એક કાલ્પનીક સંવાદ !

ઘરથી સાવ નજીકમાં જ આવેલી બેંકમાં જતાં વચ્ચે આવતી હનુમાનજીની દેરીએ હાથ જોડીને પગે લાગવા જેવું કર્યું તે, (બસસ્ટેન્ડે ઉભેલા) જોઈ ગયેલા એ ભાઈએ, હું જેવો નજીક આવ્યો કે હળવેકથી પુછ્યું –

તમે એમાં માનો છો ?

હા, થોડુંઘણું….મેં એમને જવાબ્યા.

થોડું કે ઘણું ? – તેઓ.

થોડું પણ કહેવાય ને ઘણું પણ કહેવાય…અથવા થોડુંય નહીં ને ઘણુંય નહીં…..– હું.

પણ એ તો બન્ને એક જ ગણાય. થોડું એટલે વધુ નહીં કે વધુ એટલે થોડું નહીં….એવા બે વીકલ્પો આપવાની જરુર નહીં….શું માનો છો તમે ? – તેઓ.

હા, સાવ સાચું. બન્ને એક જ વાત સુચવનારાં હતાં જે તમે સરસ પકડી પાડ્યું…– હું.

બાય ધ વે, તમે શીક્ષક છો, આઈ મીન હતા ? – તેઓ.

તમે ‘છો’માંથી ‘હતા’ ઉપર આવી જઈને મારા ધોળાવાળને નીવૃત્તીની નીશાની બનાવી દીધી તે ગમ્યું….આપ તર્કશાસ્ત્રી જણાઓ છો….. – હું.

હા, હુંય તમારી જેમ શીક્ષણનો જીવ ખરો. પણ તર્ક એ મારો શોખનો વીષય છે. – તેઓ.

અને એ તર્કે જ તમને નાસ્તીક બનાવ્યા હોઈ શકે ! – હું.

હું નાસ્તીક છું એ તમે કેમ જાણ્યું ?! – તેઓ.

‘તર્ક’ અજમાવી જુઓ તો ખબર પડી જશે !! પણ જવા દો હું જ કહી દઉં…તમે મારા જેવા સાવ અજાણ્યાને, હનુમાનજીની દેરીએ નમન કરતો જોઈને જે સવાલ કરેલો તેમાં જ મને તમારી નાસ્તીકતાની શક્યતા દેખાઈ ગયેલી. પણ પછી આપણે બીજા રવાડે ચડી ગયા અને તમારો સવાલ તો….. – હું.

ના, જવાબ તો મને લગભગ મળી જ ગયેલો કે તમે અધુરા આસ્તીક છો ! એટલે કે, તમારી પદ્ધતીએ કહું તો અધુરા નાસ્તીક પણ ! કેમખરું કે ?! – તેઓ.

ખરું, ખરું, તદ્દન ખરું. – હું.

તો હવે સવાલ એ થાય કે, તમે ‘જેને’ નમન કર્યું ‘તે’ ત્યાં છે ખરા ? – તેઓ.

ના, હનમાનજી ત્યાં નથી જ. – હું.

તો પછી તમારું નમન…..

કોને ? એમ પુછવા માગો છો ને ? તો જવાબ તો આ જ હોઈ શકે કે હનમાનજી ત્યાં હોય કે ન હોય, શું ફેર પડે છે ? મેં તો એમના પ્રતીકરુપ જે પથ્થરાકૃતી છે તેમાં બીજાં ભાવીકોઅે આરોપેલી નીષ્ઠાને જ નમન કર્યું એમ કહીશ. – હું.

પણ ‘તમારી’ નીષ્ઠાનું શું ? હનુમાનજી તો ત્યાં નથી એવું તમે જ કહેલું ને ? – તેઓ.

હું નાનો હતો ત્યારે પહેલી વાર ઘઉંના દાણા જોયેલા. બાને પુછ્યું તો ખબર પડેલી કે એને ઘઉં કહેવાય. પછી તો ખબર પડી બધા જ એને ઘઉં કહે છે એટલે મનેય તેમ માનવામાં વાંધો ન લાગ્યો…. – હું.

પણ વીજ્ઞાને તો સાબીત કરીને એને ઘઉં તરીકે સ્થાપ્યા એટલે ચાલે પણ ભગવાન બાબત એમ વાત કરી શકાશે ખરી ? – તેઓ.

કેટલુંય એવું હોય છે જેના અંગે કોઈના કહેવાથી માની લેવામાં વાંધો નહીં….

દાખલા તરીકે ? એવું ‘કેટલુંક’માંનું કોઈ બતાવશો ? – તેઓ.

દાખલા તરીકે, નીશાળમાં છોકરાને દાખલ કરાવતી વખતે એના બાપનું નામ પુછાય છે. જન્મના દાખલા ઉપરથી છોકરાના બાપનું નામ જીવનભર નક્કી થઈને રહે છે. પણ ખરેખર બાપ કોણ એની જાણ તો માતા સીવાય લગભગ કોઈને હોતી નથી…..માતાના કહેવા ઉપરથી સૌ માની લે છે……ને હવેના જમાનામાં ભલે ને, તપાસ થઈ શકે છે તે સાચું પણ એવી તપાસ કરવાની જરુર કોઈને લાગતી નથી……! માતાના કહેવા માત્રથી જીવનભર બાળકના પીતાજી નક્કી થઈ જાય છે……

મારા ગુરુજનો, પુર્વસુરીઓ, સંતો અને ઉચ્ચ પ્રકારના ગ્રંથોએ કહ્યું છે કે ઈશ્વર છે તો એમના વચનમાં પથરો નાખવા જેવું મને લાગતું નથી. – હું

તો પછી તમે “થોડુંઘણું” માનું છું – અરધી હા ને અરધી ના – એમ કેમ કહ્યું ?! – તેઓ.

મને તમારી મજાક કરવાનું મન થઈ ગયેલું ને એટલે !! બાય ધ વે, તમારી બસ આવતી લાગે છે……

થેંક્સ ! આવજો. (દોડતાં બસમાં બેસતાં) – તેઓ.

1 comment for “એક કાલ્પનીક સંવાદ !

  1. May 5, 2018 at 4:45 pm

    ”તેઓ ” અને ”હું ” ના કાલ્પનિક સંવાદો
    મારફતે મનમાં હતું એ સરસ કહી દીધું જુ’ભાઈ !

    સમજને વાલે સમજ ગયે , ના સમજે વો અનાડી હૈ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *