ગામનાં છોકરાઓના શિક્ષણને ખાતર !!

– ધનસુખ ગોહેલ.

ભાવનગરના હશે એને, ખાસ કરીને સ્ટેટ બેંક ઓફ સરાષ્ટ્ર વાળાને ખબર હશે કે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રનું  ટ્રેનીંગ સેન્ટર ને એમ.ડી.નો બંગલો જ્યાં હતો એ રોડ પર ડાબી બાજુ ફૂલવાડી માં એક  બોર્ડીંગ આવે છે જેનું નામ ”રામકૃષ્ણ જેઠાલાલ જોશી બોર્ડીંગ” છે.

આ રામકૃષ્ણ જેઠાલાલ એટલે પ્રખ્યાત કવિ જગદીશ જોશીના પિતા. મૂળ એ મોટા ખોખરાના ને બજારગેટ સ્કૂલ મુંબઈ ચલાવતા.

રામકૃષ્ણભાઈ વરસોથી મુંબઈ સ્થાયી થયેલા. આ લખનારે એમને પહેલાં જે  હેન્ડલ મારો ત્યારે શરૂ થાય એવી બસમાં મુસાફરી કરતા જોયા છે. સાવ સીધા માણસ. માથે કથ્થાઈ કલરની ટોપી, ઝબ્બો, બંડી, ધોતિયું ને પગમાં ચપ્પલ. આ એમનો પેરવેશ.

હું, મારા કાકા નાનજીભાઈ, પ્રભાતગર મહારાજ, હીરાભાઈનો નટવર, મગનભાઈ લુવારનો દીકરો નારણ, રામદાસ બાપુનો દીકરો દલપત, નારૂભાના બે દીકરા નામે ચંદુભા વાછાણી ને ધીરુભા વાછાણી (જે છેલ્લે પોલીસમાં વરતેજ  હતા). ચંદુભા પ્રાથમિક શિક્ષક થયા. આ રામકૃષ્ણ ભાઈએ પ્રાથમિક સ્કૂલ શરૂ કરવા પોતાનું સરસ મકાન મોટા ખોખરાને એક પૈસો લીધા વિના આપી દીધેલું ત્યાં અમે સૌ ૧૯૫૯ માં ભણેલા. સ્કૂલ સાત ધોરણ સુધીની હતી. મકાન જુઓ તો સાતેય કોઠે દીવા થાય. ને જાણે ભૂખ્યાં ને તરસ્યાં બેઠા રહીએ.

એ વરસોમાં પણ લાખોની કિંમત થાય એવું ટકોરાબંધ મકાન રામકૃષ્ણ ભાઈએ મોટા ખોખરાને સોંપી દીધેલું.

સાચા કેળવણીકાર આને કેવાય. કેટલી ચિંતા હશે પોતાના ગામ ને આસપાસનાં ગામોના વિદ્યાર્થીઓની ?! અમારા નાના ખોખરાથી મોટા ખોખરા દૂર નથી. માંડ ત્રણ/ચાર કિલોમિટર હોય તો. અમે સૌ નાના ખોખારાથી મોટા ખોખરા અપ ડાઉન કરતા.

ધન્ય છે રામકૃષ્ણ ભાઈને.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *