દર્શક : અમારા મનુભાઈ

– જુગલકીશોર.

 

દરીયાના રંગની, ઉંડું તાકતી, નીલી આંખો; અણીદાર – પોપટની ચાંચ જેવું જ કહી શકો – નાક; ઝીણો પણ તીણો અવાજ ને આઈન્સ્ટાઇનની યાદ અપાવે તેવાં ઝુલ્ફાં – પેટ જરા વધુ મોટું એટલે શરીરની ઉંચાઈ ઓછી બતાવે પણ લગરીક પણ એમને જેમણે અનુભવ્યા હોય તેઓ એમની આંબી ન શકાય તેવી ઉંચાઈ જાણીને અંજાઈ જ જાય –

સાવ સાદાં, ગળી નાખ્યાં વિનાનાં ધોતીઝભ્ભો; મોટે ભાગે ઓળ્યા વિનાના વાળ (ક્યારેક ઘસીને ઓળ્યું જોઈએ એટલે અમે મીત્રો કહીએ, ‘આજ બાપા ક્યાંક મોટી મીટીંગમાં જાવાના લાગે છે !’) – આટલી સાદગી વચ્ચે પણ એમનાં વિચારો–લખાણો ને કાર્યોનો શો વૈભવ !!

અમારા મનુભાઈનો આ બાહ્ય પરિચય.

સમુહરસોડે શાક સમારતા મનુભાઈ.

સાહીત્ય, ઈતીહાસદર્શન અને રાજકારણના ક્ષેત્રનાં ચીંતનો–લખાણોએ કરીને વૈશ્વીક કક્ષાએ બીરાજતા મનુભાઈ કેળવણીક્ષેત્રે ક્રાંતદર્શી ! પણ સૌથી વધુ તો ગામડાંનો જીવ…..વીદ્યા અને વીદ્યાર્થીઓમાં રમમાણ…..ભણાવવા બેસે ત્યારે મનુભાઈ કોઈના નૈ ! સરસ્વતીદેવીની એમની આરાધના રામકૃષ્ણદેવની કાલીભક્તીની યાદ અપાવે.

ને કપડાંની જેમ જ જીવનવ્યવહારોમાંની એમની સાદગી ! એમના વીદ્યાર્થી રહ્યાં હોઈએ એટલે તેઓ ‘આવડા મોટા માણસ’ છે તે યાદ રાખવાનું મન જ ન થાય ને !

આટઆટલાં સન્માનોથી વરાયેલા દર્શક મનુભાઈ ગાંધીવીચારે કરીને નાનામાં નાના માણસના પોતાના માણસ બની શક્યા, બની રહ્યા.

લોકભારતીનો વીદ્યાભ્યાસ છોડ્યાંને મારે વરસો વીતી ગયાં તો પણ જ્યારે પણ અમદાવાદ આવે ત્યારે ફોન કરીને મને જાણ કરે. મળવા જઉં તો સાવ પાસે બેસાડે. ‘બુચભાઈ તને યાદ કરે છે…’ જેવી ઔપચારીક વાતથી શરૂ કરીને કેટલું……ય પુછે. આપણા સાવ અંગત માણસ બની રહે.

એક વાર મેં એમને મારા કાર્યક્ષેત્રની જાણ કરતી, ભારત સરકારની યોજનાનું સાહીત્ય જોવા મોકલેલું. શ્રમીકો માટેની – શ્રમીકોના કાર્યક્ષેત્ર ઉપરાંત એમના જીવનવ્યવહારોને પણ સ્પર્શતી શૈક્ષણીક યોજના એ હતી. લોકભારતીની સફળતા પછી ગામડાંમાં શીક્ષણ પ્રસારવાની એમની અનોખી યોજના એવી માઈધારની કામગીરી પુરેપુરી શરૂ થઈ નહોતી. મારું મોકલેલું સાહીત્ય વાંચીને, અમદાવાદ મળ્યા ત્યારે લાગલું જ કહેલું, “જુગલ, માઈધારમાં હું જે કરવા માગું છું તે પ્રકારનું જ કહી શકાય તેવું કામ તું તો કરવા માંડ્યો છે ! ત્યાં ગામડું ને ગામડાંના ઉદ્યોગો છે; તારે ભાગે શહેરી શ્રમીકો અને ઉદ્યોગો છે એટલું જ.”

એક વાર લોકભારતીમાં ઉમાશંકરભાઈ અને નગીનદાસ પારેખ પધારેલા. હું ત્યારે સાહીત્યમંત્રી હતો. અમારા ભીંતપત્ર “સમિધ”નો હું તંત્રી. સાંજે મહેમાનગૃહે તેમને મળ્યો ને કહ્યું કે સમિધ માટે આપની કવીતા આપો. તેમણે કહ્યું કે સવારે આવજો, હું આપીશ. સવારે લેવા ગયો તો નગીનભાઈ બહાર આવ્યા. મેં કહ્યું કે કાવ્ય લેવા આવ્યો છું. તેઓએ કહ્યું કે એમનું કાવ્ય તો તમને મળશે જ પણ અત્યારે તો તેઓ (ઉ.જો.) તમારું કાવ્ય વાંચી રહ્યા છે !! હું તો મુંઝાઈ ગયો. મને કહે, મનુભાઈએ તમારાં કેટલાંક કાવ્યો અમને વાંચવા મોકલાવ્યાં છે તે વંચાઈ રહ્યાં છે ! (ત્યારે ખબર પડી કે બે દીવસ પહેલાં કોઈ વીદ્યાર્થી દ્વારા મારાં કાવ્યો મનુભાઈએ શા માટે મંગાવ્યાં હતાં…..)

ઉમાશંકરભાઈએ તે રાતે જે બે નાનકડાં કાવ્યો લખેલાં તે સમિધ શબ્દના અનુસંધાને હતાં ને તેમની “સમગ્ર કવિતા”માં લોકભારતીની તારીખ સાથે સંગ્રહાયેલાં છે. પછી તો બેસાડીને મારે જ મુખે તેમણે “આ મેઘરાજ શો નૃત્ય કરે !” કાવ્યનું પઠન, મારો સંકોચ દુર કરાવીને, કરાવેલું.

મનુભાઈ અમારા સૌની વીશેષતાઓ ખોળી કાઢે. ને જાહેરમાં એની ચર્ચા કરે. અમને એવો તો પોરસ ચડે !

બાજુના ગામ સાંઢીડામાં મહાદેવનું જાણીતું મંદીર. ત્યાં શ્રાવણી મેળામાં અમે સૌ જઈએ. મોટો ધરો ચોમાસાના પાણીથી છલોછલ હોય. કાંઠે જ એક જુનું ઝાડ. મનુભાઈ ધોતીયાનો કછોટો મારીને ઝાડ પર ચડે. ત્યાંથી જે પલોંઠીયો મારે તે ઝાડની ઉંચાઈએ પાણી ઉડે ! અદોદળું ભારે શરીર. મને થાય કે મનુભાઈનો પગ લસરશે તો ? પણ અમારી ચીંતાને ગણકારવાને બદલે હીંમત આપે……હોળીમાં તો મનુભાઈને સૌ શબ્દશ: ઢસડીને જ લઈ જાય. માટીના લોંદા ડીલે ઘસીઘસીને આખા ને આખા ગારાવાળા કરી દે. પછી તો લગભગ ટીંગાટોળી કરીને કે ઉંચકીને ઘરે લઈ જાય ને વિજયાબહેનને સાદ પાડે, “લેજો માડી આ મનુભાઈ !!”

મારા અભ્યાસગાળા વખતનો ફોટો

વાતો કરવા બેસીએ તો પાર ન આવે એટલાં બધાં સંસ્મરણો હૈયે આવીઆવીને પાછાં જાય છે. પણ અત્યારે તો આટલુંક જ.

છેલ્લે સીવીલ હોસ્પીટલના બીછાને હતા ત્યારે દર્શન કરી શક્યો. મેં હાથ જોડ્યા, તો આંખોથી જ આશીર્વાદ વરસાવ્યા. તેઓ વીદાય લઈ રહ્યા છે તે વાત સહ્ય થતી નહોતી.

એમના સર્જનાત્મક સાહીત્યોમાંનાં બધાં પાત્રોમાં તો તઓ હતા જ, પણ ‘સોક્રેટીસ’માં તો તેઓ જ સોક્રેટીસ હતા. ગુજરાતી ભાષાના ઈતીહાસમાં તેઓ એક મોટા મોઈલસ્ટોન તરીકે જ ઓળખાશે. ગાંધી અને નાનાભાઈને તેમણે સક્રીય રીતે જીવી બતાવ્યા.

જમણી બાજુ છેલ્લે મૂ.મો.ભટ્ટ પાછળ જુભૈ.

 

 

2 total views, 1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *