‘ગીત’ અંગે કેટલીક વાતો

“ગીત કાંઈ અમથું અમથું ના ગવાય !”

“ગીત મેં તો ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું…..”

‘ગીત’ શબ્દ પર પણ કેટકેટલાં ગીતો રચાયાં હશે ! એવું આ ગીત ગુજરાતીમાં બહુ જાણીતું ઉર્મીકાવ્યનું સ્વરુપ છે.

મધ્યકાળમાં ભજન, ગરબી, પદ, વગેરે નામે પ્રગટતાં રહેતા ગેય રચનાઓના આ સ્વરુપમાં ભક્તી, જ્ઞાન અને અધ્યાત્મ જેવા વીષયોને વણી લેવામાં આવતા હતા. છેલ્લે અર્વાચીન સમય આવતાં પહેલાં દયારામની ગરબીએ આપણને ઘેલું લગાડ્યું હતું….“શ્યામરંગ સમીપે ન જાવું મારે આજ થકી…..”

અર્વાચીન સમયમાં ગીતરુપે ઓળખાયેલા આ સ્વરુપમાં માત્રામેળ છંદોનું વીશેષ પ્રાકટ્ય છે. છંદોના મુખ્ય બે પ્રકારો – અક્ષરમેળ તથા માત્રામેળ –માંના માત્રામેળના ત્રણ પ્રકારોમાંનો ગીત પણ એક પ્રકાર છે.

જરા વીગતે વાત કરીએ.

છંદોના બે મુખ્ય પ્રકારોનાં નામ છે :

૧) અક્ષરમેળ છંદો (જેને રુપમેળ તથા વૃત્ત નામે પણ ઓળખાવાય છે) જેમાં દરેક પંક્તીમાં નીશ્ચીત સંખ્યામાં અક્ષરો હોય છે જે ત્રણ ત્રણ અક્ષરોના ગણોની ગોઠવણીથી બને છે. અને,

૨) માત્રામેળ છંદો  જેના ત્રણ પેટાપ્રકારો છે : ક) માત્રામેળ; ખ) સંખ્યામેળ; ગ) લયમેળ.

ક) માત્રામેળ છંદોમાં અક્ષરોની સંખ્યા નહીં પણ માત્રાની સંખ્યા નક્કી હોય છે;

ખ) સંખ્યામેળ છંદો કે જે હીન્દીમાંથી ગુજરાતીમાં આવ્યા હોવાનું જાણ્યું છે તેમાં અક્ષરો નક્કી સંખ્યામાં હોય છે પણ તેમાં અક્ષ્રમેળ છંદોની જેમ ગણો હોતા નથી, જ્યારે અક્ષરમેળની માફક યતી હોય છે !

ગ) લયમેળ છંદો જેમાં માત્રાની જ મહત્તા હોવા છતાં માત્રાની સંખ્યા નીશ્ચીત હોતી નથી ! પરંતુ આ છંદોમાં લય અને ખાસ તો તાલ જરુરી હોય છે. આ પ્રકારમાં આવતી રચનાઓ ગીત વગેરે સંગીતપ્રધાન રચનાઓ હોય છે તેથી ઘણી વાર તેમાં કેટલાક સ્વરોના પ્લુતીથી ઉચ્ચારણોને લંબાવવામાં આવે છે. એટલું જ નહીં પણ રે, હાં રે, જી રે, ઓ….રે, લોલ વગેરે જેવાં લટકણિયાંથી માત્રાઓનો મેળ બેસાડવામાં આવે છે ! દા.ત.

“વૈષ્ણવજન તોઓઓઓ તેએ..ને કહીએ જેએએએ પીડ પરાઈઈઈ જાણે રેએએએ !”

“‘એ જી’ તારાં આંગણીયાં પૂછીને જો કોઈ આવે ‘રે’ આવકારો મીઠો આપજે ‘હો..જી’ !”

––––––––––––––––––––––––––

ગ.૧ ગીત : લયમેળ છંદોનું સંગીતમય, લય–તાલ સાથેનું એક અપ્રતીમ ઉર્મીકાવ્ય છે !

ગ.૨ ‘ગીત’માં ખાસ ખાસ શું હોય છે ? એની ઓળખ શી રીતે કરી શકાય ? આ બધી બાબતો સાવ ટુંકમાં જોઈએ.

ગ.૨.૧ ધ્રુવપંક્તી–મુખડું/મુખડો : દરેક ગીતની પહેલી પંક્તીને મુખડું કહેવામાં આવે છે. સમગ્ર કાવ્ય આ ધ્રુવપંક્તીને વફાદાર રહીને, એટલે કે એ પંક્તીના ભાવ કે વીચારને જ વહેતું રહે છે. એટલું જ નહીં પણ આ મુખડાના ભાવ કે વીચારનું દૃઢીકરણ કરવા માટે બીજી જ પંક્તી રચાતી હોય છે જે મુખડાના ભાવ–વીચારને મદદરુપ બને છે ! દા.ત.

“અમને રાખ સદા તવ શરણે.

મધુમય કમલ સમા તવ ચરણે…….અમને રાખ.”

ગ.૨.૨ આ બે પંક્તીઓ પછી એક પછી એક કડીઓ ઉમેરાતી જાય છે જેને અંતરા કહેવાય છે. સાદી ભાષામાં આપણે એને કડી કહીએ છીએ. (ગીત એક પ્રકારે ઉર્મીકાવ્ય હોઈ એક રચનામાં બહુ વધારે કડીઓ હોતી નથી કારણ કે લાંબાં કાવ્યોમાં ઉર્મી જેવી નાજુક અભીવ્યક્તી સળંગ રહી ન શકે.)

ધ્રુવપંક્તી/મુખડું :

“લોચનિયાં ઢાળી દિયો હળવે, માધવ, થોડું રુદિયાની આંખડીએ જોઈ લો,

ફોગટ વ્હોર્યાં ન ખારાં પાણી, ના માનો તો હસતાં હસતાં જરા રોઈ લો……………….લોચનિયાં.

કડી અથવા અંતરો :

નંદને મનાવો મોહમાયાની વાતે, કેમ માડીનું હૈયું એમ માને ?

જ્ઞાનગોઠડીની વાત નાખી જુઓ તો ભાન ભૂલેલી રાધાને કાને !

અહીં પાંપણ પલકે ત્યાં પાણીપાણી, છલકાવી બેઉ નેણનાં બિલોરી જરા ધોઈ લો…..લોચનિયાં.”

– હરીન્દ્ર દવે

ગ.૨.૩ ગીતની એક વીશેષતા એની પ્રાસવ્યવસ્થા છે ! ધ્રુવપંક્તી અને તરતની બીજી પંક્તીનો અંત્યાનુપ્રાસ અનીવાર્ય ગણાય છે.

 • દરેક કડીમાં જો કુલ ત્રણ પંક્તીઓ હોય તો પ્રથમ બન્ને પંક્તીઓનો અંત્યાનુપ્રાસ અનીવાર્યરુપે પ્રયોજાય છે. અને ત્રીજી પંક્તીનો અંત્યાનુપ્રાસ ધ્રુવપંક્તીના અંત્યાનુપ્રાસથી જોડાય છે. કડીમાં જો ચાર પંક્તીઓ હોય તો પ્રથમ ત્રણ પંક્તીઓ સ્વતંત્ર પ્રાસથી જોડાય છે અને ચોથી પંક્તી મુખડાના પ્રાસ સાથે જોડાય છે.

“વ્રજમાં તો રોજ ભાણ ઊગે, ને રોજ સાંજ આકાશે રંગ ભરે રાતો,

થોડું થોડું જાણે પેલા તારલિયા, એની સંગ બાંધ્યો ઉજાગરાનો નાતો;

ગોપગોપીઓને પછી સંભળાવો જ્ઞાન, પ્હેલાં ધેનુઓની આંખડી તો લ્હોહી લો !……….લોચનિયાં.”

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––

“વંડી વચાળ ખીલ્યો ખાખરો !

જી, પડખે ઝૂકેલી પેલી ચારુ ચમેલીથી તાપ શેં જાય સહ્યો આકરો ?!…..વંડી.

 

ચૈતર તે માસના બળતા બપોર ને વસમા કૈ રેલે રે ધૂપ,

વસમાં એથી એવાં કામણ રેલાવતું રઢિયાળું રાતું રૂપ;

અંગ અંગ અણદીઠી ઊઠી છે આગ તોય કાયા તરસે રે લોલુપ !

જી, પાતળી પદમ્મણીનું દલડું દઝાડી ગયો કેસરભીનો કોઈ ઠાકરો !………..વંડી.”

– પ્રદ્યુમ્ન તન્ના

 

 • કડીની આ છેલ્લી પંક્તી પ્રાસ દ્વારા મુખડા સાથે અનુસંધાન કરી આપીને ભાવ કે વીચારને સળંગ રાખે છે તેથી વાચક–ભાવકનો કાવ્યના ભાવ–વીચાર સાથે સતત અનુબંધ રહે છે.

ગ.૨.૪ કેટલીક રચનાઓમાં ધ્રુવપંક્તી પછીની બીજી પંક્તી હોતી જ નથી. જેમ કે –

“ગોકુળથી વૃંદાવન જાવું ને શ્યામ, તોય વચ્ચે વૃંદાવન નહિ આવું.

……………………………………………………………………….. 

દાણ તણો લેશ નથી ડર રે કાન ! એમ અમથા ફુલાતા નહિ મનમાં,

બંસરીનો નાદ હવે ભૂલવે ના રાહ હવે સૂણતી એ સૂર ક્ષણેક્ષણમાં;

સંતાશો તોય નહિ શોધું ઓ કાન, તમે કહોતો એ માન પણ મુકાવું……..હવે.” – હરીન્દ્ર દવે

 

ગ.૨.૫ કેટલીક રચનાઓમાં ધ્રુવપંક્તીના પ્રાસ સાથે કડીની અંતીમ પંક્તીનો પ્રાસ મળતો નથી હોતો ત્યારે દરેક કડી ધ્રુવપંક્તી–મુખડાથી કંઈક અંશે ભાવકને ઘડીભર અલગ કરે છે ! જોકે કાવ્યની ગુણવત્તા આ ખામીને નજરઅંદાઝ કરાવી શકે છે. જેમ કે –

“ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે.

મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ના’વે રે………….ગોવિંદો.

 

સાસુ મારી સુષુમણા રે, સસરો પ્રેમ–સંતોષ,

જેઠ જગજીવન જગતમાં મારો, નાવલિયો નિર્દોષ….ગોવિંદો.

 

ચૂંદડી ઓઢું તો રંગ ચૂવે રે, રંગબેરંગી હોય,

ઓઢું હું કાળો કામળો રે, દૂજો ડાઘ ન લાગે કોય….ગોવિંદો.”  – મીરાંબાઈ

–––––––––––––––––––––––––––––––––––

કેટલીક મારી ગીતપંક્તીઓ :

 

“મારા પાવાનો સુર.

છેડ્યો જ્યાં, છટકીને –

ઘડી જરી અટકીને, જાય અહો દુર દુર દુર !

 

નાનકડી વેણુમાં બેઠો અણદીઠ એને

          હળવેથી વ્હેવડાવ્યો બ્હાર,

હૈયાના નાદ શો નેહ ભર્યો નીસર્યો ને

           જૈ પ્રસર્યો ગગને એ વાર;

ઘુંટાયો ગુંબજમાં રવ,

એના પડઘાનાં પ્રગટ્યાં શાં પુર પુર પુર !!

મારા પાવાનો સુર.”

– જુગલકીશોર.

––––––––––––––––––––––––––––––––––

 

 

3 comments for “‘ગીત’ અંગે કેટલીક વાતો

 1. May 6, 2018 at 12:02 am

  ‘અર્વાચીન સમયમાં ગીતરુપે ઓળખાયેલા આ સ્વરુપમાં માત્રામેળ છંદોનું વીશેષ પ્રાકટ્ય છે. છંદોના મુખ્ય બે પ્રકારો – અક્ષરમેળ તથા માત્રામેળ –માંના માત્રામેળના ત્રણ પ્રકારોમાંનો ગીત પણ એક પ્રકાર છે….
  .
  ‘ખૂબ અગત્યની વાત સરળતાથી સમજાઇ

 2. May 7, 2018 at 9:15 pm

  છંદ વિષે બહુ સરળતાથી સમજાવ્યું, ઘણું જાણવા મળ્યું, ગીત પણ માત્રામેળ નો પ્રકાર છે, પરંતુ લય અને તાલ સાથે.
  સરસ વાત ઉદાહરણો સાથે સમજાવી.

 3. June 4, 2018 at 1:28 am

  “ગીત મેં તો ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું…..” પહેલી લીટીથી જ મને રસ પડ્યો. રાસ ગરબામાં સરળતાથી ગાતા ગીતો વિષે વધુ સમજાયું. પાવાના સૂર પણ ગમ્યાં.
  સરયૂ પરીખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *