વર્ષાન્તે આરંભ : ડાયરીનું પહેલું પાનું

   

श्री महादेवाय नम:                                                                                                    તા. ૩૧, ૧૨, ૧૭. રવી.

આ મહાદેવ એટલે ગાંધીના હનુમાન, મહાદેવભાઈ દેસાઈ. તા. ૨૭મીએ સંકલ્પ કરવાનું સૌ વાચકોને કહ્યું તો હતું પણ આરંભ તો જાતે પોતે જ કરવાનો હોય ને. દિવ્યેશ વ્યાસે દિવ્યભાસ્કરમાં લખેલું તે અહીં મુકી દીધું પણ વરસના આ છેલ્લા દા’ડે થયું કે, લાવ આજથી જ ચાલુ કરી દઉં.

આજે તો પાછો મારા આદ્ય ગુરુ નાનાભાઈ ભટ્ટનો વિદાયદીવસ. ૩૧મી ડીસેમ્બર, ૧૯૬૧ના રોજ એમનું અવસાન. બીજે જ વરસે લોકભારતીમાં દાખલ થયો એટલે એમના સદેહે દર્શન ન પામ્યો. પરંતુ એમના શીષ્યો જેવા કાર્યકરો મૂળશંકરભાઈ ભટ્ટ (મૂ્મો. ભટ્ટ), મનુભાઈ પંચોળી અને ન.પ્ર.બુચ જેવાને ખોળે ચાર વરસ ભણવાનું મળ્યું તો નાનાભાઈને જાણે ક્યારેય ન જોયાનું રહ્યું જ નહીં. આ ત્રીપુટીએ નાનાભાઈ દ્વારા જ ગાંધીજીનેય ઓળખાવ્યા.

શીક્ષણ એટલે ધર્મ, સમાજ, રાજ્યકારણ, કુટુંબધર્મ કહું કે, સમગ્ર જીવનને પામવાનો ખરો માર્ગ. શીક્ષણના માધ્યમેથી આખેઆખું જીવન સમજવા મળે છે. વળી સાચું શીખવાડનારા મળે તો જીવનને સમજવા ઉપરાંત ખાસ તો સાચું જીવતાં શીખાય છે તે વાત આ સંસ્થાએ ને એના આ માવતર જેવા શીક્ષકોએ જીવી બતાવતાં બતાવતાં હૈયે જડાવી દીધી !

નાનાભાઈ વીશે તો ઘણું લખાયું છે. અહીં તો આ ડાયરી નીમીત્તે એમને યાદ કરીને પહેલું પાનું એમને અર્પણ કરવા સુઝ્યું તે લખ્યું. બાકી ડાયરીની આ શરુઆત મહાદેવભાઈના સ્મરણ સાથે જ કરવાની હોય.

મહાદેવભાઈને યાદ કરતાં જ ગાંંધીજી યાદ આવે તો તરત જ એમની ડાયરી પણ યાદ આવે. ગાંધીજીનું એકેએક પગલું મહાદેવભાઈની હયાતી દરમીયાન આમાં નોંધાયું છે. ઘણી વાર થાય કે કોઈ માણસ કોઈ અન્ય માટે આટલી વીગત શી રીતે લખી રાખી શકે ? પણ મહાદેવભાઈનું જીવન બાપુને સમર્પીત હતું એટલે જ નહીં પણ બાપુના જીવન સાથે ભારતનું ભવીષ્ય સંકળાયેલું હતું એટલે મહાદેવભાઈએ એને અક્ષરદેહે સાચવી લીધું છે……

પરંતુ આઝાદી આવે એના સાત વરસ પહેલાં જ ૧૫મી ઓગસ્ટ ૧૯૪૨માં મહાદેવભાઈ, એમની ઇચ્છા મુજબ જ ગાંધીના ખોળામાં અવસાન પામ્યા. ને એમ એમની ડાયરી ત્યાં અટકી.

આજે ગાંધી અને ગાંધીનો એ કીમતી સમયગાળો જાણવા માટે આ ડાયરીનું મુલ્ય આંક્યું અંકાય નહીં તેવું ને તેટલું છે.

આજે નાનાદાદાના વીદાયદીવસે બન્ને મહાનુભાવોને વંદના સાથે આટલું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *