શિક્ષક અને વિવેચક

શિક્ષકનું કાર્ય માટલાને આકાર આપતા પેલા પ્રજાપતિ જેવું છે. તે બહારથી ટપલાં મારે છે પણ અંદર બીજા હાથે ટેકો પણ આપે છે.

શિક્ષક ભૂલો બતાવવાની સાથે સાથે તે ભૂલ ફરી ન થાય તે પણ સમજાવે છે પરંતુ શિક્ષકનું એથીય અગત્યનું ઋણ તો એ વાતે છે કે તે વિદ્યાર્થીને જ્ઞાનની અનેક દિશાઓ ખોલી આપીને પણ પોતાને પસંદ એવી કોઈ એક જ દિશા સૂચવતો નથી ! એ કામ તો તે પોતાના શિષ્ય ઉપર વિશ્વાસ રાખીને એને જ પસંદ કરવા દે છે.

તેના શિષ્ય પાસેથી તે અર્જુનની જેમ ફક્ત એવું કહેવાની અપેક્ષા નહીં રાખે કે – “करिष्ये वचनं तव”

ખરો શિષક તો કૃષ્ણની જેમ જ કહેશે :  “यथेच्छसि तथा कुरु”

 

વિવેચક પણ નવા સર્જકની રચનાઓને સાંભળશે, સર્જકની પીઠે હાથ ફેરવશે ને જરૂર મુજબની સૂચનાઓ આપીને એની કુશળતાને પંપાળશે પણ ખરો !

કેવળ ભૂલો શોધીશોધીને નવા સર્જકને નિરાશ કરતો વિવેચક સર્જકને તો ખરું જ પણ સાહિત્યને પણ કંઈક અંશે નુકસાન કરી બેસે છે ! કવિ પૂજાલાલ આવા સોટીશિક્ષકોને કહે છે તે સમજવા જેવું છે :

કુવિવેચકનેે –

રે  કાક !  જા  ઉકરડે   મળ    ચૂંથવાને,

તું શોભશે અધિક ત્યાં નિજ વાન ગાને.

મેલે  મુખે   નવ  થતી   રસની  પરીક્ષા,

છે   હંસને જ   મળી  સત્યવિવેક   દીક્ષા.

                                    – પૂજાલાલ

કાવ્યસર્જનના ક્ષેત્રે સર્જક મોટો કે વિવેચક એ સવાલ અલબત્ત પુછાતો હોય તો પણ નિરર્થક છે કારણ કે સાહિત્યક્ષેત્રે સર્જનની જેમ જ વિવેચનનું કાર્ય પણ ખૂબ મહત્ત્વનું, કહું કે, અનિવાર્ય જ ગણાય.

2 comments for “શિક્ષક અને વિવેચક

 1. May 10, 2018 at 2:07 am

  શીખવનાર ગમે તેટલાં હોંશિયાર હોય પરંતુ શિખનારમાં પરિપક્વતા ન આવે ત્યાં સુધી નથી પચાવી શકતા.
  સર્જક જો વિવેચકના સૂચનોને સમજપૂર્વક આવકારે તો ઘણો જ ફાયદો થાય છે, તે હું સ્વ-અનુભવથી કહું છું.
  “વિદ્યાર્થીને જ્ઞાનની અનેક દિશાઓ ખોલી આપીને….” ખૂબ સરસ વિચાર.
  સરયૂ પરીખ

 2. May 10, 2018 at 7:45 pm

  વિવેચો – પસ્તાશો !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *