પત્ર – (૫) ટપાલીનું એક જમાનામાં મહેમાનથીય વિશેષ સ્થાન હતું !

સ્નેહી બહેનો,

નીનાબહેન અને દેવિકાબહેને ‘આથમણી કોરનો ઉજાસ’ પ્રગટાવીને પુસ્તકરૂપે ફેલાવ્યો ત્યારે જ મારા ધ્યાનમાં આવેલું કે આ બે બહેનપણીઓ વચ્ચે જ પત્રવ્યવહાર થયાં કરે તે જ રીતે થોડા વધુ જણાં એમાં ભેળાં થાય તો આ સાહિત્યસ્વરૂપ – પત્રવૃક્ષ –ને વધુ પત્રો કહેતાં પાંદડાં ફૂટે !! એટલે મેં તો મારા સ્વભાવ મુજબ સૂચન કરીને મૂકી દીધું કે તમે સૌ મળીને આનો ફેલાવો કરો.

પાંદડાંને પવન મળે તો જે ધ્વનિવૈવિધ્ય પ્રગટે છે તે માણ્યું છે કદી ? ઉનાળાની મોડી રાતે લીમડો એનો રેશમિયો ધ્વનિ ફેલાવતો હોય ત્યારે આસપાસમાં સૂવાનો મજો પડી જાય છે. એવી જ રીતે ખખડધજ પીપળો રાતે પવનમાં પાંદડાંને મુખરિત કરે છે ત્યારે કોઈ બાળક ખડખડ હસતું હોય તેવું સંભળાય છે ! ને દિવસે તો એની લાં….બી ડાંડલીથી જોડાઈને લટકતાં પાંદડાં એકબીજાં સાથે અથડાતાં અથડાતાં એક ચિત્ર ઊભું કરે છે જેમાં મારા જેવાને તો ગીતાના ગાયકે પ્રશંસેલો એ વૃક્ષરાજ હાથતાળી આપતો દીસે !!

પતરાળી નામથી ઓળખાતી આપણી દેશી થાળીમાં જમવાનું પણ માહાત્મ્ય છે. દક્ષિણનાં રાજ્યોમાં આજે પણ પાંદડાંની થાળીને બહુ મહત્ત્વ મળેલું છે. કેળનાં લાંબાં, લીલાંછમ્મ ને આંખને શાતા આપનારા રંગનાં પાનમાં જમ્યાનો આનંદ માણવા રેખો છે. પણ પતરાળી તરીકે ઓળખાતી આપણી થાળી એટલે કેસૂડા/ખાખરાના ઝાડનાં ગોળાકાર પાંદડાંની સળીઓથી ગુંથાયેલી થાળી ! પત્ર+આવળી. આવળી એટલે હાર, પંક્તિ, પરંપરા. એટલે કે, પાંદડાંને એક પરંપરિત રૂપ આપીને યોજાયેલી આકૃતિ.

હવે, તમારા આ પત્રોને મેં આપેલા નામ બાબત કહું તો ‘પતરાળી’માં જેમ ઘણાં પાન ગોઠવાયાં–ગૂંથાયાં હોય છે તેમ આ નવી પત્રશ્રેણીમાં પણ એકથી વધુ લેખકો અને એકથી વધુ, અનેક વિષયોનો સમાવેશ થવાનો છે…..ને વળી થાળીમાં પીરસાતાં ભોજન–વ્યંજનોનું રસરૂપ–વૈવિધ્ય પણ સૌનું ધ્યાન ખેંચવાનું છે તે મજાની બાબત બની રહેશે જોજો !     

પત્ર એટલે જેમ પાંદડું તેમ જ તમે લોકોએ કહ્યું તેમ, લખાનારો ને ગંતવ્યે વંચાનારો પત્ર પણ. પત્રને આમ તો બે સ્થાનો હોય છે. એક તેના લખનારવાળું ને બીજું એના વાંચનારવાળું. જોકે આ તો કોઈ પણ કલાને લાગુ પડે છે. સર્જક અને ભાવક આ બન્ને પાસાં કલાને માટે અનિવાર્ય છે પણ પત્રમાં ટપાલી એ પણ એક જરૂરી પરિમાણ હોય છે ! ટપાલીનું એક જમાનામાં જે સ્થાન હતું તે તો સ્વજન જેવું હતું ! ટપાલી સૌનો વહાલો હતો.

પત્ર એક એવો અરીસો છે જેમાં વાંચનારને લખનારનો ચહેરો દેખાય છે….કહું કે, વંચાય છે !!

આજના જમાનામાં તો હવે આ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોએ અનેક સ્વજનોને ઘેર બેસાડી દીધાં છે ત્યારે ટપાલીની ગેરહાજરીમાં પણ તમે બહેનોએ આ પત્રશ્રેણીને મહત્ત્વ આપીને એને સૌની વચ્ચે છુટ્ટી મૂકી દેવાનું ધાર્યું છે ત્યારે તમને સૌને અભિનંદનો આપવાં જ રહ્યાં.

આજે તો આટલું જ. 

લિ. જુભાઈ.


Email: jjugalkishor@gmail.com

MATRUBHASHA : http://jjugalkishor.in

2 comments for “પત્ર – (૫) ટપાલીનું એક જમાનામાં મહેમાનથીય વિશેષ સ્થાન હતું !

 1. July 5, 2018 at 2:18 am

  રેલ્વેના કોલસના એન્જીનથી ટપાલની મોટા પ્રમાણમાં હેરાફેરી થતી. જમાનો બુલેટ ટ્રેન અને વીમાનનો આવી ગયો. 

  ટપાલની જગ્યાએ સ્પીડપોસ્ટ કે ઈ-મેઈલનો આવી ગયો.

  આપણે વેદ ઉપનીષદ. સમ્રાટ અશોક, મુહમ્મદ ગજનવી, ગેલેલીયો, ડાર્વીનને યાદ કરીએ છીએ એમ ટપાલીના પત્રને યાદ કરીએ એ જરુરી છે. 

  • July 5, 2018 at 2:58 am

   ટપાલી તો કેટલો માનીતો હતો ! દરેક ઘેર એનું આગવું સ્થાન હતું. ચાપાણી નીમીત્તે તે પોરો ખાઈને કેટલીય વાતો કુટુંબ સાથે કરતો !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *