નરવી–ગરવી ગુજરાતીને મહેરબાની કરીને એંઠી ન કરો !!

સમાજમાં સમય સમય પર રીવાજો ને વ્યવહારો બદલતા જ રહે છે.

આપણે ગયા દસકાઓમાં જે અને જેવા હતા તે અને તેવા રહ્યા નથી; રહી શકીએ પણ નહીં. સમયના વહેણમાં તણાવાનું સહજ હોય છે.

આપણા ખોરાક બદલાયા; પોષાકો બદલાયા; આપણા રીવાજો ને વ્યવહારો પણ બદલાતા જ રહ્યા છે. આમાં ફેરફાર કરવાનું લગભગ અશક્ય હોય છે. જેને વીકાસ કહીએ છીએ એના જ ભાગરુપે ગામડાંઓ શહેરોની નાની આવૃત્તી બની રહ્યાં છે.

આપણે જાણીએ છીએ કે જે સજીવ હોય તે બદલી શકે. જીવન એ જ ખુદ બદલાવનો પાયો છે. એક જ સ્થીતીમાં રહે તેનામાં જીવ નથી એવું કહેવાતું હોય છે…..

તેથી જ પરીવર્તન એ જીવનની જાણે કે શરત છે. 

પરંતુ ઉપર કહ્યું તે બાબતોમાં નીર્જીવો પણ બદલાતા જણાય છે ! ગામડું એનું રુપ બદલી નાખે છે; પોષાક પણ બદલાય છે–ખોરાક વગેરે વ્યવહાર ને રીવાજરુપે બદલાતા રહ્યા છે – તે સૌ સજીવ નથી છતાં ! 

એનું કારણ પણ આપણે જાણીએ છીએ કે એ બધાં તત્ત્વો માનવજીવનને આધારે ટકેલાં હોય છે અને માનવના બદલાવની સાથે તે સૌએ પણ બદલવું પડે છે. ગામડું શહેર બની ગયું એમ કહીએ ભલે પણ હકીકતે તો માનવજીવન બદલ્યું હોય છે !

ભાષાની વાત, પરંતુ આ બધાંમાં, જરા જુદી છે !!

એકબાજુ આપણે કહીએ છીએ કે માતૃભાષાની કાળજી લઈને તેને યથાતથ રાખવી જોઈએ. ગુજરાતી લાંબું નહીં જીવે જો આમ જ ચાલશે તો…..અન્યભાષાના શબ્દો ગુજરાતીમાં ઘુસાડીને આપણી ભાષાને બગાડાય છે વગેરે.

જોકે, ગુજરાતી એની ગંગોત્રીરુપ સંસ્કૃતમાંથી લગભગ પાંચ પેઢીએ પહોંચીને અનેક પ્રકારે બદલતી જ રહી છે. એટલું જ નહીં પરદેશી ભાષાની અસરોથી એણે વીરામચીહ્નો અને કેટલાંક સાહીત્યસ્વરુપોને અપનાવીને મોટાં પરીવર્તનો તો સ્વીકાર્યાં જ છે. મધ્યકાલીન સાહીત્યસ્વરુપોને લગભગ સાવ ત્યજીને કે એમાં પારંપરીત પરીવર્તનો લાવીને જે તે સ્વરુપોને સમયાનુસાર અપનાવ્યાં છે. 

સાહીત્યનાં સ્વરુપોમાં બદલાય શક્ય છે તો, ભાષાની લઢણોમાં પણ ફેરફારો થયા જ છે. વાક્યોમાંના શબ્દોએ વ્યાકરણગત સ્થાનોમાં ફેરફારો કર્યા છે. વાક્યોમાંના આવા કેટલાક ફેરફારોએ અસલ ગુજરાતીને નવાં અપનાવાયેલાં સ્વરુપોને ભાવાનુરુપ બનાવવામાં ફાળો આપ્યો છે. નર્મદ–દલપતના ગુજરાતીને યથાતથ રાખીને આજનું સાહીત્ય ધારી અસર ઉપજાવી શકે તે બહુ શક્ય નથી. એટલે વાક્યરચનાઓ અને વાક્યની લઢણોનું બદલાવું સહજ જ નહીં પણ અનીવાર્ય પણ બને છે.

પરંતુ –

પરંતુ, આ બધું છતાં, ગુજરાતી શબ્દોને પ્રયોજવામાં આમુલ બદલાવ જરુરી ખરા ?

ગુજરાતી ભાષા સમૃદ્ધ છે. ભાવ અને વીચારને વહેવા માટે ગુજરાતી શબ્દ ક્યારેય ટુંકો પડ્યો હોય કે નબળો પડ્યો હોય તેવું જાણ્યું નથી ! પ્રાદેશીક બોલીઓના શબ્દો પાસે પણ પુરતી તાકાત છે, ભાવને ‘યોગ્ય’ રીતે અને “આગવી” રીતે વાચક સુધી પહોંચાડવાની !!  

જો પ્રાદેશીક બોલીના શબ્દોમાં પણ આટલી તાકાત હોય તો સદીઓથી – વધુ ચોક્કસ સમય બતાવું તો હેમચંદ્રાચાર્યના વખતથી – પ્રયોજાતી, ઘડાતી આવેલી આપણી નરવી ને ગરવી ગુર્જરીને કોઈ અન્ય ભાષાઓના શબ્દો વાપરીને એંઠી કરવાની શી જરુર ભલા ?!! (કેટલાક શબ્દો નવી શોધો–સગવડોને કારણે પરદેશેથી લાવવા પડે તો તે શબ્દો સંશોધનો–સંસાધનોના માર્યા પધારેલા હોઈ એનો છોછ રાખવાની વાત અતાર્કીક અને અવૈજ્ઞાનીક ગણાશે તે ભુલવા જેવું નથી.)

ગુજરાતીભાષાપ્રેમીઓએ, સંપુર્ણ ભાવવીચારવાહી અને પુરા સક્ષમ એવા ગુજરાતી શબ્દોને બદલે પરદેશી શબ્દો હવે પછી  વાપરવા જોઈએ નહીં એવી મારી આ વાતને ગાંધીપ્રયોજ્યા વાક્યને પકડીને મુકવી હોય તો આમ લખી શકાય :

“હવે પછી કોઈ પણ ગુજરાતીને સ્વ–ઈચ્છાએ ગુજરાતી શબ્દને બદલે પરદેશી શબ્દ વાપરવાનો અધીકાર નથી !!”

 

– જુગલકીશોર

3 comments for “નરવી–ગરવી ગુજરાતીને મહેરબાની કરીને એંઠી ન કરો !!

 1. August 30, 2018 at 1:51 pm

  જુ ભાઈ સાથે સો ટકા સહમત. ગુજરાતી લખાણમાં યોગ્ય શબ્દો મળવા મુશ્કેલ નથી છતાંય એવા અકળાવનારા અપભ્રંશનો ઉપયોગ કરી રસ ક્ષોભ કરે છે.
  મારું લખાણ ગુજરાતી તેમજ અંગ્રેજીમાં છે. પરંતુ શુદ્ધ ગુજરાતી લખાણ – ચોક્કસ રીતે સરળતાથી લખી શકાયું છે.
  સરયૂ પરીખ.

 2. vimala
  August 30, 2018 at 7:40 pm

  ” આપણી નરવી ને ગરવી ગુર્જરીને કોઈ અન્ય ભાષાઓના શબ્દો વાપરીને એંઠી કરવાની શી જરુર ભલા ?!! ”

  “ગુજરાતીભાષાપ્રેમીઓએ, સંપુર્ણ ભાવવીચારવાહી અને પુરા સક્ષમ એવા ગુજરાતી શબ્દોને બદલે પરદેશી શબ્દો હવે પછી વાપરવા જોઈએ નહીં “

 3. Dr Baldev Bhakt
  September 10, 2018 at 12:43 pm

  આપણા સમાજમાં સ્વભાષા ગૌરવ અંગે બેદરકારી, વિચાર શૂન્યતા,
  દુખદ તથા ચિંતા જનક છે। રહેઠાણ, વ્યવસાય , વિદ્યાલય કે વિસ્તારના નામો અંગ્રેજી રાખવામાં ગુલામ માનસિકતા કારણ છે,
  અંગ્રેજી ભાષાની મર્યાદા સમજવા આપણા રોજિંદા ભોજનના વ્યંજનો તથા પરીવારના સંબંધો ના સમાનાર્થક શબ્દો શોધતા જ
  આપણા સંબંધો તથા પાકશાસ્ત્ર ની સમૃદ્ધિ સમજાશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *