ગીતોમાં પ્રાસયોજના

ગીતો એ આમ તો સાંભળવાનો વીષય છે. (ઉમાશંકરભાઈએ તો “કવિતા કાનની કલા” કહી છે. ) એટલે ગીતોમાં પ્રાસની યોજના બહુ જરુરી ગણાય તે સહજ છે. આ પ્રાસને કારણે ગીતોને યાદ રાખવાનું પણ સહેલું બની જાય છે !

ગીતોમાં ગઈકાલે આપણ જોયું તે મુજબ મુખ્ય પંક્તીના અંતે આવતો શબ્દ બીજી તરતની પંક્તીના અંતના શબ્દ સાથે પ્રાસથી જોડાઈને ધ્રવપંક્તીના ભાવને સઘન બનાવવામાં મદદરુપ બને છે.

એ પછી તરત આવતી ત્રણત્રણ કે ચચ્ચાર પંક્તીની કડીઓમાં અંતીમ પંક્તીનો પ્રાસ પણ ધ્રુવપંક્તીના છેલ્લા શબ્દ સાથે પ્રાસથી જોડાય છે અને તેથી દરેક કડીની અંતીમ પંક્તીનો પ્રાસ દરેક કડી પુરી થવાની સાથે જ વાચક–ભાવકને મુખ્ય વીચાર કે ભાવની સાથે જોડી દે છે. ગીતની મજા એ છે કે દરેક કડી આપણને દર વખતે કાવ્યના મુખ્ય વીષય સાથે જકડી રાખે છે ! જુઓ –

સહજ !                       

સહજ મળ્યું તે લીધું, મેં તો સહજ મળ્યું તે લીધું,
બળબળતા ઝરણાનું પાણી અમરત  માની  પીધું !

આવળ-બાવળનાં   ફુલોમાં  રુપ     ગુલાબી દીઠાં,
વનવગડામાં ભમતાં લાગે ચણીબોર   પણ મીઠાં !
ક્ષણ ક્ષણ   જીવને   ડંખે  એવું  કરમ ન એકે કીધું…….સહજ.

ચપટી મળ્યું તે ગજવે ઘાલ્યું,મણની લાલચ છોડી
આતમને   અજવાળે  મેં  તો   ધરમ-ધજાયું   ખોડી !
આડો-અવળો      મારગ  મેલી  જાવું છે  ઘર  સીધું !…સહજ.

— લાલજી કાનપરિયા.

ઉપર જોયું તેમ દરેક કડીની છેલ્લી ત્રીજી પંક્તી સીવાયની પ્રથમ બન્ને પંક્તીઓના છેલ્લા શબ્દો (દીઠાં–મીઠાં તથા છોડી–ખોડી)નો પ્રાસ ધ્રુવપંક્તી કરતાં જુદો અને સ્વતંત્ર હોય છે જે એક નવા સ્વતંત્ર વીચારનો નીર્દેષ કરે છે. છતાં એ જ કડીની છેલ્લી પંક્તી ગીતની મુખ્ય પંક્તી સાથે જોડાતી હોવાથી ભાવ કે વીચારની સળંગસુત્રતા જળવાય છે.

શ્રી નિરંજન ભગત જેવા સર્જકોનાં ગીતોમાં તો દરેક કડીની પંક્તીઓમાં પંક્તીના છેલ્લા શબ્દ – અંત્તોયાનુપ્રાસ તો હોય જ પણ તે ઉપરાંત પંક્તીની મધ્યે આવતા શબ્દોના પણ પ્રાસ જોવા મળે છે ! જુઓ –

વસંત ગૈ રે વીતી.

વસત ગૈ રે વીતી,
ક્યાં છે  કોકિલની  કલગીતિ ?

હિમાદ્રિને      હિમ    હિંડોળે મલય પવન જૈ પોઢ્યો;
ડાલ ડાલ રે અવ   નહીં ડોલે, અગન અંચળો     ઓઢ્યો;
ક્યાં  છે પલાશની ફૂલ પ્રીતિ ?

 

ઊડે   અબીલ  ગુલાલ   નહીં, નહીં   રંગરંગની    જારી;
નભની    નીલનિકુંજ    મહીં  રે નહીં  કેસરની  ક્યારી;
રે   અવ  ધૂળે   ધૂસર  ક્ષિતિ !

 –નિરંજન ભગત. 
તો સુંદરમનું આ ગીત જુઓ, એમાં બધી જ કડીઓની ત્રણેય પંક્તીઓને પ્રાસથી જોડી છે પણ ધ્રુવપંક્તીની સાથે કડીનો પ્રાસ મેળવ્યો જ નથી !! (આને કારણે એક ભાવક–વાચક તરકે, દરેક કડીને અંતે ધ્રુવપંક્તી સુધી ફરી વાર જવાનું બનતું ન હોય તેવું તમને લાગે છે ? જણાવજો….)

ગુર્જરીના ગૃહકુંજે

અમારું જીવન ગુંજેગુંજે.

આંખ ખુલી અમ અહીંયાં પહેલી,
પગલી ભરી હ્યાં પહેલી,
અહીં   અમારા    યૌવન     કેરી
વાદળીઓ વરસેલી…..ગુર્જરીના.

અહીં    શિયાળે   તાપ્યાં સગડી,
કોકીલ સુણી વસંતે,
અષાઢનાં   ઘનગર્જન    ઝીલ્યાં,
ઝણઝણતા ઉરતંત્રે….ગુર્જરીના.

અમે   ભમ્યાં   અહીંના ખેતરમાં,
ડુંગરમાં કોતરમાં,
નદીઓમાં   નાહ્યા,    આળોટ્યા,
કુદરત-પાનેતરમાં….ગુર્જરીના.

અહીં  અમારાં  તનધન  અર્પ્યાં,
પૌરુષપુર સમર્પ્યાં,
આ  જગવાડી  સુફલીત   કરવા,
અમ અંતરરસ અર્ચ્યાં…ગુર્જરીના.

અમે   અહીં   રોયા     કલ્લોલ્યા,
અહીં ઉઠ્યા પછડાયા,
જીવનજંગે  જગત  ભમ્યા   પણ
વીસર્યા નહીં ગૃહમાયા….ગુર્જરીના.

– સુન્દરમ્ 

એક બીજી પણ વાત જોવા મળે છે, જ્યારે ગીતનો ઉપાડ સીધો કડીથી જ થતો હોય ! અહીં ધ્રુવપંક્તી જ ગેરહાજર હોય છે ! શ્રી ચંદ્રકાન્ત ટોપીવાલાની મને બહુ ગમતી રચના પણ જોઈ જઈએ. સુંદર મજાના ભાવસભર કાવ્યમાં ધ્રુવપંક્તી વગર પણ કેવું કાર્યસીદ્ધ થયું છે ! કાવ્યનું શીર્ષક છે : વસંત    આજે    પોઢે !

 

પવન-કાંધ પર ચડ્યો જનાજો
કોયલ ગાય  મરસિયા !
ઝાકળની   આંખોમાં   અનગળ
બારે   મેઘ    વરસિયા !
બહાવરી  મંજરી  શિર પટકે  ને
ભમરાઓ   દુ:ખ જલ્પે !
રડી   રડીને   લાલ      સૂઝેલી
આંખે   ખાખર  વિલપે !
પરિમલનાં    રેશમી   કફનોને
લપટી     અંગે    ઓઢે !
ફૂલ    ફૂલની   કબરોમાં    ઊંડે
વસંત    આજે    પોઢે !

   –ચંદ્રકાન્ત ટોપીવાળા.

 

નોંધ : વાચકમીત્રો ! ગીત અંગેના તમારા વીચારો અહીં પ્રગટ કરવા માટે મને ઈમેઈલથી મોકલશો ? jjugalkishor@gmail.com

– જુગલકીશોર.

 

2 comments for “ગીતોમાં પ્રાસયોજના

 1. May 7, 2018 at 2:01 pm

  લય, પ્રાસ, અને સુંવાળા શબ્દો ગમતાં ગીત બનાવે છે.
  દરેક લાગણીને સહજ રીતે સ્પર્શતી રચનાઓ મને ગમે.
  સરયૂ પરીખ

 2. May 7, 2018 at 4:26 pm

  मरुल्लीला लोलल्लहरि लुलिताम्भोज पटली-
  स्खलत्पां-सुव्रातच्छुरण विसरत्कौंकुम रुचि ।
  सुर स्त्री वक्षोज क्षरद् अगरु जम्बाल जटिलम्
  जलं ते जम्बालं मम जनन जालं जरयतु॥२०॥

  https://archive.is/B8EvI#selection-1875.0-1899.36

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *