કાવ્ય–સાહીત્યના સર્જન માટે જરુરી કેટલુંક

પૌષ્ટીક સ્વાદીષ્ટ કાવ્ય–થાળ માટે જરુરી વ્યંજનો !!

 

શબ્દ અને અર્થનું સાથે હોવું તેને કાવ્યની પ્રથમ શરત ગણી છે. કાવ્યશાસ્ત્રીઓએ એને शब्दार्थौ सहितौ काव्यम्। કહીને સમજાવી હતી.

પણ આવું તો બધાંમાં બને. કોઈને ‘આવો’ કહીએ કે ‘જા જા હવે’ તો એમાંય શબ્દો ને અર્થો સમાયા જ છે પણ તે કાવ્ય બનતું નથી. એને માટે જરુરી કેટલાક અગત્ત્યના ઘટકો હોય છે :

अलंकार :

કાવ્ય બનવા માટે શબ્દોની ગુંથણી અનેક પ્રકારના અલંકારોથી થાય છે. આ ઘરેણાં બાહ્ય અને આંતરીક પ્રકારનાં હોય છે. શબ્દાલંકારો ને અર્થાલંકારો – શબ્દના અર્થમાં વધારો કરનારાં અને અર્થને શોભા આપનારાં ઘરેણાં.

रीति, चमत्कृति વગેરે :

એ જ રીતે શબ્દોની ગોઠવણી, શબ્દોને રજુ કરવાની રીત–શૈલી પણ મહત્ત્વની બને છે. સાવ સામાન્ય વાતને સર્જક પોતાની પ્રતીભા મુજબ એવી રીતે મુકી આપે છે કે વાત વાચકને ઝંકૃત કરી મુકે ! એ સીવાય પણ, “कांता संमिततयोपदेशयुजे”માં કહેવાયા મુજબ વહાલસોઈ પત્ની પતીદેવને ભાવતાં ભોજન જમાડતાં જમાડતાં પોતાના પ્રશ્નની રજુઆત એવી રીતે કરે કે ભાઈસાહેબ તરત સંમત થઈ જાય ! સર્જક પોતાની કળાકારીગરીથી સાધારણ લાગતી વાતનેય જે રીતે મુકે છે તેનું માહાત્મ્ય છે.

रस :

સર્જકની રજુઆતમાં વાચકને રસ પડવો જોઈએ એ પણ એટલું જ બલકે સૌથી વધુ જરુરી છે. પણ આ રસ એટલે સ્થુળ રસ નહીં. માનવીભાવોને જાગૃત કરીને તેનું રસમાં રુપાંતર કરવાની આ વાત છે. ભાવનું રસમાં રુપાંતર એટલે કોઈ એક વ્યક્તીને સ્પર્શતી વાત હોય તો પણ સમગ્ર માનવજાતની તે બની રહે તેને ભાવનું રસમાં રુપાંતર કહે છે. સાધારણીકરણ પણ આ જ બાબતને રજુ કરે છે. જેમ કે ‘શોક’ એ ભાવ છે. દરેક વ્યક્તીમાં શોકનો ભાવ હોય છે અને તે શોકનો અનુભવ કરવો કોઈને પણ ન ગમે છતાં ‘કરુણરસ’ની વારતા કે તેનું ચીત્રપટ આપણને વારંવાર જોવા પ્રેરે છે ! કારણ કે શોકના ભાવને જાગૃત કરીને તેનું  રસરુપે સર્વસાધારણપણું સીદ્ધ થયું હોય છે.

ध्वनि :

ધ્વનીનો સીદ્ધાંત પણ બહુ મહત્ત્વનો ગણાયો છે આપણા કાવ્યશાસ્ત્રમાં. મંદીરના ઘંટને કે ઝાલરને એક જ નાનો પ્રહાર કરવામાત્રથી ધ્વનીનું અનુરણન થાય છે, એના પડઘા દુર સુધી જાય છે; શાંત જળમાં એક કાંકરી ફેંકતાં જ એક પછી એક વલયો – કુંડાળાં પ્રગટે છે તે જ રીતે સારા ઉચ્ચ કોટીના સર્જક દ્વારા પ્રગટ થયેલા શબ્દોમાંથી અનેક અર્થો પ્રગટે છે !!

त्रण शब्दशक्ति :

શબ્દની ત્રણ શક્તીઓ પણ કહેવાઈ છે અને શબ્દશક્તીની યોગ્ય સમયે યોગ્ય રીતે યોજના કરવાથી કાવ્ય એના વાચકને પરમ આનંદનો અનુભવ  કરાવે છે.

શબ્દની ત્રણ શક્તીઓ તે અભિધા, લક્ષણા અને વ્યંજના. એટલે કે સાદીસીધી વાત આપતો અર્થ તે અભિધા. વાંકીચુકી રીતે, વ્યવહારમાં શક્ય ન હોય તે રીતે રજુ થઈને અર્થબોધ કરાવતો શબ્દ તે લક્ષણા અને દરેક વાચન વખતે વાચકને અવનવા અનેક અર્થો આપતો શબ્દ તે વ્યંજના – તેની વ્યંજનાશક્તી….

“મને ભુખ લાગી છે” તે સાદી વાત, અભિધા.

“ભૂખ તો એવી લાગી હતી કે કુણાકુણા કાંકરાય પચાવી જઈએ.” (કાકાસાહેબ) આ લક્ષણા અને

“ભૂખ તો બહુ ભૂંડી છે…..જીવતરને ભરડો લઈ ગઈ છે.” અનેક અર્થો આપતી આ શક્તી તે વ્યંજના.

 

કલ્પનાવ્યાપાર :

ઉત્તમ સર્જકનાં લખાણોમાં અવર્ણનીય કલ્પનાવ્યાપાર પણ હોય છે. કલ્પનાની પાંખ જ સર્જકની ઉડ્ડાનોનું ખરું રહસ્ય છે ! કલ્પનાની સૃષ્ટી એ ફક્ત બાળસાહીત્ય પુરતી મર્યાદીત બાબત નથી. કલ્પનાવ્યાપાર એ પણ સર્જનપ્રક્રીયાનો જ એક ભાગ છે. પરંતુ આ કલ્પનાઓ વાહીયાત કે ઉરાંગઉટાંગ નથી હોતી પણ સર્જનવસ્તુ (થીમ)ને અનુરુપ તથા વસ્તુને સાર્થક બનાવનારી હોય છે.

વધુ હવે પછી.

– જુગલકીશોર.

2 comments for “કાવ્ય–સાહીત્યના સર્જન માટે જરુરી કેટલુંક

  1. June 18, 2018 at 6:56 pm

    કાવ્ય–સાહીત્યના સર્જન માટે જરુરી કેટલુંક….
    જુ.ભાઈ,આ ખજાનો તો નસીબદાર હોય તેને જ મળે. ‘શબ્દાર્થમીમાંસા’ નો ૩ કલાકનો લખેલ નિબંધ તાજો કરાવ્યો. હું કેટલાંય વખતથી તેની શોધમાં હતી. પરમ આનંદ થયો અને એક જુદા જ ફોલ્ડરમાં સાચવવા માંડી છું.

    આ વિષયક લખાય તેટલું ચાલુ રાખશો તેવી વિનંતી.

  2. June 21, 2018 at 3:59 pm

    તમારા નિબંધને પણ રિફર કરતાં રહેજો. અલંકાર, રીતિ, રસ અને ધ્વનિ વગેરે દરેક પર લખવા જેવું તો છે જ પણ એને માટે ખાસ સમય કાઢવો રહે…..શક્ય હશે ત્યારે આમ જ લખી દઈશું ! તમે ધ્યાન દોર્યું જ છે તો છૂટકો છે ?! આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *