કલ્પનાની સુંદર ગુંથણી : આભ–તાજ–શાહ–મુમતાજ !!

ગયા લેખમાં છેલ્લે કલ્પનાની વાત થઈ હતી. સર્જક કલ્પનાની પાંખે ઉડ્ડયન કરે છે ને તેથી જ તેના સર્જનક્ષેત્રને કોઈ સીમા હોતી નથી. સુર્ય પણ ન પહોંચે ત્યાં સર્જક પહોંચી જાય છે તે કહેવતનો માયનો પણ એ જ છે.

એવું કહેવાયું છે કે ગાંધીયુગમાં વાસ્તવીક જીવનને સાહીત્યમાં વીશેષ સ્થાન મળવા લાગ્યું. જોકે તોય કલ્પનાનું મહત્ત્વ તેથી ઘટ્યું હોવાને કોઈ કારણ નથી. કારણ કે કાવ્ય–સાહીત્યના સર્જનનું, કલ્પના એક પાયાનું તત્ત્વ છે. જીવનની નક્કર વાસ્તવીકતાને પણ કલ્પનાનો ઢોળ ચડાવ્યા વીના સર્જન લગભગ શક્ય નથી. જીવનની વાસ્તવીક બાબતોમાં કલ્પનાનું મોણ ઉમેરીને જ સાહીત્યના કોઈ ને કોઈ સ્વરુપનો પીંડ બંધાતો હોય છે. બીજી રીતે કહીએ તો કલ્પનાનું મેળવણ ઉમેરીને નર્યું વાસ્તવ પણ નવો આકાર પામે છે. નર્યું વાસ્તવીક ફક્ત ગદ્ય કે પદ્યને જન્મ આપી શકે પરંતુ કલ્પનાનું મેળવણ ભળે તો વાસ્તવીક જીવન (દુધમાંથી જેમ દહીં–છાશ–ઘી અને મીઠાઈઓ બને છે તે રીતે) અનેક સ્વરુપે જીવનાનંદ આપે છે.

કલ્પનાના બહાને સર્જક જે છુટ લે છે તે ક્યારેક અતીરેક પણ લાગે પણ મહાન સર્જકને પોતાના નવસર્જન માટે જે પ્રકારની સામગ્રી જોઈએ તે મુજબની પ્રક્રીયાની છુટ તે સહજ જ ભોગવી શકે. અન્યથા ઉત્તમ સર્જક પોતાને જરુરી આકાર આપી શકે નહીં. સર્જકને આપણા કાવ્યશાસ્ત્રમાં સર્જકબ્રહ્મ કહ્યો છે કારણ કે તે બ્રહ્માની માફક જ એક નવી સૃષ્ટીનું નીર્માણ કરે છે. એ જ અર્થમાં ક્યારેક સર્જકને “નીરંકુશ” પણ કહેવાયો છે ! (निरंकुषा: कवय)

છતાં સાચો સર્જક કલ્પના અને અન્ય સુવીધાઓને ભોગવતો છતો વાસ્તવથી સાવ જુદો પડી જતો નથી.

મારી સાઈટ પરની આજકાલની પોસ્ટ સાથે ડાબે હાથે રહેલા સાઈડબારમાં એક કાવ્ય મુકાયેલું જોશો. એ કાવ્યને સાથે રાખીને કેટલીક વધુ વાર્તા કરી લઈએ.

તાજ અને વ્યોમ” નામક આ કાવ્યમાં શ્રી ઉશનસે કલ્પના ને વાસ્તવને બન્નેને સાથે રાખીને એક મજાની કૃતી પી છે. આરંભની ચાર પંક્તીઓમાં તેઓ કહે છે :

આકાશની નીલમ  નીતરી  ગળી,

એમાં જતો આરસપ્હાણ ઑગળી!

આ વ્યોમની નિર્મલ ઝાંય  ભૂરી

ભૂરો    કરે   તાજમહાલ      સ્હેજ !

સંગેમરમરી શ્વેતપુષ્પ–શુ તાજમહાલનું શીલ્પ–સ્થાપત્ય અને કુદરતે ઉપર મુકેલું નીલા રંગનું આકાશ – આ બન્નેથી અંજાઈને ઉશનસ એક મજાની કલ્પના કરે છે. રંગોની લીલા જોકે વાસ્તવીક છે છતાં એમાં કલ્પનાના રંગ ભરીને કવીએ તાજ ને આકાશને એકબીજામાં ભળી જતાં કલ્પ્યા છે. કહે છે, આકાશેથી નીલરંગી ગળી નીતરી રહી છે. (ગળી જેવી ચીજનો ઉપયોગ જુઓ !) અને તેનો એવો તો પ્રભાવ છે કે આકાશને સ્પર્શી રહેલો તાજ એ ગળીની નીલીમાથી સહેજ ભુરો થઈ ગયો છે, બલકે એ નીલરંગમાં આરસનું આરસત્વ જાણે કે ઓગળી ગયું છે !

તો તાજનું જોર પણ કાંઈ કમ નથી. જુઓ :

જો   તાજનું    શુભ્ર    પવિત્ર   તેજ

ધૉળી રહે આભની ભીંત વિસ્ફુરી !

હ્યાં તાજ પુરો, શરૂ આસમાં અહીં,

એ રૅણ સાંધો ન કળાય રે ક્યહીં !

અહીં આકાશની ભીંત કહી છે ! તહેવારોમાં થતા રંગરોગાનની જેમ જાણે કે તાજમહાલે પોતાનાં શુચીતા–પાવીત્ર્ય–શ્વેતતાથી આકાશની ભીંતને ધૉળીને સફેદ કરી મુકી છે !! સવાલ એ થાય કે, આમાં તાજની સીમા ક્યાં સુધી ગણવી ને આકાશનો છેડો ક્યાં ગોતવો ?!! (એટલે જ છેવટે કવી છુટી પડીને કહી બેસે છે : એ રૅણ સાંધો ન કળાય રે ક્યહીં !)

અહીં સુધી કલ્પનાનું સામ્રાજ્ય વ્યાપ્યું જણાય છે. પણ સર્જકનો આખો કલ્પનાવ્યાપાર તો એક નક્કર વાર્તા આસપાસ ગુંથાયો હોઈ એને જે કહેવું છે તે તરફ ભાવકને લઈ જવાનો છે…છતાં સીધો વાસ્તવને પ્રગટ કરવાને બદલે વચ્ચે હજી પણ કલ્પના અને વાસ્તવ બન્નેને મુકી આપે છે. જુઓ :

આ તાજ ના કોઈ પદાર્થ રે ઘન

કે એ  શકે    આભનું  રોકી પાત્ર,

એ શાહના  પ્રેમનું સ્વપ્ન માત્ર,

જે કૉળિયું કાળ વિષે સનાતન !

પ્રથમ બે પંક્તીમાં સાચી વાતનો સ્વીકાર કરીને ઘડીભર કલ્પનાને બાજુ પર ખસેડે છે ! પછી સહેજ કલ્પનાનો સહારો લઈને પાછું (જે કહેવા માટે આ કાવ્યનું સર્જન કર્યું છે તે અસલ વાતની પ્રસ્તાવના કરીને) પ્રેમ અને કાળની સનાતનતાને મુલવે છે. અને પછી સૉનેટ માટે જરુરી અંતીમ ચોટ આપીને પોતાની મુળ વાતને – એટલે કે વાસ્તવને (અલબત્ત, એ પણ કલ્પનાના જ સહારે) શાહ–મુમતાજના સ્નેહને – પ્રગટ કરે છે :

શો  તાજ કેરો     લય  આસમાને

મુમ્ તાજમાં ભળી જતો લહું શ્હાજહાંને !

શાહની કબરને પણ ત્યાં જ રાખીને બન્નેને કેવાં ભેળવી દીધાં છે ! આકાશ–તાજ–શાહ–મુમતાજ કેવો મજાનો ચતષ્કોણ ગોઠવાયો છે !!

–––––––––––––––––––––––––––––––––––––––––––

સૌજન્ય : ઉશનસ્ (‘તૃણનો ગ્રહ’માંથી સાભાર)

સૌજન્ય : બાજુના બધા જ ફોટા – નાનાલાલ; કવિ કાન્ત; ઉ.જો; સ્નેહરશ્મિ; સુંદરમ્; ઉશનસ્ – માટે સુજો (સુરેશ જાની)નો આભાર.

 

 

 

 

1 comment for “કલ્પનાની સુંદર ગુંથણી : આભ–તાજ–શાહ–મુમતાજ !!

  1. June 20, 2018 at 2:29 am

    ્સરસ કલ્પનાનાં રંગ.
    સરયૂ પરીખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *