સર્જક–વિવેચક સંવાદ – (૨)

ગઈકાલના લેખનું અનુસંધાન : 

સર્જક :         તમે બહુ સારી વાત કહી. મને ઘણી શાતા થઈ ! પણ તો પછી તમે શરૂમાં કહ્યું તેમ સર્જક અને સર્જનમાંથી સર્જકને બાદ કરી નાખવાનો ?! વિવેચનક્ષેત્રે સર્જકનું કશું મૂલ્ય જ નહીં ?

વિવેચક :    કોણે કહ્યું ? પરંતુ અત્યારે હવે એ સવાલને બાજુ પર રાખીને ફરી મળીએ ત્યારે હાથ પર લઈશું.

–––––––––––––––––––––––––––––––––––––––––––––

હવે આગળ ભાગ બીજો :

વિવેચક :    વિવેચનના ક્ષેત્રમાં ફક્ત રચનાનો જ વિચાર કરવાની વાત નથી હોતી. પણ રચનાના સંદર્ભે સર્જકની કક્ષા, રચનામાં પ્રગટતું સર્જકનું વિચાર–ભાવજગત, સર્જકનો સમય અને એના સમયની તથા સાહિત્યની વારસાગત પરંપરાઓ સાથેની સર્જકની સર્જકતા વગેરેનો વિચાર થતો હોય છે.

સર્જક :      એટલે કે અમારાથી થયેલા સર્જનને મૂલવવાની સાથે સાથે અમારી સર્જનક્ષમતાને પણ મૂલવાતી હોય છે, ખરું ?

વિવેચક :    હા, ખરું, પણ આ કાર્ય આપોઆપ થયાં કરે. તમારી સર્જનક્ષમતા જ તમારી રચનાને સર્જે છે ને વળતાં, તમારી રચના જ તમારી સર્જનક્ષમતાનું પ્રતિબિંબ હોય છે તેથી આમ જોવા જઈએ તો બન્ને બાબતો પરસ્પર સંકળાયેલી જ ગણાય !

સર્જક :      નેટજગતમાં એવું શું હશે, જે પ્રિન્ટજગતના સર્જકોની સરખામણીએ નેટજગતના સર્જકોનું મૂલ્ય ઓછું અંકાય ?

વિવેચક :    સાવ એવું નથી ! પ્રિન્ટજગતના સર્જકોની કક્ષા ઊંચી જ હોય છે ને નેટજગતના સર્જકોની કક્ષા ઓછી એ માન્યતા સાચી નથી. પણ આવી છાપ પડી હોય તો તેનાંય કેટલાંક કારણો હોઈ શકે.

સર્જક :      તો પછી એ કારણોનીય ચર્ચા કરો જ ને….મારા જેવાને તો તે બહુ ઉપયોગી થશે !

વિવેચક :    પહેલી વાત તો એ કે, પ્રિન્ટજગતનો ઇતિહાસ લાંબો છે. સદીઓથી લખાતું આવ્યું છે અને જ્યારે પ્રિન્ટીંગ નહોતું ત્યારે પણ હસ્તલિખિત સાહિત્ય તો હતું જ.

આટલા લાંબા સમયગાળા દરમ્યાન ગદ્ય–પદ્ય બન્ને ક્ષેત્રનાં સાહિત્યનું ઊંડું અને ખાસ તો પ્રામાણિકતા સાથેનું ખેડાણ થતું રહ્યું. (અહીં આ ‘પ્રામાણિકતા’ શબ્દનું વિશેષ મહત્ત્વ ધ્યાનમાં લેજો.)

સર્જક :      કેમ, પ્રામાણિકતાની વાતનું એટલુંબધું શું મહત્ત્વ ?

વિવેચક :    સર્જનવ્યાપારમાં પ્રામાણિકતા, નિષ્ઠા વ. સીધું જોડાણ કરે છે સાહિત્યનાં સ્વરૂપોની શુદ્ધતાની જાળવણી સાથે !! ભારતીય કાવ્યશાસ્ત્રમાં નિર્દેષેલા નિયમોની જાળવણીનો પ્રામાણિક પ્રયત્ન એ સર્જકની વિશેષ જવાબદારી ઉપરાંત લાયકાત પણ ગણાતી હતી !

વ્યાકરણના નિયમોનું પાલન, છંદ વગેરેના બંધારણને ચુસ્તતાથી વળગી રહેવાની જવાબદારી, નિયમોમાં પણ ફેરફાર કરવા જેવા લાગે તો પણ સર્જકની એટલી ઊંચી લાયકાતો પછી પણ વિદ્વાનો દ્વારા થતી રહેતી એ ફેરફારોની વિવેચના વગેરે એ બધું હજી હમણાં સુધી નિષ્ઠાપૂર્વક પાળવાની બાબત હતી.

સર્જક :      એ તો નેટજગતના સર્જકોને પણ લાગુ પડતી બાબત છે ! તો પછી એને અલગ ગણાય ખરું ? શું નેટજગતમાં આ બધાંનું પાલન શક્ય નથી ?

વિવેચક :    શક્ય તો છે જ, પણ એમાં બે બાબત ધ્યાન ખેંચે છે :

૧) નેટજગતમાં કોમ્પ્યુટરો પર લખાતું થયું ત્યારે એમાં લખનારાઓ મોટેભાગે ટૅકનિકલ જાણકારી ધરાવનારાઓ હતા. સાહિત્યકારો તો બહુ પછી આવ્યા – હજી પણ મોટાભાગના સાહિત્યકારો નેટથી અળગા તો ખરા જ પણ નેટને જાણે અછુત ગણનારા હોય છે !! પરિણામે સાહિત્યનો કક્કો પણ ન જાણનારામાંના કેટલાકો શરૂમાં લેખકો (એટલે કે ‘લખનારા’) બની ગયા ! તેઓ બસ, લખતા ! શું અને કેવું તે સવાલ પૂછવાનો હતો જ નહીં.

૨) બીજું એથીય મહત્ત્વનું પાસું એ હતું કે એ લખાણોને ‘તપાસવા’ની કે મૂલવવાની વાત તો કોરાણે રહી પણ જે લખાતું ગયું તેને ‘વાહ’, ‘મજા પડી ગૈ’, ‘તમે તો બહુ સરસ લખો છો !’, ‘તમારી રચના તો…..’ વગેરે વગેરે શબ્દોથી મૂલવાતી ગઈ જેને પછીથી વિવેચન કહેવામાં આવ્યું ! આણે બહુ મોટું નુકસાન કરી નાખ્યું…..

સર્જક :      કેટલાક નેટસર્જકો તો આ બાબતને પોતાનું “સર્જનસ્વાતંત્ર્ય” ગણાવવા સુધી જાય છે ! છંદના નિયમો, ગદ્યના નિયમો. પદ્યના–કાવ્યનાં તત્ત્વો વગેરેની અવગણના વગેરે વાતો આજકાલ બહુ ચર્ચાય છે !

વિવેચક :    હા, સાચી વાત છે. અને જો આમ જ ચાલશે તો પછી જોડણીમાંની અરાજકતાનો ચેપ હવે પછી સાહિત્યનાં સ્વરૂપોમાં પણ ફેલાશે. કાવ્ય–ગીત–સૉનેટ–હાઈકુ–છાંદસઅછાંદસ રચનાઓ વગેરેમાં કોઈ પ્રમાણભુતતા જળવાશે જ નહીં. પછી તો ‘અહો રૂપમ્ અહો ધ્વનિ !’ વ્યાપી વળશે.

સર્જક :      તો પછી આનો કોઈ ઉપાય ?

વિવેચક :    છે. ઉપાય તો હોય જ…પણ નેટજગતના સ્વાતંત્ર્યવીરો એને સહન કરી શકે તો !! જુઓ :

૧) નેટજગતમાં પ્રિન્ટજગતના સાહિત્યકારોની રચનાઓનું મોટા પ્રમાણમાં પ્રસારણ થવું જોઈએ (જે ખરેખર આજે થઈ રહ્યું જ છે. કેટલાક મિત્રો નિષ્ઠાપૂર્વક પોતાના બ્લૉગ પર લાંબા સમયથી ઉત્તમ રચનો મૂકી જ રહ્યા છે.)

૨) પ્રિન્ટજગતના વિવેચકોએ કાંઠે બેસીને તમાશો જોયા કરવાને બદલે નેટજગતમાં ઊંડો પ્રવેશ લેવો જ ઘટે.

૩) નેટજગતમાં સાહિત્યનાં સ્વરૂપો ઉપરાંત ગદ્યપદ્ય અને વ્યાકરણ વિશે વિસ્તૃત અને સહેલી ભાષામાં સમજ આપવી જોઈશે.

૪) વાણી સ્વાતંત્ર્ય અને સાહિત્યનાં સ્વરૂપોના નિયમોનું પાલન એ બન્ને બાબતો તદ્દન જુદી છે તેનો ખ્યાલ વ્યાપક રીતે સમજાવવો પડશે. કાવ્યમાં છંદ ન હોવા માત્રથી કાવ્ય અછાંદસ બની જતું નથી ! છંદ ન આવડે કે છંદમાં વહેવાનું અઘરું લાગે તેથી પોતાની ગરબડી રચનાને અછાંદસ કહી દેવું યોગ્ય નથી…વાર્તાનાં મૂળભૂત તત્ત્વોને કોરાણે મૂકીને ટુચકો લખી નાખીને તેને માઇક્રોફિક્શનનું રૂપાળું નામ આપી દેવાનો કોઈ અર્થ નથી. હાઈકુ એ કાવ્યનો બહુ જ અઘરો પ્રકાર છે; સાદાં વાક્યોને પાંચ–સાત–પાંચ શબ્દોમાં મૂકી દેવાથી હાઈકુનું અપમાન થાય છે.

આ બધું વ્યાપક રીતે પ્રચારવું અને પ્રસારવું પડશે.

સર્જક :      તો શું નેટજગત પાસે અત્યારે લેખકોએ નિરાશ થવા જેવી જ સ્થિતિ છે ?

વિવેચક :    ના…..જરાય નહીં ! જેઓ પણ, કે કાંઈ પણ લખે છે તેને માતૃભાષાની સેવારૂપ જ ગણવું જોઈએ. કાલુંઘેલું જ નહીં, ભૂલભરેલું પણ જે કાંઈ લખાય છે તેને ભાષાના યજ્ઞરૂપ જ ગણાય. હું તો બધી જ રચનાઓને આવકારવામાં માનું છું. કોઈ ભૂલ કરે તો તેને તોછડાઈથી તિરસ્કારવાની રીત વિવેચનક્ષેત્રની જાણકારીના અભાવરૂપ જ ગણવી જોઈએ. પોતે ભાષા–સાહિત્યનો જાણકાર છે એમ માનીને કોઈને પણ ઉતારી  પાડવાનો નથી તો એને અધિકાર કે નથી તો તે સાચો વિવેચક !!

સર્જક :      હાશ ! આજે મને ખૂબ જ સારું લાગ્યું. તમારો આભાર.

વિવેચક : સર્જકમાં પણ એક વિવેચક છુપાયેલો જ હોય છે પણ તેણે તૈયારી કરવી પડે; તૈયાર થવું…રહેવું પડે. નિરંજન ભગત કહી ગયા છે તે યાદ રહે –

    “અરે ! કહી ન કાવ્યને બગાડવું,

    અહો ! કહી અહં નહિ જગાડવું !!”

 

 – જુગલકિશોર તા. ૨૭/૦૫/૧૮

 

4 comments for “સર્જક–વિવેચક સંવાદ – (૨)

 1. May 27, 2018 at 2:00 pm

  વાહ! એકદમ યોગ્ય રીતે મુદ્દાઓની રજુઆત.
  સરયૂ પરીખ

 2. May 29, 2018 at 1:53 am

  નેટ ઉપર અને અંગત બ્લોગો પર ‘સ્વ-વિવેચન’ વિશે લખશો તો કદાચ બ્લોગર મંડળી વાંચે અને અપનાવે. બીકી બહારનું વિવેચન બ્લોગ માં ચાલવાનું નથી.

 3. May 29, 2018 at 1:53 am

  સોરી…
  બાકી…. બહારનું વિવેચન બ્લોગ માં ચાલવાનું નથી.

  • admin
   May 29, 2018 at 2:53 am

   બરાબર છે. છતાં જે છે તે અથવા જેવું હોવું જોઈએ તેવું (મારા મતનું) બતાવવાનો પ્રયત્ન કરવામાં શું વાંધો ? વળી મેં તો છેલ્લે પ્રોત્સાહનરુપ વાતો પણ ભારપુર્વક લખી જ છે. કેટલાક લોકો નવા સર્જકો માટે નીરાશાજનક લખતા હોય છે જે બરાબર નથી તેથી નવા સર્જકોને પ્રોત્સાહનની વાત પણ લખી….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *