જનોઈ અને રાખડી વડે વીંટળાયો !!

કાલે જનોઈ બદલાવી. પૌત્રીએ રાખડી પણ બાંધી.

રક્ષાબંધન અને આ જનોઈવાળું બેય ભેગું જ હોય છે. બન્નેમાં તાગડાવાળી થતી હોય છે. એક પહેરવાની ને બીજી બાંધવાની.

જનોઈ આમ તો પહેરાવનારા જ પહેરાવતા હોય છે પણ પહેરનારા પણ પહેરાવનારાની જ જમાતના હોવાથી પોતે જાતે પહેરવામાં કોઈ ‘બાદ’ જોતા નથી. એમાં સમય ને ખરચ બચી જાય છે. રાખડી જાતે બાંધી શકાતી નથી (કોઈ ધાર્મીક ફતવાને કારણે નહીં પણ) પોતાના જ એક હાથે પોતાના જ બીજા હાથે બેચાર ગાંઠો વાળવાનું ફાવે નહીં ને એટલે !

રક્ષાબંધન કરાવનારી બહેનો હોય છે. પુરુષોને એ હક્ક હોતો નથી. રાખડી બાંધવાનો સૌથી જુનો પ્રસંગ માતાએ પૌત્રને બાંધેલી તે ગણાય છે. પછી બહેન ક્યારથી એમાં દાખલ થઈ તે જાણમાં નથી પણ રાજામહારાજાના વખતનીય કથાયું મળે છે.

ધર્મ જેનું નામ, એમાં બ્રાહ્મણો નવો કેડો પાડવાના જ. બહેનોનો જ જે ગણાય તે હક લઈને “ભીક્ષાન્ દેહી” કરનારા મહાનુભાવો એ દીવસે પાતળા દોરા ને એકાદ ફુમતું લઈને છેક ઘર સુધી આવી જતા હોય છે ને એમ દક્ષીણા લઈ ને આશીર્વાદ દઈ જતા હોય છે.

આમ તો હું મારી અટક લખતો નથી. (જનમ કાંઈ દેખાડો કરવાની બાબત થોડી છે ?) પણ જનોઈ બાબતે કેટલીક ગેરસમજ ટાળવા પુરતું બ્રાહ્મણત્વ આગળ કરીને જનોઈ પહેર્યાની વાત આમ લખવા બેસી જઉં ખરો.

જનોઈ કોઈ એક વર્ણ કે જાતીને પહેરવાની બાબત ગણાઈ નથી. ક્ષત્રીયો તો કાયદેસર જનોઈ પહેરતા. (તલવારથી સામાને ઘા પણ ‘જનોઈવઢ’ જ મારતા !) સમાજના અન્ય વર્ગોને પણ આ ત્રણ તાંતણાનું પાવીત્ર્ય ધારણ કરવાની છુટ રખાઈ જ છે. સ્ત્રીવર્ગને પણ જનોઈ પહેરવાની કોઈ મનાઈ જાણી નથી. આ ત્રણ ત્રાગડા પ્રતીકાત્મક છે. એની લાંબીલાંબી વાત કરવાનો કોઈ મનસુબો અહીં નથી. પણ એ ત્રણ દોરામાં ધારીએ તો ઘણું ઘણું છે; રાખીએ તો અધધ છે ને માનીએ–અપનાવીએ તો ખભે મુકાયલો એક અનોખો અજુબો ‘ભાર’ પણ છે.

મેં તો કાલે પહેરી; કહું કે બદલી.

સામાન્ય રીતે નદીકીનારે પહેરાવાતી હોય છે. પુજાપાઠ ને મંત્રોચ્ચાર વચ્ચે બેચાર વાર નહાવાનું હોય છે ને ગાયત્રીના મંત્રો કરીને એને ‘ધારણ’ કરવાની હોય છે. પણ હવેના ‘સુધરેલા’ (કે બગડેલા) જમાનામાં કેટલાકો ઘરે જ બદલી લેતા હોય છે – મારી જેમ !

નાહીને પુજા (હા, હું અર્ધઆસ્તીક ને ખરેખર તો મોટેભાગે નાસ્તીક એવો પત્નીશ્રીની નબળી તબીયત પછી પુજાય કરું છું….) –પાઠ કરીને ગાયત્રીના નવ મંત્રો પછી નવી જનોઈને ધારણ કર્યા બાદ જુનીને તુલસીક્યારે મુકી દીધી હતી. ને એમ વરસમાં એક વાર આવતી આ વીધી પણ કરી હતી.

ઘણા પુછે છે કે તમે આ બધાંમાં માનતા તો નથી ને તોય જનોઈ, પુજાપાઠ, મંત્રો ને આ બધું ??

મને આમ તો જવાબ દેવાનું ગમે નૈં. પણ તોય ક્યારેક કૈ દઈયે –

ભાઈ સાહેબ, મારાં માબાપ, એમનાંય માબાપનાં માબાપનાં માબાપ પાસેથી શીખીને મને કેટલુંક સોંપતાં ગયાં છે કે (બ્રાહ્મણ છયેં એટલે નહીં પણ) ‘માણસ’ છીએ એટલે કેટલુંક (ભલે ધાર્મીક ગણાઈ જાય તો પણ) સારું છે માટે પાળવું…. આ શીખામણ પડતી મુકીને, કાલ સવારના નવાસવા સુધારાવાદીઓની વાતુંફાતું-આલતુંફાલતું સાંભળીને હું સેંકડો વરસથી ચાલી આવતી ને (આગળ જતાં જેમાં બગાડ થયો તેને બાદ કરીને) આજે પણ માણસને સારે રસ્તે વાળેલો રાખતી પ્રણાલીઓને હું શા હારુ છોડી દઉં, કાંય કારણ ?!

હા, આ અટકવાળી વાત ભારે ખતરનાક છે. એનો દેખાડો કરવાની કોઈ જરુર નથી. એનાથી સામાજીક સંતુલન ખળભળે છે. એટલે એને પડતી મુકવી રહી. પણ જનોઈ અને બીજી ધાર્મીક વીધીઓ (જે સામાજીક જ નહીં પણ પર્યાવરણનેય નુકસાન ન કરતી હોય તેવી) ચાલુ રાખવાનું ગમે, જરુર ગમે ! એ બધી વીધીઓ, ભલે કેટલાક લોકો નહીં સ્વીકારે પણ, સમાજના બધા જ વર્ગોને આવરી લેનારી હોય તો તેને અપનાવવામાં કશું ખોટું નથી.  

ને એટલે –

હા, એટલે જ, મેં કાલે જનોઈ ધારણ કરી, પુજાપાઠ ને શ્રદ્ધાપુર્વક….

પ્રકાશ–વીદ્યા–જ્ઞાનની આરાધના માટેના ખાસ એવા ગાયત્રીમંત્ર ને પ્રાર્થનાઓ સાથે !!

 

– જુગલકીશોર.

4 comments for “જનોઈ અને રાખડી વડે વીંટળાયો !!

 1. vimala
  August 27, 2018 at 7:37 pm

  “માણસ’ છીએ એટલે કેટલુંક (ભલે ધાર્મીક ગણાઈ જાય તો પણ) સારું છે માટે પાળવું…. ”
  “આલતુંફાલતું સાંભળીને હું સેંકડો વરસથી ચાલી આવતી ને (આગળ જતાં જેમાં બગાડ થયો તેને બાદ કરીને) આજે પણ માણસને સારે રસ્તે વાળેલો રાખતી પ્રણાલીઓને હું શા હારુ છોડી દઉં, કાંય કારણ ?!”
  સરસ મજાની વાત કહી,સાહેબ, પ્રણામ.

  • jugal kishor
   August 28, 2018 at 2:26 am

   ખુબ આભાર, વિમલાજી.

 2. August 28, 2018 at 2:30 am

  અમારા ગામના અમારા પ્રાથમિક શાળાના શિક્ષક તુલજાશંકર શુક્લ યાદ આવી ગયા.તેઓ પોતીયાભેર ઉગાડા શરીરે જનોઈ ધારણ કરેલા દેખાય. પરસેવાથી જનોઈનો રંગ બદલાઈ કાળો થઇ ગયો હોય અને જનોઈની મદદથી બરડો ખંજવાળે એમાં કોઈ શરમ નહી.જનોઈ ને છેડે ઘરની ચાવી બાંધતા.જનોઈ એમની કી ચેઈન બની જતી !

  • admin
   August 28, 2018 at 1:21 pm

   હું તો અમારા આગેવાનોને ઘણી વાર કહેતો હોઉં છું કે આપણી જનોઈ તો પીઠ ખંજવાળવા માટે વપરાય છે ! સાબુથી ધોઈને એને ઉજળી રાખવાની દરકાર ઘણાને નથી હોતી…..જોકે ઘણા તો ટીનોપોલમાં બોળીને ઉજળી રાખનારાય હતા ! કેટલાક તો જનોઈને લાડવા જમવાના લાયસન્સ તરીકે પણ ઓળખાવતા….જોકે એકંદર એ જમાનામાં શિક્ષકોનું જીવન બહુ ઉંચું હતું ાને સન્માનનીય રહેતું. જનોઈ એમાં કારણભુત બનતી. મેં વચ્ચે થોડો સમય છોડી દીધેલી !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *