મારાં ગાંધીકાવ્યો !!

ગાંધીવંદ્…….ના !

(છંદ : શીખરીણી)

 

હણ્યો એને તોયે

ધરવ ન થયો આ જગતને;

દઈ આદેશોને ફગવી સઘળા

 તર્પણ કર્યું.

મઢ્યો એને ફ્રેમે,

સરજી કંઈ શીલ્પો, સ્થીર કર્યો;

ગલી, રસ્તે, ખુણે,

લખી લખી દીધાં નામ, સરજ્યા

નવા ગાંધી–માર્ગે

વીવીધ ‘વ્યવસાયો’ શરુ કર્યા !

હતો દીધેલો જે સરળતમ

તે મારગ ભુલી –

તને ભુલાવાને

નીત નીત તમાશા સહુ કર્યા;

ભુલાવીને જંપ્યાં !

બસ બસ હવે, તારું ન કશું રહ્યું;

જા તું ગાંધી !

અવ અમ રચ્યા મારગ પરે

તને સંભારીશું ફકત બસ

બે વાર વરસે !

કર્યે જાશું તારું રટણ

બીજી ઓક્ટોબર,

અને

જનેવારી કેરી ત્રીસમી દર તારીખ પર હા !

૨૯/૧/૧૪.

—————————————————-

કોઈ ‘મોહન’ લ્યો !!

(પરંપરિત)

યમુનાને તીર

આજ મથુરાની ગલીઓમાં

સંભળાતો નથી હવે ગોપીઓનો સ્વર :

“કોઈ મોહન લ્યો…..!”

યમુનાને તીર આજ,

દિલ્હીની શેરીઓમાં

અવ તો સંભળાય જરા ધીમું જો સાંભળો તો,

ખાદીલા રાજવીઓનો સ્વર :

“કોઈ લઈ લ્યો,

મફતમાં લઈ લ્યો…..,

‘મોહનદાસ’ લઈ લ્યો….!!

–––––––––––––––––––––––––––

સોયે વરસ પૂરાં !

(મિશ્ર)

પૂરી થઈ જન્મશતાબ્દી આપની.

છૂટ્યા તમે – હાશ – અમેય છૂટ્યા !

વક્તાતણા ભાષણ–શબ્દ ખૂટ્યા,

શ્રોતાતણા સાંભળી કાન ફૂટ્યા;

પૂજા કરી ખૂબ જ ‘ગાંધી–છાપની –

ત્યારે ગઈ માં….ડ શતાબ્દી આપની !

તા. ૨૪, ૦૨, ૭૦.

——————————————————

મહાત્માની રૅર ચીજોનું લીલામ !

રાજઘાટની
માંડી બેઠા હાટ
સેવકો;

સેવકો
ભેળાં થઈને વેચે;

વેચે ભાતભાતની ચીજો
પાણી-મુલે :

[1]

“ગાંધીએ
જેના સુતર-તાંતણે
લીધું હતું સ્વરાજ
એ આ ચરખો –
કાંતશે હવે
સુંવાળાં ગલગલીયાંળાં રેશમી સુત્રો.”

[2]
“શુદ્ધ અને અહીંસક
આ ચંપલ-
રાજમાર્ગ પરના
‘કાંટા-કાંકરા‘થી બચાવતાં
આપને લઈ જશે
છેક
રાજભવનમાં.”

[3]
“આ
ગરીબ બીચારી
બકરી.
તમારા ગગનચુંબી વૈભવમાં
બદામનો મામુલી ચારો ચરીને
તમારો
જનતા સાથેનો
ભ્રમ દુઝતી રહેશે.”

[4]
“ને
આ તકલી.
ચકલી ખોલો
ને
વહે જેમ ધારા પાણીની,
એમ  ફેરવતાં જ એને
વહે ધારા, વીચારની.
કેન્દ્ર પર ફરતી
આ તકલીની સાથે
ફરતી રહે ધારા પણ
વીચારની,
સીદ્ધાંતની –
આત્માના હાથવગા અવાજનો
ગુંજે
પ્રધાનસ્વર
શો મીઠો !”

[5]
“બાપુએ
હાથે કાંતેલું,
ને વણેલું ને સીવેલું
આ પહેરણ.
એની જાદુઈ શક્તીની
નથી આપને ખબર –
એ પહેર્યું નથી,
ને
આપની સામેના
ગમે તેવા પુરવાર થઈ ચુકેલા
આક્ષેપોમાંથી
આપ છુટ્યા નથી !”

[6]
“સમાધીનો
પથરોય ન દેખાય
એટલાં બધાં ખડકાતાં
ગુલાબોનો સદુપયોગ –
તે આ
ગુલકંદ.
આપની શારીરીક
અને ખાસ તો
બૌદ્ધીક તંદુરસ્તી માટે  !”

******

રાજઘાટથી
‘ઘાટ ઘડી’ને
રાજ લઈ લ્યો-
પાણી-મુલે.

============================

કેવાં રે અમે કેવાં !!

 [શીખરીણી]

‘તમોને  વીંધી ગૈ સનન’, અવ  આ  આમજનને
વીંધી ર્ હૈ છે બાપુ ! સતત વરસોથી,પજવતી
રહેતી, નીષ્ઠાનાં  શીથીલ  કરતી   પોત;  તમને
હણ્યા એનો ના ર્ હે  કંઈ વસવસો  એટલી હદે !

વછુટેલી  હીંસા  સનન,  ગણતી  જે   ત્રણ,   તમે
ભરી રાખી  હૈયે ! રુધીર  વહ્યું   તેને   પણ  અહો
ઝીલી લીધું  સાદા, શુચી વસન માંહી;  થયું હશે
તમોને  કે  હીંસા તણી   કશી   નીશાની  નવ  રહે
ભુમીમાં – જે  મોંઘું  ઉજવી રહી સ્વાતંત્ર્ય નવલું !

તમે તો  ઉચ્ચારી દઈ ફકત   ‘હે રામ !’,  ઉજવ્યું
અહીંસાનું મોંઘું  પરવ; પણ  આ   ખાસ જન    ના
શક્યું    ઝીલી  એને.  કળણ   બહુ   ઉંડાં   શબદનાં !

તમે  ઝીલ્યા  હૈયે   ક્ષણ ક્ષણ  પ્રહારો – ત્રણ  નહીં !
અમે એવાં એવાં,  નહીં ગમ  કશો,  કો’ ગણ   નહીં !

––––––––––––––––––––––––––––––––

લટકતી છબીમાંના બાપુને.

(પરંપરિત)

આ દેશને
પરતંત્રતાની ચૂડથી છોડાવનારા
હિન્દના બાપુ !
તમે આ ફ્રેમમાં
(કાચ જેમાં ના મળે ! )
રે, કેમ છો લટકી રહ્યા ?

સ્વતંત્રતાના હે પુજારી,
છેદવા ‘બંધન’  છબીમય
કાચનો આપે જ કરિયો ‘ભંગ-સવિનય’ ?

કે
લોકહૈયે પહોંચવા
પટ પારદર્શી યે નડ્યો શું,
જે તમે તોડી જ એને દૂર કરિયો ?

કે પછી–
પ્રેમીજને કો’ આપના
આઝાદ (ના આબાદ) ભારતની હવાને માણવા દેવા…
છે આપને લટકાવિયા
ખુલ્લી હવામાં ?!

તા. ૧૪, ૨, ૬૬.

================================

બાપુ !

આટલા સુકલકડી શરીરે

ને

આટલી ઓછી

સંપત્તીએ –

(નહીં પહેર્યું પુરું કપડું

નહીં લીધો એવો કોઈ ખોરાક

નહીં કશું બેન્ક બેલેન્સ)

તમે

એટલી ઉંચાઈએ જઈ પહોંચ્યા કે

તમારું પર્યાપ્ત દર્શન પણ

‘આ આંખો”થી શક્ય નથી.

તમને ‘પામવા’નું તો ક્યાં

‘માપવા’નુંય

જ્યાં શક્ય નથી;

એવે વખતે

આપનો જન્મદીવસ શું કે

શું નીર્વાણદીન –

આવતો રહેશે…ને

જતોય રહેશે !

હું તો અહીં,

ફક્ત (હા, ફક્ત)

તમને સ્મરીને

ભરી રહું કંઈક જો

ખાલીપોય…

ગનીમત.

 (તા. ૨, ગાંધી–માસ, ૨૦૧૧)

========================================

ગોડસે નહીં – GOD છે !

ગાંધી તારા દેશમાં ગાંધી શબ્દ વગોવાય,

GOD બની જાય ગોડસે, મંદીર એનાં ચણાય.

સાદી તારી જીવની, સાદી તારી વાત,

તોય શકે ના જીરવી,  કેવી માનવજાત !

પગલું તારું એવડું માપ્યું નહીં મપાય,

પણ એ ચરણે ચાલવું અઘરું નહીં જરાય.

ચરણ-આચરણ સાથમાં, બે સંયોગે જાય,

નહીંતર એવું ચાલવું નકરું નીષ્ફળ થાય !

ત્રણ વીસુ દસકો જતાં પગલાં રહ્યાં ભુંસાઇ,

પણ પથ તેં દોરી દીધો એમ ભુંસાશે કાંઈ ?!

તું કણકણ, જનમન વસ્યો, ખસ્યો ખસે નહીં એમ,

શબ્દ “ગોડસે” એક દી’ બને “ગોડ-છે” તેમ !!

(૩૦,૦૧,૧૮)

–––––––––––––––––––––––––––––––––––––––––––––

2 comments for “મારાં ગાંધીકાવ્યો !!

 1. October 2, 2018 at 1:38 pm

  જુ.ભાઈ,
  દરેક રચના યાદ રહી જાય તેવી છે.
  “ત્રણ વીસુ દસકો જતાં પગલાં રહ્યાં ભુંસાઇ,
  પણ પથ તેં દોરી દીધો એમ ભુંસાશે કાંઈ ?!
  તું કણકણ, જનમન વસ્યો, ખસ્યો ખસે નહીં એમ,” એ જ અભ્યર્થના.
  સરયૂ પરીખ

 2. vimala
  October 3, 2018 at 4:01 am

  ““ત્રણ વીસુ દસકો જતાં પગલાં રહ્યાં ભુંસાઇ,
  પણ પથ તેં દોરી દીધો એમ ભુંસાશે કાંઈ ?!
  તું કણકણ, જનમન વસ્યો, ખસ્યો ખસે નહીં એમ,”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *