સંસ્થા : વીચારોની પ્રયોગશાળા

સંસ્થા એક વીચાર હોય છે.

કોઈ અગત્યના હેતુસરનાં કાર્યો માટે તેની સ્થાપના થતી હોય છે તે ખરું પણ કોઈ એક મહત્ત્વના વીચારને આગળ વધારવા માટેનાં કાર્યો સંસ્થા મારફત થવાનાં હોય છે.

કોઈ એક વીચારનું વહન પણ છેવટે કાર્યાન્વીત થાય છે, સંસ્થા મારફતે.

સંસ્થાની સ્થાપના કોઈ વ્યક્તી કરે છે. એક કે એકથી વધુ વ્યક્તીઓ તેને સાથ આપે છે. ક્યારેક એવું પણ બને કે મહત્ત્વનાં કાર્યો કોઈ એક વ્યક્તી જ શરુ કરે અને છેક સુધી એકલે હાથે જ ચલાવે. પણ એ બધું તો કાર્યના પ્રકાર પર આધાર રાખે છે.

સંસ્થા શરુ કરવાની વાત તો પછી આવે છે. સૌથી પહેલાં તો વ્યક્તીના મનમાં વીચાર જન્મે છે. પછી એ વીચાર ઘુમરાયા કરે છે. કદાચ વંટોળ પણ ઉભો થાય છે એ વીચાર સાથે સંકળાયેલી અનેક ગડમથલોનો !

પણ વીચાર જ્યારે પોતાના સીવાયનાઓ માટે હોય ત્યારે એનું મનમાં જ પુરાઈ રહેવું શક્ય બનતું નથી. પોતાના સીવાયનાં અનેકો માટે ઉદ્ભવેલો વીચાર કોઈ ને કોઈ કાર્યમાં પરીણમવા ઝંખે છે. કાર્યમાં મુકાયા વીના વીચાર મનમગજને અશાંત કરી મુકે. એટલે પછી તે વીચાર અમલમાં આવવા ધમાચકડી બોલાવતો થાય એમ બને.

ને એમ, પછી એના અમલીકરણનો તખ્તો તૈયાર થાય છે.

દરેક વીચારના અમલીકરણ માટે સંસ્થા જરુરી નથી. સંસ્થાની સ્થાપના વીના પણ વીચારો પ્રગટ અને કાર્યાન્વીત થઈ શકે છે. પુસ્તકરુપે પણ વીચારો પ્રગટ થઈ શકે છે. સર્જનાત્મક સાહીત્યો તો વીચારને ફેલાવવા માટેનાં બહુ જ શક્તીશાળી વાહનો છે. નવલકથાઓ એક નવી જ દુનીયા સર્જીને સમાજને એક નમુનો બતાવી દે છે. એમાં કાર્યક્રમોની એક ચોક્કસ માંડણી હોય છે. નવલકથાનાં પાત્રો લેખકના મુળ વીચારને કાર્યાન્વીત કરી બતાવે છે.

કશું જ નવું સર્જન કર્યા વગર પણ વીચારને કાર્યાન્વીત કરી શકાય છે. પોતાને અનુકુળ એવી નોકરી દ્વારા વ્યક્તી ઘણું કરી શકે છે. જોકે તેવા કીસ્સામાં એને સંસ્થા તૈયાર મળી ગઈ હોય છે અને નવી સંસ્થા ઉભી કરવાનું જરુરી રહેતું નથી.

નાનાભાઈ ભટ્ટને ભણતર પુરું થયા પછી તરત જ પોતાના વતન જેવા ભાવનગરમાં અધ્યાપકની નોકરી મળી જ ગઈ હતી પરંતુ એમને જે કામો કરવાં હતાં તેને માટે એ કૉલેજ ખાસ ઉપયોગ નીવડવાની નહોતી ! એટલે ભાવનગરના મહારાજાએ સમજાવ્યા છતાં પ્રાધ્યાપકની મોંઘી ગણાય એવી કામગીરી જતી કરીનેય એક પંતુજીની કામગીરી હાથ ધરવા એમણે સાહસ કરેલું ! તેમની ઇચ્છા નાનાં બાળકોથી શરુ કરીને એક વીચારને દૃઢ કરવો હતો. આ માટે યુવાન થઈ ગયેલા વિદ્યાર્થીઓ એમને ઠીક ન લાગ્યા….કુમળાં બાળકો–કીશોરોને જ કેળવીને પોતાના વીચારને અમલમાં મુકવાનો હતો. અને એટલે જ પ્રોફેસરું છોડીને એમણે મહેતાજીપણું સ્વીકાર્યું.

પણ આને માટે તો એમને સંસ્થા જ શરુ કરવી પડેલી ! એકલપંડે શરુ કરેલી એ સંસ્થામાં બીજા ખુબ અગત્યના એવા કેળવણીકારો પણ જોડાયા. એ સૌના સાથસહકારથી એ સંસ્થા ગુજરાતનું આદર્શ શિક્ષણસંસ્થાન બની રહી !!

ને છતાં –

હા, છતાં…..નાનાભાઈએ પોતાની જ એ સંસ્થા છોડી દીધી.

(ક્રમશ:)

– જુગલકીશોર.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *