નેટજગતના એક જુનાજોગીની રચના : ‘નથી આવતી.’

શ્રી યશવંત ઠક્કર એક જાણીતું નામ. એમના સંવાદો નેટજગત પર રંગત જમાવતા હતા. આજે એમની એક પદ્યરચનામાં પણ એવી જ એક રંગત છે ! વાંચતાં જ મનને ભાવી ગઈ. મારા વાચકો સમક્ષ એને મુકીને એની રંગત સૌમાં વહેંચવાનો આનંદ ‘માતૃભાષા’ પર માણવાની તક સર્જકના આભાર સાથે લઉં છું. – જુ.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––

(મિત્રો, ઓણ સાલ વરસાદ સારી પેઠે ખાબક્યો. પરિણામે, ગઝલ અને કાવ્યોની વાવણી પણ સારી પેઠે થઈ છે. તો મને થયું કે, લાવ્યને હુંય એકાદ કાવ્ય ઠપકારી દઉં. આજકાલ ક્યા કોઈ જોવાવાળું છે કે, કોને કાવ્ય કહેવાય ને કોને ન કહેવાય. બીક પછી કોની અમારે! તો કાવ્યનું શીર્ષક છે… ‘નથી આવતી’   – ય.

નથી આવતી… 

દૂધમાં મલાઈ નથી આવતી,
હોટલમાં સારી ચાય નથી આવતી.

શહેરમાં હાલી હાલીને થાકી જાવ
તોય રસ્તામાં ક્યાંય મુતરડી નથી આવતી.
ને ડોનનું કાંડું તો જુઓ
એ કાંડામાં દુનિયાની કોઈ હાથકડી નથી આવતી.

બસ સ્ટેન્ડ તો બાંધી દીધાં ઠેકઠેકાણે
પણ ત્યાં સમ ખાવાય બસ નથી આવતી,
મોંઘી મોંઘી હોસ્પિટલોમાં દર્દીઓ બિચારા
બેલ મારી મારીને બેવડ વળી જાય છે
તોય ડ્યૂટી પરની નર્સ નથી આવતી.

ખમણ તો કે દોઢસો રૂપિયે કિલો!
દોઢસો રૂપિયા!
તોય ખમણ પર સરખું તેલ નથી આવતું – સરખી રાઈ નથી આવતી,
ને કોલ સેન્ટર પર રિંગ મારી મારીને
વાસી રીંગણા જેવા થઈ જાવ
તોય લાઇન પર એકેય બાઈ નથી આવતી.

ફલેટનું પઝેશન મળી જવાથી શું થઈ ગયું?
મહિનાઓ સુધી લિફ્ટ નથી આવતી,
ને હજી પણ બાબુઓ ત્યાં સુધી રાજી નથી થતા
જ્યાં સુધી એમના હાથમાં ગિફ્ટ નથી આવતી.

નોટબંધી તો ગઈ ગોથાં ખાતી
પણ બજારમાં હજી ઘરાકી નથી આવતી,
કાકો એકલો આવે છે આંટા મારવા
હારે ખર્ચો કરાવે એવી કાકી નથી આવતી.

ચોખ્ખાઈની વાતું કરનારા કર્યા કરે
રસ્તે થૂંકનારને શરમ નથી આવતી,
આ તે કેવો જમાનો આવ્યો!
ગુજરાતીના ભાણામાં રોટલી પહેલાં જેવી ગરમ નથી આવતી
નરમ નથી આવતી!

મોબાઇલમાં માથું ઘાલી રાખે છે જવાની
એને બીજે ક્યાંય મજા નથી આવતી,
ઘરડાંઘરમાં વાટ જુએ છે બુઢાપો,
એને વરસમાં એકેય રજા નથી આવતી.

ટકા ટકા ને ટકા!
ટકા લાવો ટકા લાવો ટકા લાવો
માબાપની અપેક્ષામાં ઓટ નથી આવતી,
ને કુમળાં કુમળાં
સંતાનોની આત્મહત્યાના આંકડામાં
ખોટ નથી આવતી.

ખેડૂત પકવે છે મબલક પાક
પણ પાકની પડતર કિંમત નથી આવતી,
ખેડૂતના દીકરામાં ખેડૂત બનીને રહેવાની
હિંમત નથી આવતી.

પરંપરાગત કવિને અફસોસ છે એ વાતનો
કે આવી ગયાં છે કીબોર્ડ!
હવે નથી એ પેન આવતી નથી એ ઇન્ક આવતી,
ને જેટલીજીને છે ફિકર એ વાતની
કે હજી બધાંનાં આધારકાર્ડની કેમ લિંક નથી આવતી.

કેટલીય બહેનો મારે છે બજારમાં ફાંફા!
ને નાખે છે નિસાસા!
એમના ભાઈ માટે હવે
પંદર વીસ રૂપિયામાં રાખી નથી આવતી,
ને જોઈ લો આ નેતાઓ
એમની સંસદમાં ફરિયાદ છે કે
કેટલાય દિવસોથી
રાજસભામાં
‘સચિન’ નથી આવતો
‘રેખા’
નથી આવતી!

 – યશવંત ઠક્કર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *