અક્ષરમેળ છંદોનો પાયો : ‘ગણ’

રૂપમેળ (અક્ષરમેળ) છંદોમાં ગણગણવાના છે ‘ગણો’ !

છંન્દોનું બંધારણ સમજવા માટે ગણોને જાણવા જરૂરી છેએમ કહ્યું તો ખરું પણ આ ગણ ખરેખર શું છે ?

ભગવાન શંકરને ગણો હતા ! ભારતની એક વખતની રાજ્ય વ્યવસ્થામાં ગણરાજ્યો વિષે સાંભળ્યું છે પણ કવિતામાંય ગણોને ગણવાના ?! ગણોની ગણના કવિતા જેવી નાજુક બાબતમાં કરીને એની પાછી સંખ્યાનીય ગણના (ગણતરી) કરવાની ?! કવિતા જેવા મઝાના વિષયમાં આવું  ગણ ગણ કરતા રહેવું એ નકામો ગણગણાટ કરવા જેવી બાબત નથી શું ?

આજના સ્વચ્છંદતાની ઉપાસનાના સમયમાં, સ્વતંત્રતાને નામે ઘણી છૂટછાટો લેવાની પરંપરા પેસી ગઈ છે અને સૌ શોર્ટકટ શોધતાં ફરે છે ત્યારે છંદની માથાકૂટમાં પડવાનું  અવ્યવહારુ ન ગણાય ?

ના, જરાય નહીં ! ગણોની વ્યવસ્થા એક વાર સમજાઈ જાય અને એ વ્યવસ્થા મનમાં બંધબેસતી થઈ જાય પછી આપણી સર્જનપ્રક્રિયામાં એકાકાર થઈ જાય છે અને એનો કોઈ જ જાતનો ભાર રહેતો નથી ! પછી તો કવિતાનું સર્જન થવાના ભાગરૂપે જ છંદો ગોઠવાતા જાય છે ! અહીં હું ફરી વાર ગણ શબ્દનો શ્લેષ કરીને કહીશ કે એક વાર છંદોનું બંધારણ મનમાં ગણગણતું થઈ જાય, રમતું થઈ જાય પછી એનો બોજ મન ઉપર કે સર્જનપ્રક્રિયા ઉપર થતો નથી, ને કવિતાના શબ્દો છંદના વહેણમાં જ વહેતા થઈ જાય છે. (છંદોની વાતમાં અક્ષરો અને માત્રાઓની વાત પણ ખૂબ મહત્ત્વની છે અને એને પણ સમજી લેવી જોઈએ પરંતુ એ વાત આપણે આગળ ઉપર જોઈશું.)

તો હવે જોઈએ આ ‘ગણ’ :

આપણે જોઈ ગયા કે છંદોમાં અક્ષરો અને માત્રાઓનું સ્થાન પણ મહત્ત્વનું હોય એટલું જ નહીં પણ ક્યા સ્થાન પર લઘુ અને ક્યા સ્થાન પર ગુરુ અક્ષર આવશે એ પણ ધ્યાનમાં લેવાનું હોય છે. ગણોને સમજવામાં પણ આ લઘુ-ગુરુનું સ્થાન મહત્ત્વ ધરાવે છે.

કાવ્યની પંક્તિમાં ત્રણ ત્રણ અક્ષરોના ગ્રુપ બનાવી દેવાથી આ વાત સરળતાથી સમજાશે. દા.ત. રે ‘પંખીડાં સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો’

ઉપરની આ પંક્તિને ત્રણ ત્રણ અક્ષરોના જૂથમાં વહેંચી દેશો તો શું થશે ? જુઓ –

રેપંખી / ડાંસુખ / થીચણ / જોગીત / વાકાંઈ / ગાજો

ઉપરનાં પહેલાં પાંચેય જૂથોના અક્ષરોનો લઘુગુરુની રીતે અભ્યાસ કરી જોશુ તો જણાશે કે –

પહેલા જૂથ (ગ્રુપ–યુનિટ)માં ગાગાગા,

બીજા જૂથમાં ગાલલ,

ત્રીજા જૂથમાં લલલ,

ચોથામાં જૂથમાં ગાગાલ,

પાંચમા જુથમાં ગાગાલ

એ મુજબ અક્ષરો ગોઠવાયા છે.

છઠ્ઠા જૂથમાં ત્રણ અક્ષરો થતા નથી ! તેથી એને ગણ કહેવાશે નહીં એટલે એ જૂથના બન્ને અક્ષરોને ગાગા કહી દેવા પડશે.

આ પંક્તિ મંદાક્રાંતા છંદની છે. હવે, મંદાક્રાંતા છંદની દરેક પંક્તિમાં આ દરેક જૂથ મુજબ જ ગોઠવણ કરવાની હોવાથી આ દરેક જૂથનું નામ તો પાડવું જ પડે !! આ કારણે હવે આપણે આ ગણોનાં નામકરણ તરફ આગળ વધીશું. (ઓળીજોળી, પીપળ પાન, પંડિતે પાડ્યાં ગણોનાં નામ !)

ગણોની ઓળખ માટે દરેક ગણના નામની વિગત :

દરેક ગણ ત્રણ અક્ષરોનો બનેલો હોય છે. અને દરેક ગણમાં લઘુ અને ગુરુ અક્ષરો નિશ્ચિત સ્થાન પર હોય છે, બલ્કે એમ કહેવું જોઈએ કે એ નક્કી થયેલાં સ્થાનોને આધારે જ એ ‘ગણ’ ઓળખાય છે. આપણા ભાષાશાસ્ત્રીઓ પણ બહુ જબરા માણસો હતા ! તે લોકો જાણતા હતા કે ભવિષ્યમાં બધાને સમજાવવા માટે કંઈક ને કંઈક સહેલો રસ્તો બનાવવો જ પડશે. એટલે તેમણે આપણા માટે આ ગણોને સમજાવવા માટે એકદમ સહેલાં સૂત્રો બનાવી રાખ્યાં છે !

જુઓ આ સૌથી પહેલું જ સૂત્ર : આ સૂત્રની રચના ગજબની છે. તે ગણોને યાદ રાખવાની સાવ સહેલી ચાવી પણ છે ! જુઓ –

ય મા તા રા જ ભા ન સ લ ગાઆ સૂત્ર બધાંએ કંઠસ્થ કરી જ લેવાનું છે. આ સૂત્રની રચના જ્યારે સમજાય છે ત્યારે આપણા આ વિદ્વાનો વિષે બહુ જ માન ઉપજે છે ! કેવી અદ્ભુત રીતે એમણે આ સૂત્ર દ્વારા બધ્ધું જ ગોઠવી આપ્યું છે !!

ઉપરના સૂત્રને સમજતાં પહેલાં આપણે દરેક ગણમાંના અક્ષરોની ગોઠવણી સમજી લઈએ. કોઈ પણ ત્રણ અક્ષરોનો શબ્દ લો. જેમકે મગન/ રખોડી/ સૂરત/ ખુરશી વગેરેતમે જોશો કે ત્રણેય અક્ષરો વારાફરતી લઘુ-ગુરુ ગમે ત્યાં આવી શકે છે.

 

આ ગોઠવણ કુલ આઠ રીતે થઈ શકે, એનાથી વધુ એક પણ ગોઠવણ ન થાય ! 

ત્રણ અક્ષરોવાળો કોઈ શબ્દ આ સિવાયની બીજી રચનામાં ગોઠવાઈ શકે જ નહીં ! આ ગોઠવણી આઠ રીતે થાય : (ગા=ગુરુ અને લ=લઘુ)


1]
લ ગા ગા – (યશોદા – યગણ)

2] ગા ગા ગા – (માતાજી – મગણ)

3] ગા ગા લ – (તારાજ – તગણ)

4] ગા લ ગા – (રાજભા – રગણ

5] લ ગા લ – (જ કા ત – જગણ)

6] ગા લ લ – (ભારત – ભગણ)

7] લ લ લ – (ન ય ન – નગણ)

8] લ લ ગા – (સ વિ તા – સગણ)

 

હવે આ આઠેય ગણોના અક્ષરોને જે નામ કૌંસમાં આપ્યાં છે તે દરેક નામનો પ્રથમ અક્ષર લઈને લાઈન બનાવીશું તો શું લખાશે ? જુઓ : 

ય મા તા રા જ ભા ન સ !!

એક લઘુનો  લ અને  ગુરુનો ગા  એમાં ઉમેરી દ્યો એટલે થઈ ગયું :


ય મા તા રા જ ભા ન સ લ ગા  

વાત આટલેથી પૂરી થાય તો તો આપણા વિદ્વાનોને પોસાય નહીં ! આ વાક્યની સૌથી મોટી ખૂબી તો એ છે કે એની અંદર જ આખી રચના પણ આપોઆપ ગોઠવી દીધી છે !! કઈ રીતે ? જુઓ :

એ વાક્યના પ્રથમ ત્રણ અક્ષરો લો. તો થઈ જાશે, યમાતા. એટલે કે પહેલો ગણ

(યશોદા/ લગાગા)!

 

હવે પહેલો અક્ષ્રર છોડીને તરતના ત્રણ અક્ષ્રરો વાંચો : તો થશે માતારા. એટલે કે બીજો ગણ (માતાજી/ ગાગાગા)!

 

હવે પહેલા બંને અક્ષરો છોડીને પછીના ત્રણ અક્ષરો વાંચો : તો વંચાશે : તારાજ.

એટલે કે ત્રીજો ગણ (તારાજ/ ગાગાલ)!

 

આ રીતે એક એક અક્ષર છોડતા જઈશું તો બધા જ ગણોની ગોઠવણી આપોઆપ થઈ જશે.

 

હવે આપણે મંદાક્રાંતા છંદની એક પંક્તિ લઈએ.

એ પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો

 

હવે દરેક ત્રણ ત્રણ અક્ષરોનાં જોડકાં બનાવીએ. જુઓ : 

 

એપંખી / નીઉપ / રપથ / રોફેંક /તાફેંકી /દીધો (છેલ્લે વધે તે બંને અક્ષ્રરો ગણમાં આવે નહીં એટલે એ બંને ગુરુ હોઈ, ગા ગા કહેવાના)

 

 હવે યાદ કરો, પ્રથમ જોડકા એપંખીનું ગણનામ શું હતું ? ગાગાગા= ગણ/ માતાજી.

બીજા જોડકા નીઉપનું ગણનામ ? ગાલલ=ગણ/ ભારત !

ત્રીજા રપથ નું ? લલલ= ગણ/ નયન.

રોફેંક જોડકાનું ગણનામ ? ગાગાલ=ગણ/ તાતાર

તાફેંકી જોડકાનું ગણનામ ?(એનું પણ એ જ નામ) ગાગાલ=ગણ/ તાતાર !

અને છેલ્લા બંને અક્ષરો દીધોગુરુ છે = ગા ગા. 

 

હવે બધા જ ગણોના અક્ષરોને લાઈનમાં ગોઠવી દો :

મ-ભ-ન-ત-ત-ગાગા.

આ થઈ ગયું મંદાક્રાંતાનું બંધારણ !! પરંતુ આપણા વિદ્વાનો દયાળુ પણ કેટલા હતા ? એમણે આપણને યાદ રાખવા માટે લીટી પણ તૈયાર કરી આપી : 

મંદાક્રાંતા, મભનતતગા, ગાગણોથી રચાયે. (વચ્ચે ચોથા-દસમા અક્ષર પછી અલ્પવિરામ મૂક્યું છે તેની ચર્ચા એના સમયે કરીશું.)


આપણે એ પણ સાબિત કરવું છે કે આ બધી માથાકૂટ લાગે છે એવી અઘરી તો નથી જ નથી. મારા પર વિશ્વાસ રાખજો, એને આપણે સહેલું બનાવીને જ ઝંપીશું. પણ એ માટેની પ્રથમ શરત એ છે કે તમે સૌ અભિપ્રાય અને ચર્ચા દ્વારા ધ્યાન દોરતાં રહો !

 

જુગલકિશોર.

 

 

2 comments for “અક્ષરમેળ છંદોનો પાયો : ‘ગણ’

 1. October 7, 2018 at 4:00 pm

  બે ચાર વખત વાંચ્યા પછી કંઈક હમજ પડી.
  સરયૂ

  • admin
   October 8, 2018 at 2:00 am

   આરંભે એવું થશે પણ પછી છંદનાં બંધારણ મનમાં રમતાં થઈ જશે કે તરત જ કાવ્યપંક્તિઓ છંદમાં અવતરતી થઈ જશે, મારું વચન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *