આસો માસનાં અજવાળાં ! (૧)

નવ રાત્રીઓ +                                         – જુગલકીશોર.            

 

ૠતુઓની મહારાણી શરદ અને વર્ષાંતે આવતી દીપાવલીના પર્વમાં કેટલીક બાબતો સામાન્ય છેઃ બન્ને પ્રકાશનાં પર્વો છે. બન્ને બહુ મોટા ઉત્સવો છે. ઉત્સાહની હેલી લોકહૈયે ચડેલી આ બન્નેમાં જોવા મળે છે.

 

પણ બીજી લગભગ બધી જ બાબતો એકમેકને સાવ જુદાં પાડી દે છે.

 

શરદોત્સવ એક રીતે ચાંદનીની સાક્ષીએ ઉજવાતો ઉત્સવ છે. શહેરોમાં ચન્દ્રનું કોઈ કરતાં કોઈ જ મુલ્ય રહ્યું નથી. નોરતાંના પ્રથમ જ દીવસથી લઈને પુનમ સુધીના પુરા પખવાડીયામાં ચન્દ્રને કોઈ સંભારતું નથી, જે આ સમગ્ર પખવાડીયાનો સ્વામી છે ! આ ૠતુના ત્રણ મહત્ત્વના પ્રસંગો – નોરતાં, દશેરા અને શરદપુનમ –માં ગરબાનું એટલે કે નૃત્ય અને ગીતનું પણ ખુબ જ માહાત્મ્ય છે. આ પર્વોમાં સમુહજીવનનો સાક્ષાત્કાર થાય છે. આ પર્વ એકલદોકલ ઉજવવાનો નથી હોતો. આમાં સૌ સાથે મળીને હૈયે ચડેલા ઉછાળને પ્રગટ કરે છે. લાઉડસ્પીકરોની દખલ નહોતી ત્યારે સાવ શાંત વાતાવરણમાં ચાંદનીની પથારીમાં સૌ માતાનો ખોળો ખુંદતાં. મીઠા રાગમાં ને તેલની ધાર જેવા લયમાં સૌ ગાતાં. પગની ઠેસ અને હાથતાળી કે બહુમાં બહુ તો દાંડીયા ને ઢોલ, બસ બહુ થયું ! ગામની દીકરીઓ તો ખરી જ પણ વહુઓનેય અહીં મુક્ત કંઠે ગાવાની છુટ હતી. મીઠાઈઓને કોઈ મહત્ત્વ નહોતું. માતાજીનો પ્રસાદ એ જ મીઠાઈ. મોડી રાત સુધી ગાયાં–નાચ્યાં હોય એટલે ઘરનો ચુલોય કોઈ જાતનાં વેન કરતો નહીં ! કપડાં ને ઘરેણાંનું જોણું ખરું, પણ એય આજકાલના નર્યાં કૃત્રિમ લાગે એવા લઘરવઘર ને ભડકામણા વાઘા વીંટાળીને દેખાડો કરવાની જરુર કોઈને નહોતી લાગતી. ગામડાંઓમાં તો નાના સમુહો હોય તેથી “હો રાજ, ક્યાં રમી આવ્યા ?”નો શંકાભર્યો ઉપાલંભ પણ ગવાતો નહીં !!

 

દીવાળીમાં તો સાવ વાત જ નોખી. ચાંદલીયાની સાવ કરતાં સાવ જ ગેરહાજરી ! ને એ તો સારુંય ખરું જ ને ! ઘરને ટોડલે, ગોખલે ને રંગોળીઓના સુશોભન વચ્ચે દીવડાઓ, કોડિયાંઓ ચન્દ્રના સામ્રાજ્યને ભુલાવી દેવા મથતાં રહે. નવાં કપડાં–પોષાકોનોય ઝબકારો અજવાળું કરી દેનારો હોય. ફટાકડાનો પ્રકાશમીશ્રીત ધ્વની ઓડીયોવીજ્યુઅલી એ પર્વવીશેષને સફળ બનાવતો હોય. મીઠાઈની, નાણાના વ્યવહારોની, ચુલે મીષ્ટાંન્નોની ને હૈયે વરસભરનાં સંઘરાયેલા રહેલા સારામાઠા સંબંધોને નવેસરથી, નવા નામે ચોપડે જમા કરવાની આ દીવસોમાં હામ–હોંશ ને ધોંશ રહેતી હોય છે.

 

નોરતાંનું પર્વ ખળાની સમૃદ્ધી સાથે સંકળાયેલું હોય છે તો દીવાળીનું પર્વ નવા આવનારા વરસના સ્વાગત કરતાંય વીશેષ તો પાછલા વરસમાં વીતી ચુકેલી અનેક વીતકકથાઓને ભુલવાનું અને નવા વરસમાં એને બને તેટલી છેટે રાખવાના મનોરથોનું પર્વ હોય છે. બેસતા વર્ષે સૌ એકબીજાને ઘેર જઈને માફામાફી ને શુભેચ્છાઓનું આદાનપ્રદાન કરતાં રહે. આ નીમીત્તે મીઠાઈઓ એના ગળપણની પુરી તાકાતથી સૌને ઓબ્લાઈઝ્ડ કરે. કદાચ આ આખા પર્વમાં મીઠાઈ બધાંના કેન્દ્રમાં રહેતી હોવાનો અંદાઝ હું મુકું તો ખોટો નહીં પડું !

 

ઉમાશંકરભાઈની બે પંક્તીમાં વેગથી ભરેલી એવી શુચીતા–વાદળીઓ દ્વારા શરદૠતુ હેમંતને નવું વરસ સોંપે છે તે યાદ આવી જાય છે –

 

“વેગે ભરી સરી જતી શુચિ વાદળો પે,

હેમંતને   શરદ  નૂતન   વર્ષ   સોંપે !”

 

નવરાત્રીઓનું આ પર્વ બીજી રીતે કહીએ તો આવનારા નવા વરસની ઉજવણી માટેનું રીહર્સલ જ ગણવાનું ઠીક રહેશે ! હા, બ્રહ્મ અને માયાના સાયુજ્યની વાતને અત્યારે અહીં સંભારીશું નહીં ! એ માતૃશક્તીના મહીમાને, અને ‘ગર્ભદીપ’ જે શબ્દનું મુળ ગણાય છે તે ગરબાને અત્યારે યાદ કરવાં નથી, કારણ કે એની વાત તો વીગતે કરવાની જ છે. આજે તો આ બે પર્વના અનુસંધાને કેટલીક વાતો અલપઝલપ કરી લેવી છે.

 

નોરતાંની એક અજીબોગરીબ ને સમગ્ર માહોલને કલંક લગાડનારી એક વાતને અહીં ન સંભારીએ તો આ લેખમાળાનો આ અંક વ્યર્થ જશે. એ કલંકકથાઓ શહેરોમાં હવે જાણે સામાન્ય ગણાય છે. માતૃશક્તીના મહીમાના આ દીવસોમાં થતાં કરતુતો સમગ્ર પર્વ પરનો ન ભુંસી શકાય તેવો ડાઘ છે. પણ હવે સામાજીક છોછ રાખવાનું બહુ ગનીમત રહ્યું નથી ! જોકે ગામડાંઓમાં પણ આવું નહોતું એમ તો કેમ કહી શકાય ? પણ સામાજીક સવાલોનો જે ડર હતો, માતાજીના દીવસોમાં કેટલુંક તો ન જ કરાયની માન્યતા હતી તેને ન્યાય આપવા પુરતી આટલી ટીપ્પણી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *