‘જયભિખ્ખુ’નો અભ્યાસપુર્ણ પરીચય

કોરા કાગળ પર કંડારાયેલ અગરબત્તીની સુગંધ

– લતા હિરાણી

નોંધ : બહેન લતા હિરાણીનો પરીચય આ લેખને અંતે મુકાયો છે. એમનું સાહીત્યીક વ્યક્તીત્વ ત્યાંની પંક્તીઓમાં જોવા મળશે. પ્રસ્તુત લેખ તેમની ખંત બતાવે છે. જયભિખ્ખુ શબ્દ ઘરઘરમાં જાણીતો છે. તેમને અંગેનો આ લેખ નેટજગત માટે બહુ કીંમતી ગણું છું. – જુ.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

‘જીવતરની વાટે અક્ષરનો દીવો’ – સાડા ત્રણસો પાનાના આ દળદાર પુસ્તકને હાથમાં લેતાં જ મુખપ્રુષ્ઠ પર, જેમણે પોતાનું આખું જીવન સાહિત્યને સમર્પી દીધું હતું એવા સર્જક જયભિખ્ખુનો ચિંતનમાં રત પણ ખુમારીથી છલકાતો ચહેરો નજરે પડે. ‘સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું.’ જેવો ઉમદા સંદેશ આપનાર સર્જકની જીવનકથા આલેખતું આ પુસ્તક એમના પુત્ર અને વિખ્યાત સાહિત્યકાર પદ્મશ્રી કુમારપાળ દેસાઈની કલમે આલેખાયેલું છે.

એક સાહિત્યકાર તરીકે જયભિખ્ખુને જાણવા માટે પુસ્તકનાં પાછળનાં પાનાંઓ પર અપાયેલી વિગતોના  મબલખ આંકડા પૂરતા છે પરંતુ વાંચવાનું શરૂ કર્યા પછી જેમ જેમ પાનાંઓ ફરતાં જાય છે તેમ તેમ જયભિખ્ખુના વ્યક્તિત્વની વિવિધ છટાઓ નીખરતી જાય છે અને અનુભવાય છે કે કેટલું રસપ્રદ અને બહુમુખી આ વ્યક્તિત્વ હતું ! મા વિનાના એક ગભરુ બાળકે પોતાની સિદ્ધિની કૂચકદમ ક્યાંથી આદરી ને ક્યાં પહોંચાડી ! કેટકેટલા પડકારો ઝીલ્યા અને એમાંથી પોતાની વિશિષ્ટ કેડી કંડારી ! કપરાં ચઢાણો અને નડતી વિટંબણાઓનો સામનો કેવી રીતે કર્યો ! કઈ જીવનદૃષ્ટિએ એમની વિચારધારાને અને વર્તનને સંતુલિત બનાવ્યા ! જયભિખ્ખુ કે જેમના નામે રસ્તાઓનું નામકરણ થાય છે, એમના પોતાના જીવનના રસ્તા મુકામ સુધી પહોંચતા પહોંચતા કેવા પથરાળ રહ્યા હતા, એની કહાણી આ પુસ્તકમાં પથરાયેલી  છે.

કલમના ખોળે જીવવાના કવિ નર્મદના સંકલ્પની યાદ અપાવે એવા ત્રણ મજબૂત સંકલ્પો જયભિખ્ખુના – ‘બાપદાદાની મિલકતમાંથી એક પાઈ પણ ન લેવી’, ‘નોકરી ન કરવી’, અને ‘કલમના ખોળે માથું મૂકીને જીવવું’ – આવી આકરી ટેક લેનાર જણ કેવી માટીમાંથી પેદા થયો હશે ! પોતાની કલમ પર તેઓ કેટલા મુસ્તાક હશે ? આ વિચારીએ તો  આદરથી માથું નમી જાય. પોતાની આ ખુમારી એમણે જીવનભર જાળવી રાખી. એમાં કદીય બાંધછોડ ન કરી.

કિશોરવયે ‘ભિક્ષુ સાયલાકર’ના ઉપનામથી લખવાનું શરૂ કરનાર અને યુવાનવયે પત્ની જયા અને પોતાના બાળપણના હુલામણા નામ ભીખાના જોડાણથી ‘જયભિખ્ખુ’ ઉપનામ ધારણ કરીને લેખનનો અહાલેક જગવનાર આ સાહિત્યકારે ચાર હિન્દી કથાઓ સહિત સતર નવલકથાઓ, ચોવીસ વાર્તાસંગ્રહો, ચુમાલીસ બાળસાહિત્યના પુસ્તકો, ચોવીસ ચરિત્રો, છ નાટકો, છાસઠ વિદ્યાર્થી વાચનમાળા, સોળ સંપાદનો અને બહોળું કૉલમ લેખન, આમ ગુજરાતી ભાષામાં એમણે માતબર સાહિત્યનુ સર્જન કર્યું છે. વિશ્વકોષના સર્જક ડો. ધીરુભાઈ ઠાકરના શબ્દોમાં, “જ્યાં સુધી જયભિખ્ખુને વ્યવસ્થિત વાંચ્યા નહોતા ત્યાં સુધી એમને જૈન ધર્મપંથની અસરથી રંગાયેલા માન્યા હતા પણ જ્યારે વાંચ્યા ત્યારે પ્રતીતિ થઈ કે ‘શુદ્ધ સાહિત્યના બધાંય તત્વોથી એમનું લખાણ સભર ભરેલું છે.”

પુસ્તકના શરૂઆતના પ્રકરણો આ ઈમારતની પાયાની ઈંટોએ ખમેલા પ્રહાર આલેખે છે. બાલાભાઈ એટલે કે નાયક જયભિખ્ખુનું બાળપણનું નામ ‘ભીખો’. કેટલી માનતાઓ પછી પ્રાપ્ત થયેલ ખોટના બાળકને માતાએ ‘ભીખલો’ કર્યો. બાળભીખાની માત્ર ચાર વર્ષની વયે માતાનું અવસાન થાય, મા જેવી માસીના હાથે બાળક ઉછરે પણ એય જાણે ઈશ્વરને મંજૂર ના હોય તેમ માસીય સ્વર્ગે સીધાવે. બાળકને સાચવનાર હાથો બદલાતા જાય. મામી, અપર મા અને ફોઈ… અંતે ફોઈનો આધાર ખસતો દેખાય અને બાળક વિનવે, ‘ફોઈ મને તમારી સાથે લઈ જાવ ને ! હું ક્યારેય તોફાન નહીં કરું.’ આ શબ્દો વાચકના દિલમાંય કાળી ટીસ પેદા કરે. આ  બાળકને વારાફરતી કોઈને કોઈનો પ્રેમ આમ કટકે કટકે મેળવીને સંતોષ માનવો પડ્યો. તારાઓમાં માતાને શોધ્યા કરતાં ભીખાના મનની કલ્પના કરવી જરાય મુશ્કેલ નથી.

દરેક બાળકને બાળપણમાં સતત હૂંફ અને સુરક્ષા જોઈએ એવા સમયે આવી કઠણાઈ ભોગવનાર બાળક ગભરુ ને ડરપોક બની જ જાય ! સાથે સાથે અતિસંવેદનશીલતાના બીજ પણ ત્યારે જ રોપાય. આ માતાઓએ એનામાં કંઈક ને કંઈક સચ્ચાઈના તત્વો રેડયા. મા જેવી અંબામાસી બીમાર થાય ત્યારે ગારુડીને કહી દે કે “કોઈ આપણું ભૂંડું શું કરે ? એ તો આપણા કરમ ! મારે કોઈને મૂઠ મરાવવી નથી.” અહીયાં સમાજની મનોદશાનો, અંધશ્રદ્ધાનો ચિતાર છે જ પણ આ શબ્દોએ બાળ જયભિખ્ખુના મનમાં પાયાના મૂલ્યોનું, સારા કર્મો કરવાનું, સાચી સમજણનું કેટલું મોટું ભાથું બંધાવ્યું ? ભગવદ ગીતાની કર્મની ફિલસૂફી – આપણાં કર્મો સિવાય કોઈ આપણું કંઈ બગાડી શકે નહી.  બાળકના મનમાં ઉતરી ગઈ.

આ પુસ્તકમાં તત્કાલીન સમાજનું ચિત્રણ બખૂબી આલેખાયું છે. એ સમયના રીતરિવાજો, લોકોની રહેણીકરણી, સમાજની માનસિકતા જેવી અનેક બાબતોનું સૂક્ષ્મ ચિત્રણ આખા પુસ્તકમાં ઠેર ઠેર વેરાયેલું છે, ગારુડીને બોલાવવાની સલાહ, ઘુવડ વિષેની માન્યતા, “ઘુવડને ઢેફું ન મારીશ નહીંતર એ ઢેફું કૂવામાં નાખશે અને જેમ જેમ એ પાણીમાં ગળતું જશે તેમ તેમ તું ગળતો  જઈશ.”  આ અને આવી અનેક માન્યતાઓ, શંકા-કુશંકા અને અંધશ્રદ્ધાના દોરમાં જીવતા સમાજનું જબરદસ્ત ચિત્રણ આ પુસ્તકમાં મળે છે.’ આ બધાંને કારણે પુસ્તકનું દસ્તાવેજી મૂલ્ય વધી જાય છે.

બાળપણમાં અને યુવાનીમાં જયભિખ્ખુને સાચી દિશામાં દોરનાર મિત્રોમાં ગિરજો અને પઠાણ શાહઝરીનખાનના પાત્રો વિશેષ સ્પર્શી જાય છે. ઘુવડના અવાજથી ગોદડીમાં લપાઈ મા વગરનો બાળભીખો થરથર ધ્રૂજતો રહેતો હતો. અંતે એને આ શંકા-કુશંકામાંથી કાઢી ઘુવડનું બચ્ચું હાથમાં આપીને એનો ડર ખતમ  કરતો ગિરજો એને મન મૂઠી ઊંચો થઈ ગયો હતો. ગિરજો એને શિખામણ આપે છે કે ‘મન મજબૂત રાખ. જેણે મન હાર્યું એણે જગત હાર્યું.’ આ શબ્દોએ બાળનાયકને મજબૂત બનાવ્યો. આ જ ગિરજો એક બીજા પ્રસંગે પણ એનો ગુરુ બને છે, ‘તારી દયા એ નબળાની દયા છે. મે ઘુવડને માર્યું એ તને ગમ્યું કેમ કે એ તારું દુશ્મન હતું અને વાંદરાને માર્યો એમાં તું ચિડાઈ ગયો. આવું હોય ? આપણને ગમે તે સારું અને આપણને ન ગમે તે નઠારું ! આમ ન હોય ભીખા !’

મિત્ર શાહઝરીન સાથેની અંતરંગ દોસ્તીના પ્રસંગો આ પુસ્તકનાં પાનાંઓ પર પ્રાણ પૂરે છે.  છે. શાહઝરીનના શબ્દોમાં ઇસ્લામની જીવન અને મોત સંબંધી ફિલસૂફી ઊંડાણભરી છે. “જિંદગી અને મોત બંને ખુદાની બક્ષિસ છે. બંને બાબતની કબૂલદારી હોવી જોઈએ.” એ જ શાહઝરીનના પુત્રનો  અકસ્માતે ભૂલથી જીવ લેવાય છે અને પઠાણ ‘ખૂનનો બદલો ખૂન’ લેવા પર આવી જાય છે ત્યારે યુવાન જયભિખ્ખુની શાહઝરીનને સલાહ – ‘જો દીકરાની મા ખૂનીને માફ કરે તો તમે પણ માફ કરજો.’ યુવા જયભિખ્ખુની સમજણને વાચકે દાદ આપવી પડે. આખરે શાહઝરીન જયભિખ્ખુના પગમાં પડે છે !  શાહઝરીનની પત્નીની કાબિલેદાદ હિમતનો પ્રસંગ પણ રોચક રીતે આલેખાયો છે.

બાળપણના એક પ્રસંગના આલેખનમાં જણાવાયું છે કે ગારુડી ‘વિદ્યા’ને બદલે ‘બિદ્યા ઉચ્ચારે છે અને બાળભિખ્ખુને એ બહુ ગમી જાય છે. શબ્દો સાથે પ્રીત આમ બંધાણી હશે ? જયભિખ્ખુ પાસેથી અઢળક માનવતાપ્રેરક અને મૂલ્યલક્ષી સાહિત્ય મળ્યું એના પાયામાં આ ભાવનાઓ ભરી હશે. સંદેશમાં પ્રકાશિત થતી ‘ગુલાબ અને કંટક’ કૉલમ, ગુજરાત સમાચારની ‘ઈંટ અને ઈમારત’ કૉલમ, ‘ઝગમગ’ની વાર્તાઓ કે પછી વિદ્યાર્થી વાચનમાળા અને એમણે રચેલું લગભગ અન્ય તમામ સાહિત્ય આ વાતની સાહેદી પૂરે છે. તેઓ પોતે જ કહે છે ‘સાચું સાહિત્ય એવું હોવું જોઈએ કે જે પડેલાને ઊભા કરે, થાકેલાને તાજા કરે, નિરાશાને આશાવંત બનાવે.’ જયભિખ્ખુની મૂલ્યલક્ષી સાહિત્ય રચવાની નેમ એમના પ્રત્યે વિશેષ આદર ઊભો કરે છે.

લેખકની રસાળ શૈલીમાં નાયક ભીખાની ઘડિયાળ ખોયાની ઘટના બહાદૂરીના પાઠ દર્શાવે છે તો અમુક ઘટના હાસ્ય પણ નીપજાવે છે જેમાં એક જબરા રીંછને મારવાની અને પછી ફોજદાર દ્વારા પારકી બહાદૂરીને પોતાના નામે ચડાવવાની વાત – ‘એ કંઇ છોકરાના ખેલ નથી’ અને શહેરમાંથી આવેલા સાક્ષર શિક્ષક નયનસુખશંકરભાઈનું વારેવારે ‘મારું કહેવાનું તાત્પર્ય એ હતું કે’ – નો સમાવેશ કરી શકાય. વરસોડા ગામમાં ડાકુ મીરખાંની સત્યકથામાં બાળકની આંખે ચોરના વર્ણનમાં હાસ્યરસની સાથે જબરો વાર્તારસ પીરસાય છે. બ્રાહ્મણ પાલીકાકીની વાત, એની હિમ્મત પણ સ્મરણમાં ખાસ નોંધાઈ જાય તેમ વર્ણવાઈ છે.

પુસ્તકમાં રામલીલાની વાત સરસ આલેખાઈ છે. રામલીલા એ આપણી સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ. એ કેમ ભજવાય એનું તાદ્ર્શ્ય વર્ણન આમાં મળે છે. આ રામલીલાની વાતમાં જ રામ-રાવણના યુદ્ધથી સમજાવાય છે કે માણસ ગમે તેટલો બળવાન હોય તોય એના પાપ એને પહોંચી વળવાના. આમ સાચા-ખોટાની સમજ બાળ ભીખામાં બાળપણથી રેડાતી રહી છે.  રામલીલામાં માત્ર કથાનું દર્શન નથી. હોંકારા, પડકારા સાથે બોલી બોલવાનું વર્ણન સામાજિક માનસિકતાનું બયાન કરે છે.

લેખનમાં સશક્ત રૂઢિપ્રયોગો વપરાયા છે. ‘મસાણમાં મડદા હોંકારા કરે ને ચૂડેલ રાસડા લે’, ‘એક જણ એટલે કંઈ નહીં અને બે જણ એટલે બે એકડા અગિયાર’, ‘મા જોગણી મને ખાય !’ ‘મને રૂંવે રૂંવે કીડા પડે’  જેવા રૂઢિપ્રયોગો તત્કાલીન સમય અને લોકમાનસને સાથે લઈને ચાલે છે. આ કોઈ વ્યક્તિચિત્ર નથી. આખું સમાજચિત્ર છે. કિયાડીનો કૂવો જેમાં પંદર કે મહિને દિવસે એક સ્ત્રી આત્મહત્યા કરતી, એ દ્વારા સ્ત્રીઓની દુર્દશાનો ચિતાર અપાયો છે. આમ પુસ્તકમાં નાયક જયભિખ્ખુના જીવનચરિત્રનો કથાપ્રવાહ સરસ રીતે જળવાયો છે.

જયભિખ્ખુના સાહિત્યમાં વીરરસ, શૃંગારરસ, ચિંતન, સામાજીક સમસ્યાઓ, નારી પ્રત્યેનો સમસામયિક અભિગમ, નારીની દુર્દશા, પ્રકૃતિ વર્ણનો અખૂટ ભર્યા છે. જયભિખ્ખુએ ઐતિહાસિક નવલકથાઓ ઘણી લખી છે અને એમાં લેખન પૂર્વે પૂરતું સંશોધન, નોંધો અને ચીવટપૂર્વક ઐતિહાસિક કથાનકોના સત્યપક્ષને પૂરી વફાદારી, એ એમનું જમાપાસું હતું. વાચકવર્ગને અને નવી પેઢીને દમદાર, ખુમારીભર્યું, ઉમદા સાહિત્ય પૂરું પાડવું એ એમની નેમ હતી. પોતે ધર્મનિષ્ઠ જૈન હોવા છતાં સંકુચિત અને અસહિષ્ણુ જૈનો પર કટાક્ષ કરવામાં તેમણે કસર છોડી નથી. લખવા માટેની એમની ઉત્કંઠા ખૂબ હતી એટલે લખવાના સમયની શિસ્ત જાળવવાનો એમનો પૂરો આગ્રહ રહેતો પણ સંજોગો હંમેશા એકસમાન ન રહે એ સ્વાભાવિક છે. પ્રતિકૂળ સંજોગોને કારણે ન લખાય તો એમને એનો અજંપો સતત કનડતો રહેતો. ‘કુદરત જાણે રિબાવવા ઈચ્છે છે, ધાર્યું લખાતું નથી.’ આશ્ચર્ય એ છે કે એક જૈન વણિકને આવો વિચાર આવે છે કે ‘જ્યાં રૂપિયા-આના-પાઈનો જ અહર્નિશ વિચાર થાય છે એ સમાજને સાહિત્ય સાથે કોઈ નિસ્બત ખરી !’

સાહિત્યના શરણે જ જીવન ગુજારવા માટેના સંકલ્પ કઈ ખુમારીથી એમણે કર્યા હશે ? બદલામાં કેટલી આર્થિક આપદાઓ વેઠી અને તોય એમના જીવનમાં દૃષ્ટિપાત કરીએ તો આ માનવી ભર્યા દરબારનો જણાય છે. મજલિસના માનવી જયભિખ્ખુએ મિત્રોમાં મહોબ્બત લૂંટાવી છે. ખિસ્સાનો અવાજ સાંભળ્યા વગર ઠાઠમાં જીવવાની એમણે આદત રાખી છે. દુખ, મુશ્કેલી ન દેખાવા દેવા અને મોજથી જીવવું એ એમનો જીવનમંત્ર હતો.

સર્જક જયભિખ્ખુએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, વિખ્યાત વાર્તાકાર ધૂમકેતુ, જાદુની દુનિયાના બાદશાહ કે.લાલ, પ્રસિદ્ધ ચિત્રકાર કનુ દેસાઈ, લોકલાડીલા કવિ દુલા ભાયા કાગ જેવા મહાન કલાકારોનો ખૂબ પ્રેમ પ્રાપ્ત કર્યો હતો. જયભિખ્ખુએ રામાયણ વિષે લખેલા લેખની એક પંક્તિમાં, કાળ ભગવાન શ્રીરામને કહે છે, ‘હે રામ, નાટક પૂરું થયા પછી પાત્ર એનો એ વેશ પહેરી રાખે તો ભૂંડો લાગે’ આ વાક્ય વાંચીને કાગબાપુ એમના પર વ્હાલથી વરસી પડ્યા હતા.

સામાજિક જાગૃતિ માટે એમણે દિલથી પ્રયત્નો કર્યા હતા. પિતરાઈ ભાઈની પત્નીના મોતના સમયે એકબાજુ કાણ કૂટવાનો રિવાજ અને બીજી બાજુ સ્ત્રીના મૃત્યુના દસમા જ દિવસથી નવી સ્ત્રીની શોધ કેમ કે વિધુરની તેરમા દિવસે સગાઈ થવી જ જોઈએ એ આબરૂનો પ્રશ્ન ! આવા રૂઢ અને સંવેદનહીન રિવાજો સામે જયભિખ્ખુ પૂરો વિરોધ કરે છે. સમાજના દંભ, સ્વાર્થ અને ઉપેક્ષાવૃતિથી તેઓ દુખી થાય છે. લખે છે, ‘આવા સમાજમાં જન્મ્યા તોય શું અને મર્યા તોય શું ? જ્યાં રોટલી ઘીમાં ઝબોળીને આપી છે કે ઉપરથી એની ચર્ચા મુખ્ય હોય અને દીકરો શું ભણે છે તે વર્ષમાં એકવાર પણ પૂછાતું ન  હોય !’ અહીં સમાજસુધારક જયભિખ્ખુના દર્શન થાય છે.

જયભિખ્ખુનો પોતાના સેવક તુલસીદાસ માટેનો પ્રેમ એટલો જબરદસ્ત હતો કે તુલસીદાસના ગુમ થવાથી એમણે ગુજરાત સમાચારમાં પ્રથમ પૃષ્ઠ પર જાહેરાત અપાવી હતી, ‘જીવન તો યુદ્ધ છે. બધાં રડે છે. જલ્દી આવો. છેવટે કુશળતાના ખબર આપો. પૈસા મંગાવો. – બાલાભાઈ દેસાઈ. પોતાના સેવક પ્રત્યેનો પ્રેમ હોય કે નવા ઊગતા લેખકોને માનભર મદદ હોય, નાના-મોટાના ભેદ વગર સર્વ પ્રત્યે સમાન સ્નેહાળ વ્યક્તિત્વની અહીં ઝાંખી મળે છે. ગામથી દૂર આવેલી પોતાની સોસાયટીના વિકાસ માટે તો એમણે મહેનત કરી જ પણ ગુંડાઓના ત્રાસથી બચાવવા પણ જયભિખ્ખુની હિમ્મત અને ખુમારી જ લોકોને કામ લાગી અને તેય કદી ન ભૂલાય એવી રીતે. જયભિખ્ખુના વ્યક્તિત્વના અનેક ઝળહળતાં પાસા આ પુસ્તકમાં આલેખી પુત્રએ પિતાનું સાચું અને મનભર તર્પણ કર્યું છે.

મસ્ત ફકીર જેવા જયભિખ્ખુને પોતાનું ખુદ્દાર અને ખુમારીભર્યું જીવન એટલું વહાલું હતું કે એમણે લખ્યું છે કે “જિંદગીમાં સઘળી ઈચ્છાઓ પૂર્ણ થઈ છે. હવે એક જ ઈચ્છા બાકી છે. લહાલહાતી ખુશાલી સાથે વિદાય લઉં. હું મારી જાતે હાથમાં પાણીનો પ્યાલો પીતો હોઉ અને દુનિયામાંથી વિદાય લઉં. ઓશિયાળાપણું મને સ્હેજે ખપે નહી.” અને એમ જ પૂરી સ્વસ્થતા સાથે, કોઈ ખાસ પીડા વગર એમને મૃત્યુ નસીબ થયું.

જયભિખ્ખુ પોતાની ડાયરીમાં નોંધ લખે છે કે ‘સંસારમાં ઓછાને મળે એવા દીકરો અને વહુ મને મળ્યા છે. જીવ જાય ત્યારે કોઈએ શોક કરવો નહીં. નનામીની પ્રથા નાછૂટકે અજમાવવી. મળી શકે તો મ્યુ.ની બસ મંગાવી એમાં દેહને લઈ જવો. એક જ દિવસે સહુને બોલાવી લેવા. લૌકિકમાં ઝાઝો ઝમેલો ન કરવો. વ્યવહારની ક્રિયાઓ ઓછી કરવી ને વ્હાલપની વધુ. રોવું કૂટવું બંધ. પત્નીએ ચાલુ વસ્ત્રો અને બંગડીઓ રાખવી. વિધવાના ચિન્હો રાખવા નહી. પહેરાવવા જે પ્રયત્ન કરે એને ચાર હત્યાનું પાપ લાગે. ગરીબોને ભોજન, પંખીને ચણ ને ગાયને ચાર નાખવી.’

એમનો આ સંદેશ વાંચીને ખુદ ઈશ્વર પેટલીકર નોંધે છે, “જયભિખ્ખુ પ્રખર સુધારક હતા. આવું કહેનારી વ્યક્તિ એના વિચારોમાં કેવી દૃઢ હશે !” કોઈપણ સમજી શકે કે એમના આચારવિચાર વચ્ચે કોઈ અંતર નહોતું. જેવું વિચાર્યું એવું જ જીવ્યા અને એવું જ મેળવ્યું. સમાજને સુધારવાના મનોરથ કરનારા ઘણા હોય છે, પોતાના જીવનમાં આચરી બતાવનારા ભાગ્યે જ કોઈ હોય. જયભિખ્ખુ એવું જીવન જીવી ગયા.

પુસ્તકમાં જયભિખ્ખુની લેખનશૈલીના અનેક ઉદાહરણો મળી આવે છે. જયભિખ્ખુની કલમે આલેખાયેલું શાહઝરીનના પત્નીનું વર્ણન જુઓ કેવું દમદાર છે !

“દેહ પર કૌવત હતું, કામીને ઊભો ડામનારું. આંખમાં જગદંબાની જ્યોત હતી. શીલાને ખાતર શૂળીએ ચડતા ન ડરનારી નારીકુળની એ દુહિતા લાગી. અદબ એની હતી. મલાજો એનો હતો.”

આજના સમયના સંદર્ભે આ ટાંકવું યોગ્ય જણાય છે. જયભિખ્ખુએ પોતાની ડાયરીમાં એકવાર નોંધ્યું છે, ‘ઈર્ષ્યા એ ગુજરાતનાં લેખકોનો મુખ્ય ગુણ છે. બીજાના સારામાં કદી રાજી થતાં નથી. ખટપટ, ખુશામતથી જીવનારા અને એકબીજાની ઓળખાણથી આગળ વધનારા છે.’ અને પછી તરત એ લખે છે ‘વિરોધ જ માનવીને આગળ વધારે છે.’

જયભિખ્ખુ સાથે સંકળાયેલ કેટલી મોટી પાત્રસૃષ્ટિ આ પાનાઓ પર પથરાઈ છે ! એમની શબ્દછબીઓ જીવંત લાગે છે. એમના ચરિત્રોનો ઉઘાડ અને રસપ્રદ વર્ણનોથી પ્રસંગોનું આલેખન એક નવલકથાના પ્રવાહની જેમ આ પુસ્તકમાં સડસડાટ વહે છે. નાયકના જીવનની ખૂબીઓ અને ખાસિયતોનું વર્ણનાત્મક શૈલીએ ઝીણું ભરતકામ છે. અમુક પ્રસંગોની વાર્તાની માફક માંડીને રજૂઆત જેમ કે ગારુડીનો પ્રસંગ, રીંછ સાથેના મુકાબલાની ઘટના, કિયાડી કૂવાની વાત, કિમતી ઘડિયાળ પાછું મેળવ્યાની વાત, મીરખા બહારવટિયાની અને પાલીકાકીના સાહસની વાત , ભૂત પ્રેત અને ચમત્કારોની તથા ભૂત કાઢવાના પ્રયોગોની રહસ્યમય રજૂઆત…જેને વાચક ભૂલી શકે નહીં. ઉત્તર ગુજરાતનું વરસોડા ગામ, તેની ભાગોળ, આસપાસના જંગલો, થોડેક આઘેરી વહેતી સાબરમતી નદી, ભેંકાર કોતરો, શિવપુરી આશ્રમની આસપાસના જંગલો આ બધામાં પ્રકૃતિ વર્ણનો કથાને ઉપકારક બન્યા છે.

જયભિખ્ખુના ખુમારી અને ખુદ્દારીભર્યા પ્રસંગો, એમની મૂલ્યનિષ્ઠા, જીવનદૃષ્ટિ, ધર્મપરાયણતા, પરગજુપણું, મૈત્રીભાવના, નિખાલસતા જેવા ગુણોને ચિત્રીત કરતાં અનેક પ્રસંગો આ ગ્રંથને ઉમદા માનવીય મૂલ્યોનો દસ્તાવેજ સાબિત કરે છે તો યુવાનવયથી એમનામાં દૃઢાયેલો મસ્ત ફકીર જેવો મિજાજ વાચકને અભિભૂત કરે છે. સત્ય ઘટનાઓ અને રોચક દૃષ્ટાંતોને કારણે આ પુસ્તક જરાય શુષ્ક બનતું નથી. લેખક આ પુસ્તકમાં પૂરતી કાળજી રાખે છે કે જીવનચરિત્રનું એકધારાપણું પુસ્તકમાં પ્રવેશે નહીં. એને બદલે ઘટનાઓનું પ્રવાહી આલેખન અને રસાળ શૈલી આ પુસ્તકને વાચકપ્રિય બનાવે છે. ખૂબ ઊંચા ગજાના આ સર્જકે પોતાની કલમથી જૈન સાહિત્યની ખૂબ મોટી સેવા કરી પણ સાથે સાથે સાંપ્રદાયિકતાના દાયરામાંથી બહાર નીકળી પોતાની કલમથી સતત માનવધર્મને આંબ્યો. એમણે ગુજરાત સમાચારમાં શરૂ કરેલી ‘ઈંટ અને ઈમારત’ કૉલમ તેની ગવાહી પૂરે છે.

આ પુસ્તક છે, સમાજે વધાવેલા એક સર્જકના જીવનચરિત્રનું, એક સાહિત્યકાર પુત્રે પોતાના સાહિત્યકાર પિતાને અર્પેલા અર્ઘ્યનું અને એમાં ક્યાંય શુષ્કતા સ્પર્શતી નથી. પ્રસંગો, ઘટનાઓનો પ્રવાહ ભાવકની રસવૃત્તિને બરાબર જકડી રાખે છે. એક નવલકથાના પ્રવાહની જેમ એ વહ્યું જાય છે એ લેખકની સિદ્ધિ છે. નાયક જયભિખ્ખુની  ડાયરીના ટાંચણોના ટેકે અને જયભિખ્ખુના જીવન સાથે વણાયેલા લોકો પાસેથી મળેલી માહિતીના આધારે લેખકની કલમમાંથી પ્રાસંગિક વર્ણનો અને ક્રમબદ્ધ ઘડાતા જતા પિતાના વ્યક્તિત્વનો આલેખ તટસ્થતાથી પાનાંઓ પર પથરાય છે. આ ઘણું કપરું અને સતત સજાગતા માંગી લે એવું કામ છે. તારીખ વાર સમય સાથેના ડાયરીના ઝીણવટભર્યા ટાંચણો બતાવે છે કે આ આખો જીવનવૃતાંત મોટાભાગે એના આધારે લખાયો છે. ઘટનાઓ, હકીકતો, વિગતો અને પાનાઓ પર પથરાયેલા જે તે સ્થળના ફોટાઓથી આ પુસ્તકનું દસ્તાવેજી મૂલ્ય વધી જાય છે. પુસ્તકમાં પ્રાણ ફૂંકવાની સાથે સાથે જીવનચરિત્ર આલેખનની શરતો અને મર્યાદા બંને સાચવવાનું કપરું કામ લેખકે બખૂબી નિભાવ્યું છે.

 

લતા હિરાણી : પરિચય

ગુજરાત સાહિત્ય અકાદમીમાં કારોબારી સભ્ય; આકાશવાણી અને દૂરદર્શનમાન્ય કલાકાર.

દિવ્ય ભાસ્કર, આદિત્ય કિરણ, નવચેતનમાં કૉલમલેખન.

કુલ ૧૪ સર્જનોમાં રાષ્ટ્રીય સાક્ષરતા મિશન અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કૃત પુસ્તકો.      

ઈમેઈલ સરનામું : Lata J. Hirani <lata.hirani55@gmail.com>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *