શીયાળે ટાઢ્યમાં ઠર્યાં ’તાં અરજણીયા !

ઋતુ–સંહાર ! 

 

શીયાળે ટાઢ્યમાં ઠર્યાં ’તાં અરજણીયા, ઉનાળે તાપમાં મર્યાં.

દીવસોના દીવસો લગ વેઠ્યું કરીને હવે વૈતરણી આખરે તર્યાં.

 

છાપરાંની ચાયણીથી ગળતી રહી વેદના, ને

                  મળતી રહી એક પછી એક 

આપદાયું; છેવટ તો અબખે પડી ને પછી

                     આંગણીયે ગોઠવાઈ છેક !

હાથનાં કર્યાં જો હોય, હૈયે તો વાગે; આ તો જનમોનાં નામથી જર્યાં !…..અરજણીયા૦

 

એવા તે કેવા હરખુડા થૈ એક દી’

                   પરણ્યાના ઉપડ્યા સવાદો;

પરણી–પહટીને ઘરે બંધાવ્યાં ઘોડીયાં, ને

                   કલરવમાં સાંભળ્યા સંવાદો :

“અમને આ દોઝખમાં લાવવાનાં પાપ તમે શા હારુ બાપ, કહો કર્યા ?!”…..અરજણીયા૦

 

માગી–ભીખીને મળે સઘળું આ દુનીયામાં,

                     માગવાની કો’ને ના શરમ,

પરસેવે નીતરતા પૈસાના ગૌરવનો

                     જીવનભર ભોગવ્યો ભરમ;

ઉજળા ભીખારીનાં ભાગ્ય ફળે; અમને તો ગૌરવનાં ગાંડપણ નડ્યાં !………અરજણીયા૦

 

આઝાદી નામનું રમકડું શું મળી ગયું,

                          આઝાદી કોને રે કહીયે ?

આઝાદી, આબાદી આભાસી રહી ગયાં,

                       બરબાદી–પુર મહીં વહીયે !

ઋતુ ઋતુની બધી કઠણૈના વહેણ મહીં તણાયાં, તો મસાણે ઠર્યાં !……અરજણીયા૦

 

– જુગલકીશોર.

 

 

 

 

 

 

3 comments for “શીયાળે ટાઢ્યમાં ઠર્યાં ’તાં અરજણીયા !

 1. Neetin D Vyas
  May 29, 2018 at 1:10 pm

  આપનો આ “ઋતુ સંહાર” સરસ અને વિચાર પ્રેરક છે.

 2. May 29, 2018 at 5:22 pm

  આઝાદી નામનું રમકડું શું મળી ગયું,

  આઝાદી કોને રે કહીયે ?

  આઝાદી, આબાદી આભાસી રહી ગયાં,

  બરબાદી–પુર મહીં વહીયે !—-

  કેટલી સાચી વાત!

 3. May 30, 2018 at 4:10 pm

  ગમતીલો લય. સરસ શબ્દો. સરસ ભાવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *