શોર્ટકટ, લોન્ગકટ અને અનુકૂળ રસ્તો

– સુરેશ જાની

લોન્ગકટ

શોર્ટ કટ તો હોય. પણ લોન્ગ કટ?

હા! લોન્ગ કટ પણ હોય!

વાત જાણે એમ છે કે, અમારા ગામના પાર્કમાં એક નાનકડું તળાવ છે. એની બાજુમાંથી ચાલવાનો એક રસ્તો પસાર થાય છે.

અમે તળાવના કીનારે બેઠા હતા. ત્યાં તળાવની સામેની બાજુમાં અમે અમુક લોકોને ચાલતા જોયા/ અમારી વાનરસેનાને એ બાજુ જવાનું મન થયું. આથી અમે તળાવની બાજુમાં આવેલા ઘાસના મેદાનની એક બાજુએ આવેલા છીંડા જેવા કીનારે ગયા. અને ત્યાં પાછળની ઝાડીમાં જતી, એક કાચી કેડી નજરે પડી. અમે તો એમાં ઝુકાવ્યું. સાવ એક જ જણ માંડ ચાલી શકે તેવી ઝાડી અને ઝાંખરાં વચ્ચેથી પસાર થતી કેડી હતી. અમે જેવા એમાં પ્રવેશ્યા કે તરત જ સાવ જંગલમાં આવી ગયા હોઈએ એવો આભાસ થતો હતો. અમુક જગ્યાઓએ તો ડાળીઓ રસ્તો રોકીને પથરાયેલી હતી, તેમને વાળીને અથવા ઝુકીને માર્ગ કરવો પડતો હતો. માત્ર એક બે જગાએ એ કેડી તળાવની નજીકથી પસાર થતી હતી. અને ત્યાંથી તળાવનું સુંદર દ્રશ્ય દેખાતું હતું. બે જણ ત્યાંથી નીચે ઉતરી માછલીઓ પણ પકડવામાં પ્રવૃત્ત હતા.

અમે બેળે બેળે આખી કેડી પસાર કરી પાછા પાકા રસ્તાની નજીક બહાર આવી ગયા. આમ અને જ્યાં ઉભા હતા, ત્યાંથી પાકા રસ્તે જે અંતર એક બે મીનીટમાં કપાઈ જાય તે અમે કાપવા અમારે અડધો કલાક થયો!

હવે તમે જ કહો. આને લોન્ગ કટ કહેવાય કે નહીં? પણ અમારો આશય થોડો જ રસ્તો કાપવાનો હતો? અમારે તો એક સાહસ કરવું હતું. નાનકડું સાહસ. શહેરની વચ્ચોવચ આવેલા પાર્કમાં સાહસ.

સામાન્ય વ્યવહારમાં બધે શોર્ટ કટ શોધવાની વૃત્તીવાળા અમારે માટે આ લોન્ગ કટનો અનુભવ અનેરો હતો.

શોર્ટકટ

પણએ તો તરવરીયા તોખાર જેવા મારા દોહીત્ર સાથેની સફરની વાત હતી. પણ આ તો બેળે બેળે ચાલતા, ઘોડાગાડીના ગલઢા અડીયલ ટટ્ટુ જેવા આ ડોહાની વાત છે!

શોર્ટ કટ

હમણાંનો જમણો ઢીંચણ કદીક આડો થાય છે! સહેજ ચાલું એટલે રાડ્યું પાડવા માંડે. પણ ચાલ્યા વગર તો કેમ ચાલે? ન ચાલું તો સાવ બેઠાડુ જ થઈ જાઉં ને?એટલે દરરોજ થોડું થોડું ચાલવાનો મહાવરો રાખ્યો છે. તે દીવસે પાર્કમાં ચાલવા ગયો. ગાડી પાર્ક કરી આગળના રસ્તે જવા નીકળ્યો. પણ બાજુમાં જ સુકા વહેળાની પાર સરસ લીલું મઝાનું ઘાસ હતું. નીચે ઉતરી, થોડુંક કષ્ટ વેઠી ચાલું તો ખાસું અંતર ઓછું થઈ જાય તેમ હતું.

સાચવી સાચવીને કાચા ઢાળ પરથી વહેળામાં ઉતર્યો. અને બીજી પાર થોડુંક વધારે કષ્ટ   લઈ ચઢી પણ ગયો. ઘાસ વટાવી પાછો મુળ રસ્તે ચઢી ગયો. પગમાં જોડા નહીં પણ ચંપલ પહેરેલાં હતાં , એટલે લપસી જતાં પણ બચ્યો – ખાસ તો ઉપર ચઢતી વખતે.

સૌને શોર્ટ કટ શોધવા ગમે છે – અને લાંબા રસ્તા ટાળવાનું પણ.  મારા જેવી તકલીફવાળાને તો ખાસ. પણ એવા સરળ રસ્તાનાં પોતાનાં જોખમો હોય છે. ક્યાંક ગબડી પડવાની, લપસી જવાની, ઘવાવાની, કાયદાનું ઉલ્લંઘન થવાની, અનૈતીકતાની, હાસ્યાસ્પદ થવાની શક્યતા હોય છે.   બધા ચાલતા હોય તેવો, લાંબો રાજમાર્ગ સહી સલામત હોય છે. ક્યાંક તો શોર્ટ કટ ન જ લઈ શકાય. ક્યાંક એનાથી ઘણી તકલીફો બચી પણ જાય છે.

ક્યાંક સરળ રસ્તા લાભ કરી આપે છે અને ક્યાંક લાંબા ગાળાનું નુકશાન પણ!

શોર્ટ કટ લેવો કે લોન્ગ કટ, એ પોતપોતાની આવડત, ચીત્તવૃત્તી અને  જોખમો વહોરવાની કાબેલીયત પર આધાર રાખતું હોય છે!

અનુકુળરસ્તો

…… અનુકુળ રસ્તો લેવો. સ્થળ, સમય, સંજોગને આધીન – જેવી જરુર હોય તેવો રસ્તો લેવો.

એકદમ વ્યવહારીક વાત. સીધા સટ રસ્તે ચાલવું. લાંબા રસ્તે સ્વૈરવીહાર કરી ઠામુકાનો શ્રમ અને સમય ન બગાડવો. અને શોર્ટ કટનું જોખમ પણ ન લેવું. નો રીસ્ક ફેક્ટર!

સમય વર્તે સાવધાન. જેવો વટ, તેવો વહેવાર. જે આંગળીએ ઘી નીકળે, તે વાપરવી. આ જ તો જીવનને સરળ રીતે જીવવાની રીત. મધ્યમ માર્ગ. સફળ થવાની રીત. સામાન્ય અને સર્વમાન્ય રસ્તો. કોઈ વીવાદ વીનાની, ગળે શીરાની જેમ ઉતરી જાય તેવી વાત.

પણ …

  • કશુંક નવું કરવું હોય તો?
  • નવી કેડી પાડવી હોય તો?
  • નવું સંશોધન કરવું હોય તો?
  • પનામાની કે સુએઝની નહેર બનાવવી હોય તો?
  • ચન્દ્ર અને મંગળ સર કરવા હોય તો?
  • અજાણ્યા રાહે ચાલી, નવા પ્રદેશો શોધી કાઢવા હોય તો?
  • જીવનને સરળ બનાવે તેવા શોર્ટ કટ શોધવા હોય તો?
  • પર્વતના શીખર પર ચઢવું હોય તો?
  • જુની રસમો તોડી, નવી પ્રથાઓ સ્થાપવી હોય તો?

એ તો વીરલાનું કામ. બહાદુર બંકાનું કામ. પાગલનું, નશામાં મસ્ત મસ્તાનાનું કામ. પથ પ્રદર્શકનું કામ. સામાન્યતાને વીસારી પાડનારનું કામ.

અનુકુળતા જ શોધનારનું એ કામ નહીં. વ્યવહારીક બુધ્ધી ધરાવનાર, ગાડરીયા પ્રવાહમાં ચાલનાર, વધારે પડતા હુંશીયાર જણનું એ કામ નહીં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *