નવા સર્જકના મનની વાત !

સર્જક :      ભાઈ વીવેચક ! તમે અમને નવા લેખકોને કઈ દૃષ્ટીથી જોશો ? અમે જાણીતા સાહીત્યકારો તો નથી. વળી, સાંભળ્યું છે કે, સામયીકોમાં તો જાણીતા (કે પછી માનીતા) લેખકોની કૃતીઓ જ સ્વીકારવાનો ચાલ છે…

વીવેચક :    ભાઈ સર્જક ! તમારો સવાલ એકથી વધુ સવાલો રાખીને આવ્યો છે !

૧) પહેલી વાત તો એ કે ખરો વીવેચક સર્જક કરતાં એમની રચનાને જુએ છે તેથી–

૨) નવા લેખકોને જોવા–ન જોવાની વાત રહેતી નથી !

૩) જુના લેખકો પણ જાણીતા હોય જ એવુંય હોતું નથી ! એટલે જાણીતા–અજાણ્યાવાળી વાત પણ કામની નથી.

૪) વીવેચકને પોતાનું સામયીક હોતું નથી તેથી રચના ન સ્વીકારવા બાબતે કશું કહી શકે નહીં…

સર્જક :      તો ઠીક !

પણ, હવે સીધી જ વાત કરું તો, એવું કેમ હોય છે કે પ્રીન્ટ મીડીયાની જેમ નેટસામયીકોમાં પણ “જાણીતા”, “લોકપ્રીય” વગેરે જેવાં વીશેષણો ધરાવનારા સર્જકોની રચનાઓને જ સ્થાન મળતું હોય છે. તો પછી અમને પ્રકાશવાની તક ક્યારે ?

વીવેચક :    આ સવાલ જરા ચીંતા કરાવનારો હોઈ શકે છે ! શું પ્રીન્ટમીડીયા કે શું નેટજગત, પણ બધે જ નવા લેખકોની અને થોડીઘણી નબળી કહેવાય તેવી રચનાઓને પ્રકાશવા માટે તકો ઓછી હોય છે જ. અને એટલે જ નેટજગતમાં તો બધા લેખકો પોતાનો બ્લૉગ ચાલુ કરીને પોતાની રચનાઓને પ્રગટ કરી દેતા હોય છે.

સર્જક :             પણ આ બ્લૉગનું વાચન પણ બહુ ઓછું થાય છે પરીણામે નવા લેખકો પોતાના વર્તુળોમાં વાચકો ઉભા કરીને એમના અભીપ્રાયોથી સંતોષ માની લે છે.

વીવેચક :    એવો પણ એક રસ્તો હોય છે ખરો પરંતુ ત્યાં એક ભયસ્થાન હોય છે. સર્જકની સારી કે નબળી રચના મીત્રભાવે વખાણાઈ જતી હોવાથી નવા લેખકને સાચું માર્ગદર્શન મળતું નથી. ક્યારેક તો વધુપડતાં વખાણ સર્જક–બ્લૉગરને નુકસાન પણ કરી બેસે છે.

સર્જક :      સાચી વાત કહી. પણ, તો પછી આનું કરવું શું ? ક્યારેક તો કેટલાક વીવેચકો (?!) ન ગમે તેવા શબ્દોમાં નવા લેખકોને ઉતારી પાડતા હોય છે.

વીવેચક :    આવા શબ્દોચ્ચાર કરનારને વિવેચક ન કહેવાય ! વીવેચકને પણ સર્જકની જેમ જ પોતાના કાર્યક્ષેત્રની લાઇનદોરી (મર્યાદા) હોય છે ! ન ગમે તેવા,  હલકા અને અહંકારભર્યા શબ્દો વાપરનારાને તો સાંભળવાના (વાંચવાના) જ ન  હોય !! પુજાલાલે કહ્યું જ હતું ને કે “રે કાક ! જા ઉકરડે મળ ચુંથવાને !!” એમને એમનો ઉકરડો ભલો ને આપણે આપણું કાલુંઘેલું લેખન ભલું.

સર્જક :             તમે બહુ સારી વાત કહી. મને ઘણી શાતા થઈ ! પણ તો પછી તમે શરુમાં કહ્યું તેમ સર્જક અને સર્જનમાંથી સર્જકને બાદ કરી નાખવાનો ?! વીવેચનક્ષેત્રે સર્જકનું કશું મુલ્ય જ નહીં ?

વીવેચક :    કોણે કહ્યું ? પરંતુ અત્યારે હવે એ સવાલને બાજુ પર રાખીને ફરી મળીએ ત્યારે હાથ પર લઈશું.

 

– જુ.

 

1 comment for “નવા સર્જકના મનની વાત !

  1. Neetin D Vyas
    May 26, 2018 at 4:50 am

    સર્જક અને વિવેચક ની વાત વાંચવાની મજા આવી. બ્લોગ દ્વારા પીરસાતું અને એજ વાચક વર્તુળ માંથી મળતી વાહ વાહ સાથે લેખકને થતો આત્મસંતોષ એ પડતરની નિશાની લાગેછે। પણ ગઈ પેઢી નાં એટલેકે જયારે કોઈ લેખક ના નવાં પુસ્તકો ની રાહ જોવાતી હતી, પુસ્તકાલયો વાચકો થી ખચોખચ ભરેલા રહેતા તે સમયે વિવેચક અને સાહિત્યકારો એટલેકે લેખકો વચ્ચે થતા સંવાદ, કહોને કે ગજગ્રાહ જેવું નાટક ભાવનગર માં જોયેલું। 1948 માં ભજવાયું આ નાટકનાં પાત્રો માં મુનશી, ધૂમકેતુ, રાયચુરા, શરદબાબુ વગેરે હતા અને તેમની સામે મુનળ, કાક, દેવદાસ ઇત્યાદિ તેમને સર્જેલાં પાત્રો ની ફરિયાદ અને આની વચ્ચે વિવેચક !!! સાહિત્ય રસિકો વાંચવાની ને મજા પડે તેવું નાથક “અક્ષરનાદ” પર વાંચવા મળશે।
    Click on: http://www.aksharnaad.com/2016/09/12/gujarati-vivechak-play/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *