મારી છંદયાત્રા

છંદ સાથેનો નાતો તો ૧૯૫૭–૫૮થી જ બંધાયો હશે. બરાબર યાદ નથી કયા ધોરણમાં એ ભણવામાં આવેલા, પણ જે કેટલીક પ્રાર્થનાઓ કે અમુક ગીતો રાગ(ડા) સાથે ગવાતાં એમાં કોઈ ને કોઈ છંદ રહેલો હોય છે એની જાણકારીએ આનંદ આપ્યો હશે નક્કી. શિખરિણી ને મંદાક્રાંતા જેવા છંદો જ યાદ રહી જાય ને યાદ આવતા રહે….બીજા કેટલાય મજાના છંદોનું એ વખતે શું મહત્ત્વ હોય !

ગાઈ જ ન શકાય ને છતાં બહુ ગમે એવો પૃથ્વી છંદ તો બહુ મોડો સમજાયેલો. અનુષ્ટુપ, વસંતતિલકા કે ઝૂલણા જેવા છંદો હૃદયસ્થ બન્યા તે વાત તો બહુ પછીની. બાકી –

“ઇલા સ્મરે છે અહીં એક વેળા, આ ચોતરે આપણ બે રમેલા” કે પછી

“પુરી એક અંધેરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજાં” કે બ્રાહ્મણોના મુખે સંભળાતા

“શક્રાદય: સુરગણાનિ હતેતિવીર્યે, તસ્મિન્દુરાત્મનિ સુરારિબલે ચ દેવ્યા…” કે

“રામો રાજમણિ સદા વિજયતે, રામં રમેશં ભજે…”…તો વળી

“અરર બાલુડાં, બાપડાં અહો, જનની આ હવે સ્વર્ગમાં જતી…”

“નરદેવ ભીમકની સુતા, દમયંતિ નામે સુંદરી…” અને

“અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, ઝૂઝવે રૂપે અનંત ભાસે….” તથા

“અન્યનું તો એક વાંકું, આપના અઢાર છે !”

વગેરે વગેરે વગેરે પંક્તિઓ અવારનવાર સંભળાતી ને યાદ રહી ગયેલી તે બધી અનુક્રમે ઈન્દ્રવજ્રા, ભુજંગી, વસંતતિલકા, શાર્દૂલવિક્રીડિત, લલિત, હરિગીત, ઝૂલણા અને મનહર જેવા મજાના છંદોમાં રચાયલી છે એનું ક્યાં ભાન હતું ?!

ને છતાંય એ પંક્તિઓનો લય મનને ડોલાવી દેનાર હતો ! કારણ કે આ બધા છંદોની માધુરીને ચિત્ત વશ હતું. ત્યારે ખબર નહોતી કે એક દી’ આ જ છંદોમાં પંક્તિઓ રચવાની થશે !

પણ એનોય નાનકડો ઇતિહાસ છે.

મેટ્રિક પાસ કરીને રૂપાવટી ગામને પાદર આવેલા સરકારી મકાનમાં મોટાભાઈની સાથે રહેતા તે ઘરના ફળિયામાં બેસીને કોઈ કવિની એક રચના મનમગજમાં ઘુંટાઈ ગયેલી તેણે એ જ કાવ્યના જેવા શીર્ષકથી ‘બનું’ નામક કવિતા ઠઠાડી દીધેલી – એના જ છંદ શિખરિણીમાં. બાપુજીને બતાવી, તો ‘પુત્રનાં લક્ષણ’ જાણીને પોરસાયેલા પિતાજીએ એને (વખાણવા ખાતર) વખાણીય ખરી. સામે પક્ષે વધુ પોરસાઈને મેં (કદાચ ખોંખારો ખાઈને) કહેલું કે શિખરિણી છંદમાં છે હો !

સાહિત્ય અને સંગીતના જાણકાર પિતાજીમાં રહેલો શિક્ષક આ શી રીતે સહન કરી શકે ? વળતાં જ એમણે કહી દીધું, “ઈ વાત ખોટી ! આ શિખરિણી ન કહેવાય !” મેં કહેલું કે જુઓ એ જ રીતે, શિખરિણીની જેમ ગવાય તો છે ! તો કહે, ગયાય તેથી છંદ નો બની જાય !

પછી એમણે ત્યાં બેઠાં બેઠાં ગણ સમજાવ્યા અને કહ્યું કે દરેક છંદને નક્કી કરેલા ગણો હોય છે અને એ જ કારણે બધા જ અક્ષરો નક્કી કરેલી જગ્યાએ જ આવતા હોય છે. શિખરિણીના ગણો યમનસભલગ મને સમજાવ્યા !

થોડો નિરાશ થઈને, પણ ઊભી થયેલી ચૅલેન્જને પકડીને હું એક બાજુ સરી ગયેલો. ત્યાં જ બેસીને પછી ગણો મુજબ આખી રચના ફરી તૈયાર કરીને તે જ વખતે બતાવી ને કહ્યું હશે, “લ્યો, હવે આ જોવો તો !”

પિતાજીએ સાનંદાશ્ચર્ય દીકરાની કારીગરી જોઈને એને બરાબરનો સરપાવ આપતાં કહેલું કે “હવે સાવ બરોબર છે !!” (તા. ૨૬,૧૧,૬૧નું ઈ મારું પેલવેલું કવીતડું)

એમનાં આંખ અને અવાજમાં ઊભરાયેલો પ્રેમ પછી તો મને છંદના છંદે લગાડી ગયો તે છેક લોકભારતીમાં ન.પ્ર.બુચ જેવા પિંગળશાસ્ત્રી પાસે જઈને ધરાયો. એમની કને તો મારો છંદ મઠારાયો, ને વધુ ને વધુ સંસ્કારાયો. લોકભારતીમાંથી દીક્ષા લઈને ધંંધાહગડ થયા કેડ્ય અવારનવાર બુચભાઈની શિક્ષકનજર પત્રો દ્વારા મારા પર પડતી રહેતી અને સંભળાતી રહેતી કે “બહુ ઓછા વિદ્યાર્થીઓ છંદમાં લખે છે. તમને ફાવ્યું છે તો ચાલુ જ રાખજો…..”

પછી તો એક દી’ પેલું યાદગાર વાક્ય પણ ટપાલમાં ટહુક્યું :

“યાદ રાખજો, છંદોનું લોલક ફરી પાછું મૂળ સ્થાને આવશે ને છંદોનો મહિમા થશે. ત્યારે તમારી છંદભક્તિ લેખે લાગશે !”

બાકી હતું તે એમ.એ.ના છેલ્લા વર્ષનો મહાનિબંધ લખવાનો થયો ત્યારે પ્રાધ્યાપક કનુભાઈ જાનીએ વિષય પણ (મારા બન્ને છંદગુરુઓના આશીર્વાદનું જ પરિણામ જાણે !) એવો આપ્યો : “ઉમાશંકર અને સુંદરમનાં ગ્રંથસ્થ કાવ્યોમાં શિખરિણી”

આ નિબંધે મને પ્રથમ વર્ગ તો અપાવ્યો પણ છંદનો છંદ બરાબરનો લાગી ગયો….તે છેક આજ સુધી !!

મારા એ ત્રણે ગુરુજનોને પ્રણામ સહ આજનું આ છંદપુરાણ અહીં આટલું, બસ !

 

 

 

 

 

4 comments for “મારી છંદયાત્રા

 1. October 8, 2018 at 12:17 pm

  ઘણી રસપ્રદ વાત.

 2. October 8, 2018 at 1:11 pm

  “પુરી એક અંધેરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજાં” અરે, આતો મંત્રની જેમ મગજમાં કોતરાઈ ગયેલ આખું કાવ્ય. અમેરિકા આવ્યા પછી પણ આ સમજ સાથે મનમાં થતું કે જ્યાં “ટકે શેર…” આવી નગરીમાં રહેવું જોઈએ કે નહીં!
  કોઈ પણ ઊંડા અભ્યાસ માટે બે ત્રણ પેઢીની સાધના જરૂરી છે. લેખ વાંચવામાં રસ પડ્યો.
  સરયૂ પરીખ

 3. B. G. Jhaveri
  October 8, 2018 at 7:09 pm

  Latit chhand is my favorite [ Please do not compare with classical morning raag Lalit ]

  Arrar bapala….. [ by Kalapi ] is in Lalit chhhand.

  Gopi Geet of Shrimad Bhagavat is in Lalit chhand with antim shlok in Vasant Tilaka
  Pratham shlok ‘ Jayati te/dhikam Janmana vrajah…..’
  Gopi geet is excellently rendered by vidushi Anuradha podwal and available on You Tube
  I also like all other chhand stted above.

  • October 10, 2018 at 9:42 am

   ગોપીગીતની આ પંક્તિઓ બહુ જ મધુર છે…..
   બીજી મજાની વાત તે ભાગવતના છંદની. એકદમ નાનો છંદ ઇન્દ્રવજ્રા એમાં વધુ પ્રયોજાયો છે ! “શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારિ, હે નાથ નારાયણ વાસુદેવ !”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *