તારાં (ફેસબુક) આંગણીયાં પુછીને જો કોઈ આવે … …

ફેસબુકીય વે’વારો

 

એ જી તારાં આંગણીયાં ‘પુછી’ને જો કોઈ આવે રે,

                   પગલુછણીયાં એને આપજે રે જી !

ગારો આખા ગામનો લાવે રે,

                        લુછીને ‘પગલાં’ માપજે રે જી !

 

પ્હેલાં એને પાણી દેજે, ધોવે નૈં  તો  પાડી દેજે;

સમજે તો ‘અંદર’ લૈ લેજે રે,

                       ‘દીવાલે’ તારી ચાંપજે રે જી !!

 

ભીતર એનું ભુંડું ભાળો, લાગે આ તો લખશે ગાળો;

કાને કરશે કુથલી ચાળો રે,

                       અધવચ્ચે એને કાપજે રે જી !

 

‘ભાઈબંધો’ય ભેળાં હશે, પછી જોવાજેવી થશે !

તારાંને તકલીફું પડશે રે,

                       ‘દીવાલે’ છાણાં થાપશે રે જી !!

 

ભેળાં થૈ ભવાઈયું કરે, સૌ સૌની મનમાની કરે;

તારે ક્હેવું થાય ‘અરે રે’ રે,

                         ઝાંપે જૈ ધક્કો આપજે રે જી.  

 

તારું ઘર તો તારું રે’શે, તારું મોટું તાળું રે’શે;

‘જુભૈ’ તો શીખામણ દેશે રે,

                     સમજીને સૌને સ્થાપજે રે જી !!               

 

– જુગલકીશોર. 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *