પતંગાબાદને એક છાપરેથી !

અમદાવાદને આ પતંગાબાદ નામે બોલાવવાનું રાખી શકાય.

પણ અમદાવાદ તો બીજાં અનેક નામે બોલાવવા લાયક રહ્યું જ છે એટલે એને ફક્ત પતંગ સાથે જોડી રાખીને બાકીની બાબતોને કોરાણે થોડી મુકી દેવાય છે ? છતાં હજી ગઈ કાલે જ ગયેલી પતંગાઈને સાવ એમનેમ જાવા દઈએ તોય ખોટું કહેવાય. એટલે આ લેખ પુરતું તો આ – ગુજરાતનું સૌથી મોટું ગામ “પતંગાબાદ” જ ભલે રહે.

વહેલી સવારથી જ ધાબાયન આરંભાઈ જતું હોય છે. શીયાળાની ઠંડક ને ક્યારેક તો સુસવતો પવન ધાબે જવા આનાકાની કરાવે તોય છોકરાં તો એનો પતંગી સાજસામાન લઈને ધાબે ચડી જ જવાનાં…..અમારા જેવાંઓએ તો એ લોકોની ચહલપહલમાં જ સંતોષાનંદ ભોગવી લેવાનો રહે.

આ વર્ષે પણ અમારું છાપરું ભરચક્ક રહ્યું. છોકરાઓના બહેનો–બનેવીઓ, સાઢુઓ, એમનીય પાછી લંગરો ને એ આવતલોનાંય મીત્ર–મીત્રાણીઓથી ધાબું હીલોળાં લેતું રહ્યું આ બે દીવસ. (આ વર્ષે ઉતરાણને દી’ જ રવીવાર માથે મરાયેલો એટલે એક દી’ તહેવાર ટુંકાઈ ગયો એનો કુમળો કુમળો આધાત પણ હતો જ.)

ધાબા પર શું શું હોય ?

પતંગો, ફીરકીઓ, આંગળીએ વીંટવાની ટૅપ, ગુંદરપટ્ટીઓ, લાઉડસ્પીકરો સાથેની સંગીતસામગ્રીઓ, તલ–શીંગ–દાળીયાની ચીકી ઉપરાંત બોરાં–જામફળ–શેરલડીની છાબડીઓ, ચા–કૉફીના જગજી; પાણીનું મોટું પવાલું અને અને અને –

કેટલીક – મોટાં લોકો માટેની ખુરશીયું, સાંજ સુધીમાં મેલાંદાટ થઈ જનારાં પાથરણાં,  કોઈનો કપાઈ જાય ત્યારે ખાસમ્ ખાસ વગાડવા માટેનાં થાળીવેલણો, પીપુડાં, માથે ભરાવી રાખવાની ટોપીયું–ચશ્માંગોગલ્સ વગેરે વગેરે વગેરે

આટલું કાંઈ ઓછું છે ? તોય લ્યો હજી ઉમેરી જ દૌં – કપાઈને બીજેથી પકડાયેલા પતંગોની સાથે આવેલી કે ખેંચીને ભેગી કરેલી વીવીધરંગી દોરીઓ–લચ્છાઓ–પગમાં અટવાતાં રહેતાં ગુંચળાં !!!

આ બધાંની સાથે વારેઘડીએ ખેંચાતી રહેતી તસવીરો–સેલ્ફીઓ અને એને માટે જ જાણે તૈયાર થઈને આવ્યાં હોય તેવાં ભાતભાતના પોષાકોમાં સજ્જ એવાં સહુઓ – ધાબાજનો !!

આ બધ્ધાંમાં અમે તો વડીલો ! ખુરશી પર બેસીને શોભામાં અભીવૃદ્ધી કરનારાં કે પછી ક્યારેક ચાલુ, ચડી ગયેલા પતંગોની દોરીમાં ભરાઈ જઈને નડતરરુપ બની રહેનારાંઓ……(આ દીવસોમાં છોકરાં, છોકરાંઓનાં પોતરાંઓ – એટલે કે અમારાં પૌત્રાંઓ વગેરે વારેઘડીએ આવીઆવીને અમારી સાથે ફોટું ખેંચાવ્યા કરનારાં કેટલાંકો પણ ગણી જ લેવાનાં…..મોબાઈલમાં અનલીમીટેડ ફોટા પાડી શકવાની મળી ગયેલી સગવડોના ફાવ્યા સૌ આ અવસરને મઢી લેવા તત્પરો….)

ગઈ !

છેવટે આ વરહની  ઉતરાણ પણ ગઈ. જતાંજતાં ધાબાંઓને – દીવાળીને ભુલાવી દીયે એવી આતશબાજી કરીને ગઈ…..હવે તો વરંડામાં ને નાનાંમોટાં ઝાડવે ને અગાશીથી છેક આંગણાં સુધી  લટકીને નડતી રહેતી દોરીઓ ને ગુંચળાંને ખેંચી–વીણીને કચરાપેટીએ પધરાવવાની કામગીરી રહી જે બેચાર દી‘ ચાલશે.

ને હું – અત્યારે તો આ તમને સૌને ભાંગીતુટી ભાષામાં પતંગાબાદની “અનુભવાઈ” મોકલીને રાજી છું.

સૌને ઉત્તરે વળેલા સુર્યનારાયણની શુભેચ્છાઓ !

   

                                       

                                 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *