છંદોમાં લય, લઘુ, ગુરુ અને કેટલીક છુટછાટ

– જુગલકિશોર

પ્રાસ્તાવિક : ૨

કવિતામાં લયનું બહુ મહત્ત્વ છે. લય એ પદ્યનું અનિવાર્ય અંગ છે. એટલું જ નહીં લય તો ગદ્યની પણ શોભા છે ! લય વાણી સાથે અવિનાભાવી સંબંધે જોડાયેલો છે.

છંદશાસ્ત્ર આ લયના  નિયતરૂપ દ્વારા એક વ્યવસ્થા ઊભી થતી હોવાનું કહે છે. આપણા છંદશાસ્ત્રને પિંગળશાસ્ત્ર કહ્યું છે, કારણ કે તેનો આરંભ પિંગળમુની દ્વારા થયો હતો.  એમણે જ સૌથી પહેલાં છંદોની શાસ્ત્રીય છણાવટ કરી હતી. ‘પિંગળ’ શબ્દને આ રીતે પણ ઓળખવામાં આવે છે: પિં=પિંડ; ગ=ગુરુ અને લ=લઘુ.

ઉમાશંકર જોશીએ કહ્યું છે તેમ કાવ્ય એ કાનની કળા છે. એ ફક્ત વાંચવાનો વિષય નથી. ’ધ્વનિ’ એ કાવ્યની અંદર રહેલા સૂક્ષ્મ અર્થને સમજાવવા માટે પ્રયોજાતો શબ્દ છે. કાવ્યની અંદર રહેલો છૂપો અર્થ પ્રગટે એને પણ અર્થ ધ્વનિત થયો ગણાય છે. આ ધ્વનિત થતો અર્થ જ રસમાં રૂપાંતરિત થઈને “બ્રહ્મસ્વાદસહોદર” કે “વિગલિતવેદ્યાંતર” આનંદ આપી જાય છે.

પરંતુ કાવ્યના પઠન દ્વારા કાનને જે મધુર અનુભવ થાય છે તે કાવ્યના શબ્દોની પસંદગી, એનો લય વગેરે દ્વારા થતા બાહ્ય ધ્વનિને કારણે હોઈ પઠન કાવ્યની મધુરતા વધારનારું બની રહે છે. એક જ કવિતાની પંક્તિ-પંક્તિએ અલગ અલગ લયનો અનુભવ પણ થતો હોય છે ! એને પામી કે ઓળખી શકાય તો કવિતાને આપણે સાચા અર્થમાં ઓળખવાનો આરંભ કર્યો ગણાય !

કવિના મનમાં ઊભરતો ભાવ જ્યારે અવતરવા મથે છે ત્યારે જ એ કોઈ લયને પસંદ કરી લે છે. કવિની અનુભૂતિ અભિવ્યક્ત થવા પ્રવૃત્ત હોય છે ત્યારે જ એ ભાવને અનુરૂપ છંદની શોધ અને પસંદગી કરી લે છે ! (છંદમાં ન હોય તેવા કાવ્યમાં પણ લય તો હોય જ છે, જે કાવ્યના સર્જનની સાથે પ્રગટતી ઘટના છે) એટલે સિદ્ધ કવિને છંદ કદી બંધનરૂપ લાગતો નથી. (જોકે કાવ્યના સર્જનમાં પિંગળના છંદો અનિવાર્ય ગણાતા નથી. કાવ્યનો પોતાનો લય એ જ એનો છંદ.) આપણે 200 ફૂટના રસ્તા ઉપર પણ વ્યવસ્થિત ચાલી શકતા નથી જ્યારે બજાણિયો તો દોઢ ઈંચના દોરડા ઉપર કેટકેટલી લીલાઓ કરેછે !

કવિને પણ એ જ રીતે છંદનાં બંધનો શબ્દલીલા કરવા માટે નડતર બનતાં નથી. છંદની નિયત થયેલી વ્યવસ્થામાં પણ તે ભાવ અને અર્થની લીલાઓ જગાવી જાણે છે, બલ્કે વધુ નિખરી ઊઠે છે.

છંદ :

કાવ્યની પંક્તિમાં શબ્દોની પસંદગી જેમ એક વિશિષ્ટ લય આપે છે તેમ નિયત થયેલા છંદોની વ્યવસ્થા પણ આપોઆપ વિશેષ લયને જન્માવે છે.(એ શબ્દોની ગુંથણીમાંથી કવિતાનો વિશેષ ભાવ – કે વિચાર પણ –પ્રગટાવવો એ કવિતાનું મહત્ત્વનું પાસું છે પણ એનો વિચાર અહીં અપ્રસ્તુત છે.)

 

શબ્દ : વાક્ય શબ્દોથી બને છે તેથી કહીએ કે શબ્દ (પદ) એ વાક્યનો એકમ (નાનામાં નાનું યુનિટ ) છે.

અક્ષર : એ જ રીતે શબ્દ અક્ષરોથી બને છે તેથી અક્ષર એ શબ્દનો એકમ (નાનામાં નાનો ભાગ) છે.

શબ્દનો એકમ (આમ તો સાક્ષાત્ વાણીનો પણ !) અક્ષર ગણી શકાય.

વ્યંજનો (કક્કો)નો ઉચ્ચાર એકલો થઈ શકતો નથી. વ્યંજનની તરત પાછળ સ્વર જોડાય પછી જ વ્યંજનનો ઉચ્ચાર થઈ શકે છે. કેમ કે ક્ સાથે અ જોડાય તો જ ‘ક’ ઉચ્ચારી શકાય છે તે જ રીતે ક્+ઓ કરવાથી જ ‘કો’ બોલી શકાય છે.

આવા સ્વરયુક્ત વ્યંજનનો એક એકમ તે અક્ષર કે શ્રૃતિ…

શ્રુતિ/અક્ષરના ઉચ્ચાર મુજબ એની લંબાઈનું માપ છંદોમાં મહત્ત્વ બહુ હોય છે. અક્ષરના ઉચ્ચારની લંબાઈ બે રીતે માપવામાં આવે છે :

લઘુ અને ગુરુ :

છંદોમાં આ શ્રૃતિનું માપ કે એની લંબાઈને ખાસ ગણતરીમાં લેવામાં આવે છે. જલદી ઉચ્ચારાતા અક્ષરોને ‘લઘુ’ (લ) અને લાંબો ઉચ્ચાર માગતા અક્ષરોને ગુરુ (ગા) કહેવાય છે.

લઘુની લંબાઈનું માપ એક માત્રાનું ગણાય છે જ્યારે ગુરુની લંબાઈનું માપ બે માત્રાનું ગણાય છે.

 • બારાક્ષરી (બારાખડી)માંના અ, હ્રસ્વ ઇ, હ્રસ્વ ઉ, કોમળ અનુસ્વાર અને ઋ (જે હવે ઉપયોગમાં લગભગ નથી) એટલા અક્ષરો લઘુ છે. તેની માત્રા એક ગણાય છે.
 • બાકીના આ, દીર્ઘ ઈ, દીર્ઘ ઊ, એ, ઐ, ઓ, ઔ, અં અને અ: આ બધા અક્ષ્રરો ગુરુ ગણાય છે. અને તેની માત્રા બે ગણાય છે.

કાવ્યના પઠનમાં લઘુ અક્ષરને જો લંબાવીને ઉચ્ચારવો પડે કે એને ગુરુ અક્ષરની જગ્યા પર યોજવામાં આવે અથવા ગુરુ અક્ષરને ટૂંકાવીને લઘુ તરીકે યોજવામાં આવે ત્યારે એને છંદનો ભંગ થયો કહેવાય છે.

આપણે જાણીએ છીએ કે મુશાયરાઓમાં કવિઓ એક માત્રાની લઘુ શ્રૃતિઓને કારણ વગર લંબાવી લંબાવીને રજૂ કરે છે ત્યારે કાનને તે ગમતું જ નથી. આવા છંદભંગો કાવ્યના સૌંદર્યને પારાવાર નુકસાન પહોંચાડે છે.

કેટલીક છૂટછાટો :

 • જોકે હ્રસ્વ ઇ અને હ્રસ્વ ઉને કવિઓ ઘણી વાર ગુરુ તરીકે પ્રયોજીને છંદને સાચવવા કરે છે;
 • અથવા દીર્ઘ ઈ તથા દીર્ઘ ઊને લઘુ તરીકે પ્રયોજતા જોવા મળે છે.

પરંતુ એકંદરે આ છૂટછાટ ચલાવી લેવામાં આવે તેવી હોય છે અને કવિને તે છૂટ મળતી રહી છે.

લઘુ અક્ષર આપોઆપ ક્યારે ગુરુ બની જાય છે ?

એવાં ત્રણ સ્થાનો છે કે જ્યાં લઘુ અક્ષર આપોઆપ ગુરુ બની જતો હોય !

૧) ખાસ કરીને જોડાક્ષરની આગળનો અક્ષર લઘુ હોય તો પણ ગુરુ  જ ગણાય છે. જેમ કે ‘પર્ણ’ માં પ લઘુ હોવા છતાં પછીના જોડાક્ષરના થડકારાને લીધે તે પ દીર્ઘ બની જાય છે. શક્તિનો શ; ભસ્મનો ભ; રક્ષાનો ર વગેરે લઘુ હોવા છતાં જોડાક્ષરના થડકારાને લીધે ગુરુ ઉચ્ચાર માગી લે છે.

૨) બીજો પણ એક નિયમ એ છે કે પંક્તિ કે ચરણ પૂરું થાય ત્યારે છેલ્લો અક્ષર પણ લઘુ હોય તોય ગુરુ જ ગણાય છે ! (કાવ્યના પઠન વખતે પાઠકને એક પંક્તિ પૂરી કરીને બીજી પંક્તિ પર જતાં જે સમય લાગે છે તેને લીધે છેલ્લો અક્ષર આપોઆપ લંબાઈ જઈને ગુરુતા ધારણ કરી લે છે.)

૩) તીવ્ર અનુસ્વારવાળો અક્ષર લઘુ હોય તો પણ ગુર બને છે જેમ કે, સંધ્યા, મંદ, રંધો વગેરે.

યાદ રાખો કે પિંગળમાં ગુરુ અક્ષરને લઘુ કરીને એક માત્રાનો કરી દેવાની છૂટ નથી !

છંદોમાં અક્ષરોનું સ્થાન નક્કી જ હોય છે.

છંદમાં દરેક અક્ષરનું નિશ્ચિત સ્થાન હોય છે. જ્યાં લઘુનું સ્થાન હોય ત્યાં જ તે આવી શકે; બીજી રીતે કહીએ તો ત્યાં તે જ ચાલી શકે, ગુરુ નહીં. એવી જ રીતે ગુરુ અક્ષરની જગ્યાએ લઘુને પ્રયોજી શકાતો નથી.

છંદોમાં અક્ષરોના નિશ્ચિત સ્થાનને સમજવા માટે ‘છંદોનું બંધારણ’ સમજવું જરૂરી છે અને એ માટે ગણોની ઓળખ” મેળવી લેવી જરૂરી છે. એ બહુ જ સહેલું અને રસ પડે એવું, મઝાનું છે. પણ તે હવે પછીના હપ્તે !

1 comment for “છંદોમાં લય, લઘુ, ગુરુ અને કેટલીક છુટછાટ

 1. September 27, 2018 at 1:50 am

  આ પહેલાના લેખમાં સ્વર–વ્યંજન બાબત ટુંકાણથી લખ્યું હતું તેમાં થોડો ઉમેરો કરવાનો છે તે નોંધી લેશો.

  સ્વર અને વ્યંજન

  વાક્યનું એકમ જેમ શબ્દ છે તેમ શબ્દનું એકમ અક્ષર છે. ગળામાંથી ઉચ્છ્વાસ દરમિયાન સ્વરતંત્રીને કંપાવીને નીકળતા ઉચ્ચારોનું સૌથી નાનું યુનિટ (એકમ) અક્ષર બે પ્રકારે હોય છે –
  ૧) ગળામાંથી નીકળતી હવા ક્યાંય પણ અટક્યા કે ઘસાયા વિના ઉચ્ચાર કરે તે સ્વરો કહેવાય છે જ્યારે –
  ૨) જીભ, હોઠ, તાળવું વગેરે જગ્યાએ અટકીને કે ઘસાઈને પસાર થઈને ઉચ્ચારાતા ધ્વનિને વ્યંજનો કહે છે. વ્યંજનો ક્યારેય સ્વર વિના ઉચ્ચારી શકાતા નથી. બ બોલવા માટે બ્+અ મળીને જ બ ઉચ્ચારી શકાય છે. આ બન્ને મળીને શ્રુતિ થાય છે. એને અક્ષર પણ કહીએ છીએ.

  ખાસ નોંધ : જેમને આ લખાણો અને તેમાંની ચર્ચામાંથી ઉમેરાતા સુધારાવધારા મેળવી લેવાના હોય તેમને સાઈટ સબ્સ્ક્રાઈબ કરવા ભલામણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *