સંસ્થા : વીચારોની પ્રયોગશાળા (૨)

પોતે જ સ્થાપેલી સંસ્થાને છોડવાનું થયું ત્યારે નાનાભાઈના મનમાં શહેરી બાળકોને બદલે ગામડાંનાં બાળકો–કિશોરોને છાત્રાલયના માધ્યમથી ભણાવીને કેળવણીને સાર્થક કરવાની ગણતરી હતી. અને એટલે જ દક્ષિણામૂર્તિ જેવી આદર્શ સંસ્થા છોડીને આંબલા જેવા નાનકડા ગામમાં કાર્ય શરુ કર્યું.

પહેલી સંસ્થાના હોદ્દેદારો–કાર્યકરોને થયું કે નાનાભાઈ સંસ્થામાંથી અગત્યની ઘણી સામગ્રી સાથે લઈ જશે ! પણ નાનાભાઈએ સંસ્થાને વિનંતી કરીને ફક્ત પોતાના આરાધ્યદેવ દક્ષિણાદેવનો ફોટો જ માગેલો !! આટલી માત્ર નિશાની જ લઈને તેઓએ સંસ્થા છોડી હતી.

પછી તો ગામડાંના યુવાનોને સ્નાતકની ઉપાધિ સુધ્ધાં અપાવવાના મહાન કાર્યને આગળ વધારવા કૉલેજકક્ષાનું ભણતર આપનારી લોકભારતી સંસ્થા પણ સ્થાપી અને માધ્યમિક કક્ષાના શિક્ષણકાર્યને વરેલી આંબલા અને મણારની ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થાઓ તથા ઉચ્ચ શિક્ષણ આપતી સણોસરાની લોકભારતી એ ત્રણેય ગુજરાતની જ નહીં, ભારતભરની આદર્શ સંસ્થાઓ તરીકે આજે પણ કાર્યરત છે.

કોઈ ઉચ્ચોચ્ચ વિચારમાંથી પ્રગટતી સંસ્થાઓ કેવાં કેવાં લક્ષ્યો પાર પાડી શકે છે તેનાં આ સંસ્થાઓ ઉદાહરણો છે.

1962-’65ની મારી લોકભારતી !*

*****     *****    *****     *****

સંસ્થાની સ્થાપના થયા પછી હેતુઓમાં સમયસમય પર થતા ફેરફારો સંસ્થાના સ્થાપકની હાજરીમાં થાય તે અને એમના ગયા પછી થાય તેમાં ઘણો ફેર હોય છે ! પણ કેટલાક ફેરફારો જે સમયને અનુરુપ કરવાના થાય તે તો થાય જ. પણ મુળ હેતુને ચાતરીને કરવામાં આવતા ફેરફારો આગળ જતાં નુકસાનકારક જ ગણાય. આવી સંસ્થાઓ એના સ્થાપકના નામને બગાડી બેસે તો શી નવાઈ ?

સંસ્થાપકના અવસાન બાદ પાછળ રહેલા સંચાલકો સંસ્થામાં ફેરફારો કરે ત્યારે તેનાં બે કારણો મુખ્ય ગણીએ તો પહેલું કારણ જે સંચાલકોની ઓછી ઓછી સુઝ કે ચાલુ પ્રવાહની સામે તરવાની અશક્તી હોય તો ક્ષમ્ય ગણવી જ રહી પરંતુ બીજું કારણ જે સ્થાપકની ગેરહાજરીનો ગેરલાભ લેવાની હોય તો તે અક્ષમ્ય જ ગણાય.

આ બન્ને પ્રકારના અનુભવો અવારનવાર થતા રહેતા હોય અને અનેકોના ધ્યાન પર પણ આવતા રહેતા હોય છતાં તે એક વાસ્તવીકતા બનીને રહી જાય છે.

પરંતુ એવાય બનાવો હોઈ શકે છે જેમાં સ્થાપકની હાજરીમાં જ સંચાલકો મુળ હેતુઓને ચાતરીને કાર્યો કરતા હોય અને સ્થાપક વ્યક્તી લાચાર બની રહે. સ્થાપક વ્યક્તી દ્વારા મુકવામાં આવતા પ્રસ્તાવોને અવગણવામાં આવે…..એમની સુચનાઓ તરફ આંખ આડા કાન કરીને હાંસીયામાં મુકી દેવામાં આવે ત્યારે સ્થાપકની દશા ખુબ જ નીરાશ કરનારી હોય છે.

કોઈ સંજોગોમાં સ્થાપક વ્યક્તી સંસ્થા છોડવા તૈયાર થાય તો તેને વહેલી તકે સ્વીકારી લેવાનું બને તે તો ઠીક, સમજાય, પણ તેવા સંજોગોમાં સંસ્થા સાથે જોડાયેલા સંચાલકો–વ્યવસ્થાપકો, કાર્યકરો અને સંબંધીત અનેક લોકોમાંથી એક પણ વ્યક્તી સ્થાપકને વીદાય આપવા (વળાવવા !) બારણા સુધી પણ ન જાય કે (ચાલકોના ડરથી કે ટકી રહેવાના લાભથી) ખાનગીમાં બે શબ્દો પણ કહી ન શકે તેવી સ્થીતી પણ હોઈ શકે છે….

સંસ્થા કે કોઈ પ્રવૃત્તીનું મંડળ આજના જમાનામાં સરળતાથી કાર્ય કરી ન શકે તો એમાં કેટલાક રાજકારણને કે કેટલીક આર્થીક તકલીફોને ગણાવે તો સમજી શકાય પણ એક જ વીચારની કેડીએ ચાલનારાઓની કેડી પહોળા રસ્તારુપ બનવા માંડે એટલે કોઈ ભળતાં કારણોને આગળ કરી દે એવુંય શક્ય હોય છે.

આજે તો આપણે સામયીકોને બંધ પડતાં જોઈએ છીએ; શિક્ષણમાં જુની પરીપાટી બદલાતી જોવા મળે છે; કુટુંબકબીલાના જુના સંસ્કારો આમુલ પરીવર્તન પામતા અનુભવાય છે; ગામડાંઓની ચાલી આવતી પ્રણાલીગત નામનાઓ ભુંસાઈ જતી જણાય છે; ખેતી જેવા દેશના પ્રમુખ ઉદ્યોગને હીરાઉદ્યોગમાં ફેરવાઈ જવાથી પડી ભાંગવાની નોબત આવી શકે છે.

આ બધાં પરીવર્તનો સામયીક ગણીને ચાલવા સીવાય કોઈ રસ્તો નથી ! કેટલાક રાજકીય પ્રવાહો, કેટલાંક આર્થીક કારણો, કેટલાંક સામાજીક બળાબળ વગેરે આપણું જીવનપોત બદલી નાખે છે.

વીચાર એક સુક્ષ્મ બાબત છે. એને સંસ્થા કે અન્ય કોઈ સ્થુળ રૂપનો આકાર આપીને અમલમાં મુકતી વેળા એ વીચારોને અમલમાં મુકનારા સ્થાપકોને ભવીષ્યમાં આમુલ બદલાવ આવી જશે એ વાતનો અડસટ્ટો હશે ?!!

– જુ.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *