આત્મવંચનાનું ગીત !!

વ્યસ્ત છું 

 

 વ્યસ્ત છું.

કાચબીય અલસતાથી ગ્રસ્ત છું………વ્યસ્ત છું.

 

યુગોથી ખરચતો રહ્યો ક્ષણો,

‘બેંગ’ના સમેથી એકઠા કરી રહ્યો અણુકણો,

કામઢો છું હા, અહો, ઘણો;

ને…એષણા–પરસ્ત છું…………………વ્યસ્ત છું

 

ઉંઘમાં અનંતતા અનુભવી રહું,

જાગતાં સ્વકીયતા લવી રહું,

જાતની પરખ દઉં – કવી કહું;

ઝાંઝવાં ને વંચનામાં મસ્ત છું………..વ્યસ્ત છું.

 

ભીતરે ભરીભરી ભવાટવી,

વાપરું નહીં, ઉમેરતો રહું નવીનવી,

વ્યસ્તતાની પાડતો રહું છવી;

ન સ્વ–સ્થ છું, ન સ્વસ્થ –

શું તટ–સ્થ છું ?…………………………વ્યસ્ત છું.

 

સવાલના સવાલના સવાલ આ

જવાબમાં જવાબ ના; બબાલ આ,

બાલની ઉખેડવાની ખાલ આ –

ઉદય ન’તો, ન અસ્ત છું.

 

વ્યસ્ત છું !

 

– જુગલકીશોર

 

 

2 comments for “આત્મવંચનાનું ગીત !!

 1. May 7, 2018 at 1:42 pm

  મારાં ગમતાં વિષય પર સરસ રચના.
  સરયૂ પરીખ

 2. May 7, 2018 at 4:24 pm

  ન સ્વ–સ્થ છું, ન સ્વસ્થ –
  શું તટ–સ્થ છું ?…………………………વ્યસ્ત છું.
  વાહ! સરસ ‘સ્થ’ સમન્વય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *