્યું; અને ઓછી જાણીતી વ્યક્તિઓના જીવન અને કાર્યોની નોંધ લીધી. આને પરિણામે અનેક લોકો – સાથે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં આવ્યા અને એમના હૃદયમાં સ્થાન મેળવ્યું. કદાચ એ જ કારણે અનેક લોકોને આજે પણ ઉમાશંકકર પોતાનામાંના એક હતા એમ લાગે છે. અનેક લોકો માટે એ કદાચ મૂલ્યો માટે જીવનારી અને લડનારી વ્યક્તિનું પ્રતીક બન્યા હતા. પોતાને જાહેર બનાવો (પબ્લિક ઍફેર્સ)માં રસ લેતી વ્યક્તિ તરીકે તેઓ ઓળખાવતા. જાહેરજીવનનો ભાગ્યે જ કોઈ બનાવ હશે જેના વિશે એમણે લખ્યું ન હોય કે એ બોલ્યા ન હોય. ઉમાશંકર જાહેરજીવનના અને જનસમુદાયના બુદ્ધિજીવી (પબ્લિકચ્યુલ) હતા. એમનું વૈચારકિ વિશ્વ સર્જનાત્મક કે અન્ય, સમાજના, દેશના અને દુનિયાના પ્રશ્નો અને એક વિશાળ ઐતિહાસિક ફલકની સમજથી ક્યારેય અળગું ન હતું. એમના સાહિત્યને એમના આ સમગ્ર વૈચારિક સંદર્ભથી અલગ કરીને મૂલવી ન શકાય. પોતાની આસપાસના પ્રશ્નોથી સતત ચિંતિત, એ વિશે જાહેરમાં અનેક વાર બુલંદ અવાજ ઉઠાવનાર અને સામાજિક ન્યાય માટે ખેવના રાખના વ્યક્તિની ચેતનામાંથી આ સાહિત્ય નીકળ્યું છે.

 

આજે પણ સામાજિક ન્યાય, વ્યક્તિ અને સંસ્કૃતિની સ્વાયત્તતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ જેવાા પ્રશ્નો આપણી વચ્ચે છે. ઉમાશંકરના સાહિત્યમાં અનેક પ્રશ્નો ઊઠ્યા છે. એમના સતત લખાતાં અસંખ્ય લખાણોમાં ગુજરાતના, દેશના, અને અમુક અંશે દુનિયાના, સંદર્ભમાં આ પ્રશ્નો ચર્ચાયા છે. એમના સમગ્ર શબ્દસર્જનમાંથી એક આખા જમાનાના, લગભગ એક સદીના, સાંસ્કૃતિક, સામાજિક અને રાજકીય જીવનનો ઐતિહાસિક આલેખ છતો થાય છે. આજના પ્રશ્નોને સમજવામાં, આજની પરિસ્થિતિના પડકારને ઝીલવામાં અને એક ન્યાયી સમાજની રચના માટે આ સર્જનના ઐતિહાસિક સંદર્ભનો ફરીથી સાથે મળીને વિચાર કરીએ, અને એ નિમિત્તે સાહિત્ય, સંસ્કૃતિ અને આજના પશ્નોની એક નવી સમજ મેળવીએ, તો એમને સાચી અંજલિ આપી લેખાય. સપ્ટેમ્બર ૧૯૭૪માં નક્સલવાદી બહેનો પર પોલીસના સિતમ સામે અને નવનિર્માણ આંદોલનના ગુજરાતી વિદ્યાર્થીઓને દિલ્હીમાં સામ-દામ-ભેદ-દંડથી તોડવાના શાસક પક્ષના પ્રયત્નો સામે એમણે કાંઈક અકળાઈને અને કાંઈક ગુસ્સામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે દેશના નેતાઓને મન યુવાનોની આ કિંમત? આ પ્રશ્નની પાછળ એમનો ભવિષ્યની – આજની – પેઢીમાં પૂરો વિશ્વાસ છતો થાય છે. આ સંદર્ભમાં એમણે લખ્યું હતું કે ‘દેશનું ભાવિ તો સામાજિક અન્યાય સાંખી ન લેનાર મુઠ્ઠીભર યુવકયુવતીઓ હશે તો પણ ઊજળું – ઊજળું જ છે.’ આપણા મનમાં પણ આવો પૂરો વિશ્વાસ હશે તો આપણે જરૂર કામયાબ થઈશું, એક દિવસ.

(‘સેતુ’,૨૬,સરદાર પટેલ નગર,એલિસબ્રીજ,અમદાવાદ-૩૮૦ ૦૦૬)

–––––––––––––––––––––––––––––––

જાન્યુ. ૧૧ કોડિયું સામમયિકમાંથી સાભાર.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *