નેટજગતમાં એક વધુ પ્રયોગ : “પત્રાવળી”

મારી સાઈટ “માતૃભાષા” પર આજથી એક શ્રેણી આરંભાય છે.

દેવિકાબહેન અને નયનાબહેનનું એક મજાનું પત્રપુષ્પ “આથમણી કોરનો ઉજાસ” મને ભેટરૂપે મોકલાયું તે વાંચીને બન્ને લેખિકાઓને એક અછડતું સુચન મેં કરેલું, કે હવે બેને બદલે વધુ પત્રલેખકોને સાંકળીને એક જાહેર પત્રોની શ્રેણી તમારા બ્લૉગ પર જ શરુ કરો ને !

ને શરુમાં કેટલીક જરુરી ચર્ચાઓ કરીને એમણે તરત જ આ કામ હાથ પર લઈ લીધું. આજકાલ કુલ ૩૦થી પણ વધુ પત્રો લખાઈને એમના બ્લૉગો પર પ્રગટ થઈ ચુક્યા છે !

વળી એમના આમંત્રણને માન આપીને પ્રીતિબહેન સેનગુપ્તા, શ્રી કૃષ્ણકાંત ઉનડકટ, રાજુલ કૌશિક, રોહિત શાહ, વલીભાઈ તથા નયનાબહેન જેવા લેખકો પણ જોડાયા. “આરંભ કરીને ખસી જવાની વૃત્તી”વાળા મેં આમાં ન જોડાવાનું નક્કી કરેલું ! પણ પછી મારેય લખવું જ પડ્યું….

આજ સુધીના આ પત્રોને એક પછી એક અહીં મારા વાચકો માટે મુકીને આ “પતરાળી” સૌને માટે ખુલ્લી કરું છું. જેમને પણ પોતાની વાત અભીપ્રાયરુપે મુકવી હોય તેઓ દેવીબહેનને ddhruva1948@yahoo.com સરનામે મોકલી શકશે.

આજે દેવીબહેનની પ્રસ્તાવનાથી શરુ કરીએ….– જુ.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

‘ઉજાસ’ હવે ચારે દિશામાં ફેલાશે !!

 

૨૦૧૭ના ડિસેમ્બર મહિનાની એક સવારે, પૂર્વના સૂરજનું એક કિરણ મારી  હ્યુસ્ટનની બારીમાં ઉજાસ પાથરી ગયું. એ કિરણ હતું “આથમણી કોરનો ઉજાસ” નામક મારા પુસ્તક અંગે.

અમદાવાદથી વડીલ શ્રી જુગલકિશોરભાઈ વ્યાસની એક ઈમેલ મળી. “તમારા પુસ્તક અંગે જુઓ મારી સાઈટ પર.મેં ઝટપટ વાંચવા માંડ્યુઃ
બે હૈયાં વચ્ચે વહેતી વાતોનું ઝરણું : “આથમણી કોરનો ઉજાસ”

કૉલેજજીવન પછી છુટી ગયેલો સંબંધ અરધી સદી પછી સંધાય ત્યારે બબ્બે પેઢીઓની સાક્ષી બની ચુકેલી બે બહેનપણીઓનાં હૈયાં વચ્ચે સ્ફુરી ગયેલાં બે ઝરણાંના ખળખળતા મધુરા જળપ્રવાહનો આ શાબ્દીક વીડીઓ છે!!  

 આભાર અને આનંદની અભિવ્યક્તિ દરમ્યાન ડિસેમ્બર ૧૭માં જ એમણે એકથી વધુ વ્યક્તિઓ વચ્ચે પત્રોની પત્રાવળી બ્લૉગ ઉપર જાહેરરૂપે શરૂ કરવા પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું અને સાથે સાથે નવી અને જુદી પત્રશ્રેણી અંગે બંરાબર બંધબેસતું, અર્થસભર નામ ‘પત્રાવલિ/વળી’ પણ તેમણે સૂચવી દીધું! અને એમ ૨૦૧૮ના નવા વર્ષના પ્રથમ દિવસે પત્રાવળીલખવા–વંચાવાની શરૂ થઈ.

મારી અડધી સદીની સહેલી નયના પટેલ સાથે લખાયેલ પૂર્વપશ્ચિમના ૩૫૪૦ વર્ષના અનુભવોવાળી આથમણી કોરના ઉજાસથી સાવ જુદો વિષય લઈને શબ્દોની અવનવી વાનગીઆ પત્રાવળીમાં પીરસાવા માંડી.

સૌથી પહેલો મઝાનો ટહૂકો કર્યો ‘રાજુલનું મનોજગત’ દ્વારા ફિલ્મ રીવ્યુથી પંકાયેલા રાજુલબેન કૌશિકે. એમના  વૈવિધ્યસભર અને રસાળ ”શબ્દની સંગે સાહિત્યનો રંગ” માણવાનો એક લહાવો મળ્યો. પછી હાથમાં રંગ, સુગંધથી સુસજ્જ કલમનું કમંડળ લઈને આવ્યા નેટવિશ્વમાં જાણીતા અને ભાષાના કસબી જુગલકિશોરભાઈ. પંચામૃત જેવા પાંચ પત્રોની પ્રસાદી પછી,  ‘વિશ્વપ્રવાસીની’ પ્રીતિ સેનગુપ્તા પધાર્યાં. પછી તો વિશ્વના ખૂણેખૂણેથી વાચકોનો પ્રતિસાદ મળતો ગયો તો માનવંતા અન્ય લેખકો પણ આનંદપૂર્વક અમારા આમંત્રણને માન આપી પત્રો પાઠવતા ગયા. આમ, ધીરે ધીરે હમ ચાર હી ચલે થે જાનિબે મંઝિલ મગરલોગ સાથ આતે હી ગયેકારવાં બનતા ગયા”.

 કવિતા પછી ગદ્યસાહિત્યમાં પત્રસ્વરૂપએ મારો પ્રિય લેખનપ્રકાર રહ્યો છે. જુગલભાઈ કહે છે તેમ “પત્ર એક એવો અરીસો છે જેમાં વાંચનારને લખનારનો ચહેરો દેખાય છે, વંચાય છે!!” તેમના પત્ર નં ૬ માં જણાવ્યા મુજબ ‘પતરાળી’માં જેમ ઘણાં પાન ગોઠવાયાં–ગૂંથાયાં હોય છે તેમ આ નવી પત્રશ્રેણીમાં પણ એકથી વધુ લેખકો અને એકથી વધુ, અનેક વિષયોનો સમાવેશ થવાનો છે…..ને વળી થાળીમાં પીરસાતાં ભોજન–વ્યંજનોનું રસરૂપ–વૈવિધ્ય પણ સૌનું ધ્યાન ખેંચવાનું છે.”

આશા છે આ પત્રાવળીની પંગત અને સંગતનો નવોદિત પ્રયાસ સાહિત્યજગત આવકારે, માણે અને તેમાં રહેલી ત્રુટિઓને સમભાવે નિભાવી લઈ સ્નેહસૂચનોથી ધ્યાન દોરે.

અસ્તુ.

દેવિકા રાહુલ ધ્રુવ.

 

 

 

 

5 comments for “નેટજગતમાં એક વધુ પ્રયોગ : “પત્રાવળી”

 1. NAVIN BANKER
  June 28, 2018 at 2:31 pm

  ખુબ ખુબ અભિનંદન, દેવિકાબેન !
  નવીન બેન્કર

 2. June 28, 2018 at 2:49 pm

  જુ.ભાઈ, આનંદ અને ધન્યતાની લાગણી સાથે નમન.
  આ જ રીતે સાથ અને માર્ગદર્શન આપતા રહેશો.

  • jugal kishor
   June 28, 2018 at 4:05 pm

   જરુર.
   તમે સહુ પણ આવા પ્રયોગો કરીને ગુજ.ની ભાષાસેવા-સાહીત્યસેવા કરતા રહેજો.

 3. July 5, 2018 at 2:09 am

  પત્ર, પત્રાવળી, ટપાલી, નીયમીત વાંચન કરું છું. હાથેથી પત્ર લખી સ્વજન, મીત્ર કે અજાણ્યાને મોકલીએ એને ફરીથી ટાઈપ કે પ્રીંન્ટ કરી ખુલ્લો કરીએ તો ઓર મજા આવે.

  જુભાઈએ આ માટે નેટજગત ઉપર જે પ્રયોગ કરેલ છે એ હું વાંચુ છું. મોબાઈલ ઉપર ટાઇપ કરવું સહેલું નથી પણ કોંપ્યુટરનો કીબોર્ડ મદદ કરી શકે છે.

  હીંન્દી ફોન્ટ જેમ ગુજરાતી ફોન્ટ માં એકરુપતા નથી. મહારાષ્ટ્રમાં વીધાનસભામાં આ બાબત ચર્ચા થયેલ. એ હીસાબે ગુજરાતી ફોન્ટમાં હજી એકરુપતા આવી નથી. જે પાટીયું વાપરતા હોઈએ એ પ્રમાણે ટાઈપ કરી શીખી લેવું જોઈએ અને સાહીત્ય પરીષદ, અકાદમી કે ગુજરાતની વીધાનસભામાં આ બાબત જલ્દી ઘટતું થાય એ જરુરી છે.

  વીકીપીડીયા, ગુગલ અને અન્ય પાઈયા ઉપર ઘણીં વખત લખીએ એ સામે બરોબર નથી દેખાતું નથી અને વીકીપીડીયાના એડમીન પણ એ બાબત છ લખવું હોય તો ચ લખે છે.

  પત્રાવળીમાં હાથે લખેલ પત્રના ફોટા મુકવા જોઈએ. સારા અક્ષરો દેખાય તો મજા આવે. શાળામાં હજી બાળકોને એ બાબત જણાંવવામાં આવે છે અને બાળકો એ પ્રવૃતી ચાલુ રાખે છે. એ હીસાબે ૪૫ થી ૭૦ વરસના એમાં વધુ રસ લે એ જરુરી છે..

  • July 5, 2018 at 2:53 am

   વોરાસાહેબ, સાચી વાત છે કે જુનું બને તેટલું યાદ રાખીને નવાની સાથે શક્ય તેટલું ગોઠવવા મથવું જોઈએ. પત્રોને હાથે લખીને એના ફોટા અહીં મુકવાથી આ શ્રેણી વધુ સારી લાગે તે વાત ગળે ઉતરી છે…એનો અમલ કરવા મથીશું…ખુબ આભાર !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *