શ્રમીકનું કાવ્ય – ૧

એક ખેડુ’ની એકોક્તી. 

આભે બેઠું
કોણ મોકલે
ધરતી ઉપર
પાણી;
અમને
કોણ આટલું
હેત પીરસે ?!
 

ઉનાળામાં
પડ્યો કેટલો તાપ;
હવે આ પાણી !
બેનો
કેવો કીધો
મેળ મઝાનો ! 
 

આભેથી આ
ઘડીક વરસે
આગ, ઘડીકમાં
અમરત !!
એનો
કોણ ખુલાસો કરે ?
 

અમારે
ધરતીના ધાવ્યાને
આ તો થયું રોજનું !
 

તાપ પડે તો,
તપવું !

પાછું જળ વરસે તો,
બળદ-સાંતીને લઈને
બી ધરતીને સોંપી
મબલક પાક પકવવો.
 

કોણ કરે
આ એક બીજના
હજાર દાણા !

કોણ આપતું હશે
આટલું બળ, તણખલું
ધરતીને વીંધીને
આવે બહાર !
 

હવામાં ફરફરતુ’તું માંડ હજી તો-
ઘડીકમાં એ
હજાર દાણા ભરેલ ડુંડું થઈ
ખળાં છલકાવે !

અમને જીવનભર મલકાવે– 

કોણ ? 

જુગલકીશોર.

 

3 comments for “શ્રમીકનું કાવ્ય – ૧

 1. May 1, 2018 at 9:54 pm

  વાહ! બહુ સરસ રચના.
  “અમને
  કોણ આટલું
  હેત પીરસે ?!”
  એકદમ દિલને સ્પર્શી ગઈ. કોણ જાણે કેમ, મામા કવિ નાથાલાલ દવે યાદ આવી ગયા.
  સરયૂ પરીખ

 2. Triku C. Makwana
  May 2, 2018 at 6:43 am

  સરસ

 3. May 2, 2018 at 1:34 pm

  ગમ્યું .
  ઉનાળામાં
  પડ્યો કેટલો તાપ;
  હવે આ પાણી !
  બેનો
  કેવો કીધો
  મેળ મઝાનો !

  No pain….. no gain .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *