આ ભાષા કહો, કોની ?!

રસ્તાનો ચાલનાર બોલે, પંડીતજી, રસ્તાનો બોલનાર સાચો !
ભીડ્યાં કમાડ જરી ખોલે, શાસ્ત્રીજી, ભીતરની વાતને વાંચો  !

 

ગાંધીના દેશમાં રસ્તાનો ચાલનાર બોલે, તે સાચકલી બોલી,
ભાષા-સમાજમાં મોંઘેરાં મુલ એનાં વાંચો ચોપડીયું ને ખોલી !
છેલ્લે બેઠેલાંનો પાટલો પહેલો,ઓ જ્ઞાની ! ગનાન જરા જાંચો !………..પંડીતજી.

 

પહેલેરું પગલું જે પાડે તે બોલી, ને  બોલીથી  બંધાતી ભાષા,
એનીયે પાછળ જે ચાલે તે વ્યાકરણ, સાદીશી વાતના તમાશા?
સહેલી વાતું ને આમ અઘરી બનાવી દૈ, પંડીતૈ મહીં ઠાલા રાચો !……..પંડીતજી.

 

ગાંધીની   વાતને   મારીમચકોડીને      ઉંધી-અધુકડી    છાપી,
પરીવર્તન-હવાને સ્વીકારનાર  બાપુની મુક્તીની વાતને કાપી;
ખળખળતી ભાષાનાં વહેણ થયાં બંધ, કોશ રહી ગયો કેવળ શો ઢાંચો !..પંડીતજી.

 

ભાષાનું તપ અને સાધનાની વાતુંનો શો મોટો આવડો ધજાગરો ?
જીવતર આખું એને અરપી દેનારાએ નાહકનો કર્યો શું ઉજાગરો ?!
સૌની જે વાત કરે, સાધક એ સાચો,   ને કુવે રહી  કુદે તે  કાચો !…….પંડીતજી.

 

કેવળ ના ભાષા, સમાજનીય દાઝ થકી શાસ્ત્રીયતા કરવી  છે સહેલી;
નીયમોના વનમાં અટવાય ભલે વીદ્વાનો, જનતાની વાત હવે પહેલી;
ગાંધીને ઘેર, વાત ‘ગાંધીનાં માનવી’ની કરનારા કોઈ કહો,  ક્યાં છો ?!…પંડીતજી.

 

– જુગલકીશોર (એપ્રિલ ૨૦૦૭)

2 comments for “આ ભાષા કહો, કોની ?!

 1. jugal kishor
  May 27, 2018 at 11:43 pm

  તમારું સર્જન ખુબ સારું હોય છે….પન્નાલાલ કેટલું ભણ્યા ‘તા ?! તમને વરદાન મળેલું છે.

 2. May 27, 2018 at 10:32 pm

  જુભાઈ, સ્નેહ વંદન.
  બોલી, ભાષા, શુદ્ધ સાહિત્યિક ભાષા, વ્યાકરણ વિગેરે અંગે હાલમાં ફેસબુક પર વિદ્વાન પ્રોફેસરોની ઘણી શૈક્ષણિક પોસ્ટનો મારો ચાલે છે. મારું ભાષાકીય જ્ઞાન ખૂબ જ મર્યાદિત. અરે! નહિવત છે.

  લગભગ અભણેસરી કહેવાય એવુંં જ. ગુજરાતી વિદ્વાનોના નામો તો હમણાં જાણતો થયો. એમના સર્જનો હજુ પણ વાંચ્યા નથી અને નથી માનતો કે હવે વાંચીશ. વિશ્વના મહાન લેખકોના પુસ્તકોના નામ ફેસબુક પર જાણવા મળે ત્યારે એમ થાય કે મારું બૌદ્ધિક જીવન ગટરમાં જ વહી ગયું.

  એનીવે, મને, રસ્તે ચાલનારને ભાષા અંગેની આ તમારી વાત ગમી ગઈ. કોપી કરું છું. મંજુરી હશે તો મારા બ્લોગમાં આપના સૌજન્ય સહિત પોસ્ટ કરીશ.

  પ્રવીણ.,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *